મુમ્બાપુરીનું પુલ-પુરાણ : અધ્યાય પહેલો

09 May, 2026 10:23 AM IST  |  Mumbai | Deepak Mehta

પાણી પાર કરવા પુલ બંધાય એમ રસ્તો કે ટ્રેનના પાટા પાર કરવા માટે પણ બંધાય. બીજા રસ્તાઓ પર પણ બંધાય.

ગાડાં-ગાડીને ધ્યાનમાં રાખીને ૧૮૭૯માં બંધાયેલો હૅન્કૉક બ્રિજ

એક સીધોસાદો સવાલ : ‘પુલ’ એટલે શું? ગુજરાતી શબ્દના અર્થ માટે પહેલાં તો સાર્થ ગુજરાતી જોડણીકોશને જ પૂછવાનું હોયને? એ શું જવાબ આપે છે? કહે છે, ‘પુલ’ એટલે ‘સેતુ.’ હકીકતમાં આ ‘અર્થ’ નથી, પર્યાય છે; પણ ચાલો, એને જ પૂછીએ કે ‘સેતુ’ એટલે શું? જવાબ હાજર છે : ‘પુલ.’ આવી વ્યવસ્થાને ‘સાર્થ’ કઈ રીતે કહી શકાય? ‘સેતુ’ શબ્દ લઈને હવે જઈએ ભગવદ્ગોમંડળ કોશ પાસે. એનો જવાબ છે : ‘પુલ; પાણી પર થઈને જવા-આવવા માટે બાંધેલો રસ્તો. આજકાલ મુખ્યત: ચાર પ્રકારના સેતુ બનાવવામાં આવે છે : (૧) ગર્ડર બ્રિજ-લોઢાના ગર્ડરોનો બનાવેલો પુલ, (૨) આર્કબ્રિજ-ગોળાકાર પુલ; (૩) સસ્પેન્શન બ્રિજ-ઝૂલતો પુલ, જેમાં થાંભલા નથી હોતા અને (૪) ઓપનિંગ બ્રિજ - વહાણની આવ-જા કરતી વખતે ઊડતો પુલ. ખાસ્સી વિગતવાર સમજણ આપી છે, ‘પુલ’ શબ્દની. પણ અહીં એક મુશ્કેલી છે : માત્ર પાણીની ઉપર થઈને જવા-આવવાનો રસ્તો એ અર્થ મર્યાદિત છે. પાણી પાર કરવા પુલ બંધાય એમ રસ્તો કે ટ્રેનના પાટા પાર કરવા માટે પણ બંધાય. બીજા રસ્તાઓ પર પણ બંધાય.

હા, જી. અમે જાણીએ છીએ કે અમારા માનવંતા વાચકો વિચારતા હશે કે આજે આ શબ્દાર્થ પુરાણ કેમ માંડ્યું છે?

કારણ આજે માંડવું છે મુંબઈનું પુલ-પુરાણ. આ આપણું મુંબઈ શહેર મુખ્યત્વે ફેલાયું છે દક્ષિણથી ઉત્તર દિશામાં. એટલે ધોરી રસ્તાઓ પણ મોટા ભાગના દક્ષિણ-ઉત્તર. ગ્રેટ ઇન્ડિયા પેનિન્સુલા રેલવે અને બૉમ્બે બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપનીઓએ જે ટ્રેનો શરૂ કરી એ પણ દક્ષિણ-ઉત્તર ટ્રેનો. પરિણામે ૧૮૫૩થી ટ્રેનો ચાલતી થઈ એ પછી મુંબઈનો પશ્ચિમ કિનારો અને પૂર્વ કિનારો અને એની આસપાસનો પ્રદેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. મુંબઈનાં બધાં બંદર એના પૂર્વ કિનારે. એટલે લાવવા-લઈ જવાનો બધો સામાન મોકલવાનો પૂર્વ કિનારે આવેલાં બંદરોએ અને બહારથી આવેલો સામાન બંદરો પર ઊતરે પછી એને મોકલવાનો બાકીની ત્રણ દિશામાં. મુંબઈમાં ટ્રેન આવી નહોતી ત્યાં સુધી તો બધું હેમખેમ ચાલતું રહ્યું, પણ વચમાં ટ્રેનના પાટા આવ્યા પછી? પહેલાં તો ફાટકની વ્યવસ્થા થઈ. એક જમાનામાં લગભગ દરેક સ્ટેશન પાસે ફાટક હોય જ. ચાલતા લોકો, વાહનો વગેરે સૌ આ ફાટકનો ઉપયોગ કરીને રેલવેલાઇનની એક બાજુથી બીજી બાજુ પહોંચે.

પણ બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો જરા લાંબો હોય ત્યારે જ ફાટક ખૂલે. પછી ઝડપથી બંધ. માલ લાવતાં-લઈ જતાં વાર થાય એ ન તો વેપારીને પોસાય કે ન તો વહાણવટુઓને પોસાય. તો કરવું શું? અને જવાબરૂપે બંધાયો મુંબઈનો પહેલવહેલો પુલ કહેતાં સેતુ કહેતાં બ્રિજ. એનું નામ હૅન્કૉક બ્રિજ. મુંબઈના આ પહેલવહેલા પુલ સાથે જેમનું નામ જોડાયું હતું એ હૅન્કૉક કોણ હતા? ઇંગ્લૅન્ડમાં એન્જિનિયરિંગનો અભ્યાસ. ૧૮૫૪માં ૧૯ વર્ષની ઉંમરે હિન્દુસ્તાન આવ્યા. ૧૦ વર્ષ લશ્કરમાં એન્જિનિયર તરીકે કામ કર્યા પછી બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જાહેર બાંધકામ ખાતામાં જોડાયા અને એ વખતે મુંબઈમાં બંધાતાં રસ્તા, સરકારી ઇમારતો વગેરેનાં બાંધકામ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. આ રીતે તેમણે ૨૦ વર્ષ સુધી કામ કર્યું. વખત જતાં બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રમુખ બન્યા. ૧૮૮૫માં તેમનું અવસાન થયું.


૧૦ વર્ષની મહેનત અને ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી બંધાયેલો અડધો હૅન્કૉક બ્રિજ

મુંબઈમાં રેલવેલાઇનને ઓળંગતો પહેલવહેલો પુલ બંધાયો ત્યારે એની સાથે આ હૅન્કૉકનું નામ જોડવામાં આવ્યું. ૧૮૭૯માં હૅન્કૉક બ્રિજ બંધાઈ રહ્યો ત્યારે હૅન્કૉક હયાત હતા અને મુંબઈમાં જ હતા. મુંબઈનાં જાહેર બાંધકામો વિશેના તેમના ફાળાને ધ્યાનમાં રાખીને આ પુલ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. કેટલાકના મતે આ પુલની ડિઝાઇન પણ હૅન્કૉકે પોતે જ તૈયાર કરી હતી. એની એક ખાસ બાબત એ હતી કે પુલનો બન્ને બાજુનો ઢોળાવ (slope) જરાય ઊભો (steep) નથી, પણ બનેએટળો સરળ છે. એને કારણે એ પુલ ખાસ્સો લાંબો બન્યો હતો. પણ આમ કરવાનું કારણ શું? કનૈયાલાલ મુનશીની આત્મકથાના એક પુસ્તકનું નામ છે, ‘સીધાં ચઢાણ’. મુનશી જેવા બાહોશ વકીલ અદાલતોમાં ગમે એટલાં સીધાં ચડાણ આસાનીથી ચડી શકતા, પણ પૂર્વની કિનારાપટ્ટીથી સામાન લાવતા કે લઈ જતા ગાડાના બળદની બિચારાની શી વિસાત કે કપરાં ચડાણ ચડી શકે? એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખીને આ પુલનો બન્ને બાજુનો ઢોળાવ બને એટલો સરળ રાખવામાં આવેલો અને આ દૂરંદેશી હતી એની ડિઝાઇન બનાવનાર હૅન્કૉકની.

હૅન્કૉક કુટુંબનો મુંબઈ સાથેનો સંબંધ ૬ પેઢી જૂનો છે. જેમનું નામ આ પુલ સાથે જોડાયું છે તેમનું આખું નામ છે કર્નલ હેન્રી ફ્રાન્સિસ હૅન્કૉક. તેમના પિતા ૧૮૧૯માં પહેલી વાર હિન્દુસ્તાન આવ્યા હતા બ્રિટિશ લશ્કરના એક સામાન્ય સિપાઈ તરીકે. તેમના દીકરા હેન્રી ૧૮૫૫માં મુંબઈના બ્રિટિશ લશ્કરમાં એક સામાન્ય સોલ્જર તરીકે જોડાયા હતા. લશ્કરમાં થોડો વખત કામ કર્યા પછી બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જોડાયા એન્જિનિયર તરીકે. તેમનો દીકરો ફ્રાન્સિસ પણ લશ્કરમાં જોડાયો, પણ પછી સિવિલ સર્વિસની પસંદગી કરી અને કાઠિયાવાડ અને એડનમાં પૉલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું (એડન એ વખતે મુંબઈ ઇલાકાનો ભાગ હતું). તેમનો દીકરો કાર્લ હૅન્કૉક, ૧૮૯૬માં જન્મ. ગ્રેટ બ્રિટનની વૅલિંગ્ટન કૉલેજ અને રૉયલ મિલિટરી કૉલેજમાં અભ્યાસ. ૧૯૧૬માં ૧૧૪ મરાઠા રેજિમેન્ટમાં જોડાયા. એ પછી તેમણે પણ સિવિલ સર્વિસનો રસ્તો લીધો. ૧૯૧૯માં બૉમ્બે પૉલિટિકલ ડિપાર્ટમેન્ટમાં બદલી લીધી. ૧૯૨૦માં મુંબઈના ગવર્નરના અસિસ્ટન્ટ પ્રાઇવેટ સેક્રેટરી. પછી દિલ્હી જઈને વાઇસરૉયના અસિસ્ટન્ટ પ્રાઇવેટ સેક્રેટરી. ૧૯૨૩માં રાજકોટના પૉલિટિકલ એજન્ટના સેક્રેટરી. ૧૯૨૫માં રાજપૂતાના (આજનું રાજસ્થાન)ના રેસિડન્ટના સેક્રેટરી. પછી ૧૯૨૯માં ભરતપુરના દેશી રાજ્યના ‘પ્રાઇમ મિનિસ્ટર’ બન્યા. ૧૯૩૨માં દિલ્હી જઈને સરકારના પૉલિટિકલ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી. ૧૯૩૯માં પૂર્વ ભારતનાં દેશી રાજ્યોના રેસિડન્ટ તરીકે કલકત્તામાં નિમણૂક. ૧૯૪૧માં પશ્ચિમ ભારતનાં દેશી રાજ્યો તથા વડોદરા અને રાજકોટનાં દેશી રાજ્યોના રેસિડન્ટ બન્યા. ૧૯૪૭માં નિવૃત્તિ લઈને સ્વદેશ ગયા અને ત્યાં ૧૯૯૦માં તેમનું અવસાન થયું. આવી લાંબી કારકિર્દી દરમ્યાન તેમને સરસાહેબનો માનવંતો ઇલકાબ મળ્યો હતો.


ફ્રૅન્ક હૅન્કૉક – હિન્દુસ્તાનમાં રહેલી આગલી ૬ પેઢીનો ઇતિહાસ શોધી કાઢ્યો.

આ જ કુટુંબના જ્યૉફ્રી હૅન્કૉક ભારતમાં ઊછર્યા, ભણ્યા, પછી બ્રિટિશ ફૉરેન સર્વિસમાં જોડાયા અને કારકિર્દીનો મોટો ભાગ અખાતના દેશોમાં કામ કર્યું. તેમના દીકરા ફ્રૅન્ક એક બ્રિટિશ બૅન્કમાં જોડાયા અને ૧૯૯૪માં ભારત આવ્યા, પણ તેમનાં પત્ની અને ત્રણ દીકરીઓ આયરલૅન્ડમાં રહેતાં હોવાને કારણે મુંબઈ અને આયરલૅન્ડ વચ્ચે અવારનવાર આવ-જા કરતા. ૨૦૧૬માં બૅન્કની નોકરી છોડીને Hakluyt નામની આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોડાયા. Induface નામની આંતરરાષ્ટ્રીય સલાહકાર કંપનીના પણ તેઓ ડિરેક્ટર છે. કેટલાક સ્થાનિક જાણકારોની મદદ લઈને ૧૦ વર્ષની શોધખોળ પછી તેમણે પોતાની આગલી ૬ પેઢીનો હિન્દુસ્તાન સાથેના સંબંધનો ઇતિહાસ શોધી કાઢ્યો, જેની રૂપરેખા ઉપર આપી છે.  

 બ્રિટિશ રાજવટ દરમ્યાન ૧૯૨૩માં એ અસલ હૅન્કૉક બ્રિજ તોડીને એની જગ્યાએ નવો પુલ બાંધવામાં આવ્યો. એ વખતે સંજોગો બદલાયા હતા. માલસામાનની હેરાફેરી માટે ખટારા પણ વપરાતા થયા હતા. એટલે બ્રિજનો બન્ને બાજુનો ઢાળ બીજા સામાન્ય પુલ જેવો જ રાખવામાં આવ્યો. પછી તો આવી આપણી પોતાની રાજવટ.

૨૦૧૬ના જાન્યુઆરીમાં આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો. પણ કેમ? કારણ એ જૂનો થઈ ગયો છે, લોકો માટે જોખમરૂપ છે વગેરે વગેરે. પછી એની જગ્યાએ બાંધવાનો નવો પુલ. ડિઝાઇનો તૈયાર થઈ, ટેન્ડર અપાયાં, કામ શરૂ થયું, પણ આજે ૧૦ વર્ષ પછી પણ નવો પુલ પૂરેપૂરો બંધાઈ રહ્યો નથી. અડધો ભાગ બંધાયો એ ખુલ્લો મૂકી દીધો. બાકીનો અડધો અધ્ધર લટકે છે. કમલાકર શેનૉય નામના એક મુંબઈના ચાહકે અદાલતમાં ધા નાખી. તપાસ દરમ્યાન જણાયું કે આ પુલ જોખમકારક છે. એને તોડી પાડવો જોઈએ એવું જણાવતો કોઈ જાણકારનો અહેવાલ સરકારી દફ્તરે નોંધાયો જ નથી. એટલું જ નહીં, વધુ તપાસ કરતાં જણાયું કે સમારકામ કરીને આ પુલને બચાવી શકાયો હોત. પુલ જોખમી હોવાની વાત કોના લાભ માટે ઉપજાવી કઢાઈ હોય એ સુજ્ઞ વાચકોને કહેવાનું ન હોય. નવો પુલ બાંધવાનું નક્કી થયું ત્યારે એની પાછળ ૪૧.૩૧ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. ૨૦૨૬ સુધીમાં એ કામ પાછળ ૧૦૦ કરોડ કરતાં વધુ રૂપિયા ખર્ચાઈ ગયા છે અને તોય પુલનું બાંધકામ પૂરું નથી થયું.


હૅન્કૉક બ્રિજ – કામ અભી ચાલુ હૈ

અસ્સલ પુલને તો બચાવી ન શકાયો, પણ કમલાકર શેનૉયની અદાલતી લડત ચાલુ છે. કેમ? શેનૉયનું કહેવું છે કે જૂનો પુલ તો ગયો એ ગયો, પણ હવે નવા પુલનું કામ તો ઝટ પૂરું કરો બાપલા. પુલ અધૂરો હોવાને કારણે લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડે છે, એ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ કેટલું વધ્યું છે વગેરે દાખલા-દલીલ શેનૉયે અદાલતમાં રજૂ કર્યાં છે, પણ એક બાજુથી તારીખ પર તારીખ. અને બીજી બાજુથી સત્તાવાળાઓના બહેરા કાન.

એ પુલનું બાંધકામ તો જ્યારે પૂરું થવાનું હશે ત્યારે થશે, પણ આપણે તો આવતા અઠવાડિયે પહોંચી જઈશું મુંબઈના બીજા કોઈ પુલ પર અને ત્યાંથી જોઈશું એ પુલનો ભૂતકાળ, વર્તમાન, અને ભવિષ્ય. પાછા મળીશું મુંબઈના બીજા કોઈ પુલ પર.

columnists mumbai whats on mumbai mumbai news deepak mehta