સિંગલ વુમન કે સિંગલ મધર માટે સમાજે શું કરવું જોઈએ?

29 July, 2026 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાસરમાં અપમાન અને હિંસા સહન કર્યા પછી 6 મહિનાની દીકરી સાથે નવું જીવન શરૂ કરનાર 83 વર્ષની સિંગલ વુમનની આ વાત દરેક સ્ત્રીને આત્મસન્માન સાથે જીવવાની પ્રેરણા આપે છે. સમાજે સહાનુભૂતિ નહીં, પરંતુ સન્માન અને સાથ આપવાની જરૂર છે.

કેતકી મહેતા

નારીશક્તિની કલ્પના કરવી, એનાં ગુણગાન ગાવાં ખૂબ સરળ છે. આપણા સમાજમાં એ ખૂબ થાય છે. જોકે સંજોગો અને તકલીફો ભોગવતી સ્ત્રીને કોઈએ પૂછ્યું છે કે આ બધું તમે કઈ રીતે સહન કર્યું? હંમેશાં સમાજમાં સ્ત્રીને દીકરી, બહેન, પત્ની, મા તરીકે જોવામાં આવી છે. પુરુષ સાથેના સંબંધથી તેની ઓળખાણ થતી હોય છે. આ પ્રકારની સ્ત્રીઓ વિશે આપણે જાણીએ છીએ, પરંતુ સમાજમાં આ જ સ્ત્રીઓ ફક્ત નથી. સમાજમાં ત્યક્તા, વિધવા, ડિવૉર્સી કે સિંગલ મધર પણ હોય છે. તે પણ સ્ત્રી જ છે. એ સ્ત્રીઓ અને તેમની કઠિનાઈ વિશે સમાજ કશું જાણતો નથી, જાણવા માગતો નથી. હું એ સમયે સિંગલ મધર બની હતી જ્યારે સિંગલ મધર શબ્દ જ જન્મ્યો નહોતો, કારણ કે સમાજમાં એ સમયે આવા ગણ્યાં-ગાંઠ્યા કિસ્સા જોવા મળતા. સાસરે ત્રાસ હોય તો સ્ત્રીઓ સહન કર્યા કરતી. માથું ઊંચકતી નહીં, ખુદ માટે લડતી નહીં. જોકે મને એ મંજૂર નહોતું. 
સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાં ઊછરેલી દીકરીઓનો અભ્યાસ પૂરો થાય એટલે માતા-પિતા પરણાવવાની ચિંતા કરે છે. સગાંવહાલાંઓ ચિંતા કરતાં પૂછવા લાગે છે કે કેટલી ઉંમર થઈ? જો-જો... મોડું ન થઈ જાય. માતા-પિતા આ વાતોને કારણે ઘણી વાર ઉતાવળિયું પગલું ભરી દેતાં હોય છે. મારી સાથે પણ આવું જ થયું. એક નામાંકિત ડૉક્ટર સાથે લગ્ન કરીને હું મુંબઈથી સૌરાષ્ટ્ર સાસરે ગઈ. લગ્નના એક મહિનાની અંદર મુશ્કેલીઓ સામે આવી. પિયર સાથે મારો સંબંધ સાવ છોડાવી નાખવામાં આવ્યો. મેં ખૂબ અપમાન સહન કર્યું. હું પણ એ જ વિચારતી હતી કે સ્ત્રીઓએ તો સહન કરવું પડે એટલે સહેતી હતી. જોકે પછી એ થયું જે નહોતું થવું જોઈતું. મેં માર ખાધો. એ સમયે મોટા ભાગની સ્ત્રીઓને કહેવામાં આવતું કે આ તો નૉર્મલ છે, પણ મારા માટે એ નૉર્મલ નહોતું. બીજી વાર માર પડ્યો ત્યારે મેં વિચારી લીધું કે મારો કોઈ જ વાંક નથી છતાં મારે આ શું કામ સહન કરવું પડે? હું આ સહન નહીં કરી શકું. હું મારી ૬ મહિનાની દીકરીને લઈને ત્યાંથી નીકળી ગઈ. નોકરી કરી અને દીકરીને ડૉક્ટર બનાવી. ક્યારેક વિચારું છું કે સ્ત્રી માટે આ પગલું લેવું કેટલું અઘરું હતું એ સમયે. કદાચ આજે પણ છે. સમાજ આવી પરિસ્થિતિમાં સ્ત્રીનો સાથ આપે તો તેની કઠણાઈ ઓછી થઈ શકે. 
તો હવે પ્રશ્ન આવે કે એ સાથ આપવા માટે શું કરવું? સ્ત્રીને બીજું કંઈ કરી શકો કે નહીં, સવાલો પૂછવાના બંધ કરો. તેને બિચારી ગણીને સહાનુભૂતિ આપવાની જરૂર નથી, માણસ ગણીને તેને સ્વમાન સાથે જીવવાનો હક આપો. પુરુષ વગર તું કેમ જીવીશ એવી ચિંતા કરવા કરતાં એમ કહો કે અમે તારી સાથે છીએ, તું ચિંતા ન કર. તેની મુશ્કેલીઓને સરળ ન કરી શકો તો વાંધો નથી પણ તેની તકલીફો વધારો નહીં એટલી અરજ આ ૮૩ વર્ષની સિંગલ વુમન તમને કરે છે. 
સામે છેડે સ્ત્રીઓને હું કહેવા માગીશ કે સાસરે આત્મસન્માન ગુમાવીને રહેવું પડે એવા મજબૂર બનવાની જરૂર નથી. થોડી હિંમત રાખો. દુનિયા સિંગલ વુમન માટે ખૂબ જ અઘરી હતી. હવે ખૂબને હટાવી દઈએ તો પણ અઘરી તો છે. જોકે એ અઘરું જીવન સ્વમાન સાથે જીવવાનું છે જે ખૂબ જરૂરી છે. માતા-પિતા તમારો સાથ આપે તો ખૂબ સારું, પણ જો ન આપે તો તમે ખુદનો સાથ આપજો.

columnists exclusive gujarati mid day india news