07 August, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરીએ છીએ કાર્યકર્તાઓની અને તેમની ક્વૉલિટીની. અગાઉ કહ્યું એમ સમય આપવાવાળા, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સંસ્થાનું ગૌરવ છે. સંસ્થામાં જે કામ તેમને સોંપાયું હોય એને જવાબદારીપૂર્વક કરે. પ્રત્યેક કાર્યને પરિણામ સુધી પહોંચાડવાનું છે. કંઈક આડુંઅવળું ચાલતું હોય તો તેમને ઊંઘ ન આવે. નહીં તો હવે માથે આવ્યું છે અને કરવાનું છે તેથી કરવું જ પડેને! ‘ગરબડ ગોટો અને પ્રભુ મોટો’ પતાવો. એ કામમાં કોઈ ભલીવાર ન હોય. કાર્યકર્તાઓ તો નિષ્ઠાવાન હોવા જોઈએ.
કાર્યકર્તાઓની આવી જ બીજી ગુણવત્તા છે કુશળ હોવું. કાર્યકર્તા કુશળ હોવો જોઈએ. પોતે જે કામ કરવાના છે એ કરવાની કુશળતા તેમનામાં હોય. બાકી વિરોધ કરીને ઘણાને હટાવી દે છે. હટાવી દેવા બહુ સહેલું છે પણ તેમનો વિકલ્પ બનવું કઠિન છે. વિકલ્પ બનવું જરૂરી છે. જો તમે વિકલ્પ બનો તો જ તમે કોઈનો વિરોધ કરવાને લાયક છો એવું માનવું. આ વાત સંસ્થાથી લઈને સરકાર સુધીમાં દરેક જગ્યાએ લાગુ પડે છે. ઘણી વાર કામમાં કોઈ કહી દે કે મજા ન આવી, પણ આવું કહેવાને બદલે મજા આવે એવો તેણે સામે વિકલ્પ પણ આપવો જોઈએ. માણસે વૈકલ્પિક વ્યવસ્થા આપવી એ બહુ મહત્ત્વનું છે. વિકલ્પ વિનાનો વિરોધ કે અણગમો ગેરવાજબી છે.
સૌરાષ્ટ્રમાં તો આ પરંપરા રહી છે અને એ ગૌરવ લેવા જેવી પરંપરા છે કે સૌરાષ્ટ્રમાં સતાધાર જેવી પવિત્ર જગ્યા છે. ત્યાં સેવા કરવા માટે લોકો આવે. મહિનાની સેવા માની હોય, બે મહિનાની સેવા માની હોય. અહીં બગદાણા-બજરંગદાસબાપા અને તેમના સેવકો સો-બસો વીઘાના જમીનદાર માણસો અને તેમના છોકરાઓ ત્યાં સેવા કરવા આવે. માત્ર સંસ્થામાં જ સેવા કરવા આવે એમ નહીં; જ્યાં ક્યાંય કથા ચાલતી હોય, મોટાં-મોટાં આયોજનો હોય ત્યાં તેમની સેવા માગો એટલે તેઓ ત્યાં સેવા કરવા આવે.
કેવી સેવા એ પણ જાણવા જેવું છે.
મહેમાનો માટે ગરમ ડોલ પાણીની ભરીને આપવી, તેમના ઓરડાને વ્યવસ્થિત સાફ કરવા, તેમને જમવાનું પીરસવું વગેરે દરેક પ્રકારની સેવા કરે. સેવાનો ધર્મ બહુ મોટો છે. સમયનું દાન કરનારા આવા નિષ્ઠાવાન, કુશળ અને પ્રામાણિક કાર્યકર્તાઓ જે સંસ્થા પાસે જેટલી માત્રામાં છે એ સંસ્થા એટલી માત્રામાં એટલી વિશેષ સમૃદ્ધ ગણાય. કુશળ, નિષ્ઠાવાન અને પ્રામાણિક કાર્યકર્તાઓ સંસ્થા પાસે કેટલા છે એ સંસ્થાની સાચી સમૃદ્ધિ છે.
મારે તમને એ કહેવું છે કે જ્યાં કોઈ સારું કાર્ય ચાલતું હોય, કોઈ સેવાનો યજ્ઞ ચાલતો હોય ત્યાં સૌ પોતપોતાની રીતે આહુતિ આપે. કોઈ સંપત્તિનું દાન કરે તો કોઈ સમયનું દાન પણ કરી શકે. જેની પાસે સંપત્તિ ન હોય તે પોતાનો સમય પણ આપી શકે. આવા પ્રામાણિક પરિશ્રમ સાથે સમયદાન કરનારા પ્રાપ્ત થવા એ પણ અત્યંત દુર્લભ છે. ચાલો, આપણે પણ સમયદાની બનીને કોઈને ઉપયોગી બનીએ.