સ્ત્રીસશક્તીકરણ એટલે સ્ત્રીની આગવી ઓળખ

20 July, 2026 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ત્રીસશક્તીકરણ એટલે મહિલાની શારીરિક, બૌદ્ધિક અને આત્મિક શક્તિનો સર્વાંગી વિકાસ. શિક્ષણ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન દ્વારા દરેક સ્ત્રી પોતાના જીવનના લક્ષ્યો હાંસલ કરી શકે અને સમાજમાં સમાન સ્થાન મેળવે, એ જ સાચું સશક્તીકરણ છે.

કલ્પના દવે

સ્ત્રીસશક્તીકરણ વિશે જ વાત કરું. સ્ત્રીસશક્તીકરણ એટલે સ્ત્રીમાં રહેલી શારીરિક, બૌદ્ધિક તેમ જ આત્મિક શક્તિનો સંપૂર્ણ વિકાસ સાધવો. એક એવી સ્વયંસિદ્ધા નારી જે પોતાના જીવનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમર્થ હોય જે આજના સમયમાં ખૂબ જ જરૂરી પણ છે.
મિત્રો, તમે આજની યુવા નારી વિશે શું કહો છો? તે પરંપરાગત વિચારો ધરાવે છે? તે શિક્ષિત સ્વાવલંબી છે કે હજી પણ કેટલાક સમાજમાં શોષિત અવસ્થામાં જીવે છે? આપણને આધુનિક સમાજ કે શિક્ષિત સમાજમાં, પરંપરાગત સમાજમાં કે કેટલાક પછાત વિસ્તારોમાં સ્ત્રીઓની અલગ-અલગ પરિસ્થિતિ જોવા મળશે. જોકે આપણે સ્વસ્થ સમાજની રચના કરવા સ્ત્રીસશક્તીકરણ કરવું જ રહ્યું. આ માટે દરેક સ્ત્રીએ પોતે જાગૃત થવું જ જોઈએ.
સ્ત્રીસશક્તીકરણ એટલે એક સુસંસ્કૃત-શિક્ષિત-આત્મનિર્ભર નારી; જે પોતાના નિર્ણય જાતે લઈ શકે છે, જે આર્થિક રીતે સક્ષમ છે, જે પોતાનું આત્મગૌરવ સાચવે, અન્યાય સામે અવાજ ઉઠાવવાની નૈતિક હિંમત દાખવે. સ્ત્રીસશક્તીકરણ એટલે જ સ્વયંસિદ્ધા નારી જે વિકટ સંજોગોમાં પણ પોતાના ધ્યેય તરફ આગળ વધે. 
ના ડરું કદી જીવનના ઝંઝાવાતથી
હું તો સ્વયંસિદ્ધા નારી
મધદરિયે હંકારું નાવ મારી
હું તો સ્વયંસિદ્ધા નારી (અનુભૂતિ પુસ્તકમાંથી )
સ્વમાનભેર જીવન જીવવા માટે શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને સશક્તીકરણ જરૂરી છે. પોતાના સ્વને ઓળખીને સ્વમાનપૂર્વક જીવન જીવવું એ જ સાચું સ્ત્રીસશક્તીકરણ.
આપણે નારીમુક્તિનાં ઘણાં આંદોલનો વિશે જાણીએ છીએ. હવે સ્ત્રીએ કુટુંબમાં કે સમાજમાં પોતાના સમાન હક માગવાના નથી, પણ પોતે જાગૃત રહીને પોતાનો ન્યાય કે હક પ્રાપ્ત કરવાના છે. માત્ર ઊંચી ડિગ્રી મળી ગઈ કે પોતે આર્થિક રીતે કમાતી થઈ ગઈ એટલે સ્વયંસિદ્ધા ન થઈ જવાય. તમારા કામ પ્રત્યેની નિષ્ઠા, અન્ય સાથેનો તમારો વ્યવહાર પણ સૌજન્યપૂર્ણ હોવો જોઈએ. પોતાની ગરિમા જાળવવા પ્રત્યેક સ્ત્રીએ સજાગ રહેવું જોઈએ. સ્ત્રીસુરક્ષા પણ ખૂબ મહત્ત્વની છે. સ્ત્રી કોઈ મોટી કંપનીમાં એક્ઝિક્યુટિવ હોય, પોતાનો વ્યવસાય કરતી હોય કે લઘુ ઉદ્યોગમાં પ્રત્યેક સ્ત્રી સુરક્ષિત રીતે કામ કરી શકે એ મહત્ત્વનું છે. સ્ત્રી સાથે ડોમેસ્ટિક વાયલન્સ કે કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી કે દૈહિક ઉત્પીડનની ઘટના ન થાય એ જોવાની આપણી સૌની નૈતિક ફરજ છે?
નારીમુક્તિના ઉજ્જવળ પંથે હવે પિતૃસત્તાક સમાજવ્યવસ્થા ભલે સ્વીકાર્ય નથી, પણ કુટુંબમાં સમન્વય-સહકાર અને વડીલોના આદરને કેમ ભુલાય?
સ્ત્રીસશક્તીકરણ અને નારીમુક્તિની નવી દિશા એટલે સીતાજીના અગ્નિપ્રવેશમાં, દ્રૌપદીના ચિત્કારમાં, મીરાંની ભક્તિમશાલમાં, મેં સાંભળ્યો મુક્તિનાદ.

Education columnists gujarati mid day mumbai lifestyle news life and style exclusive