30 March, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિ કિશન અને આમિર ખાન
આમિર ખાન પ્રોડક્શન્સની ઘણી શાનદાર ફિલ્મોમાં, ‘લાપતા લેડીઝ’ એક એવી ફિલ્મ છે જેણે દર્શકોના દિલ જીતી લીધા હતા અને ઑસ્કારમાં પણ નોમિનેટ થઈ હતી. આ ફિલ્મે એક પાવરફૂલ અને વિચારપ્રેરક વાર્તા રજૂ કરવાની સાથે કેટલાક યાદગાર પાત્રોને પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા. ભલે વાર્તા ફૂલ, જયા અને દીપકની આસપાસ ફરે છે, તેમ છતાં તેમાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરનું પાત્ર ભજવનાર રવિ કિશનના અભિનયે પણ પોતાની છાપ છોડી હતી. હવે જરા વિચારો, જો આ પાત્ર આમિર ખાને ભજવ્યો હોત તો શું થાય?
લાપતા લેડીઝમાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરની ભૂમિકા માટે આમિર ખાનને પણ ઓડિશન આપ્યું હતું જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમિર ખાન ટોકીઝે તેને તેની કાસ્ટિંગ ડાયરીઝ હેઠળ પોસ્ટ કર્યો છે. આ અનસીન ફૂટેજ આમિર ખાનની સ્ક્રીન ટેસ્ટ દર્શાવે છે, જોકે આ ભૂમિકા આખરે રવિ કિશન દ્વારા ભજવવામાં આવી હતી. આ અનસીન ફૂટેજ આમિર ખાન પ્રોડક્શન્સમાં કાસ્ટિંગ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની એક રસપ્રદ ઝલક આપે છે. રવિ કિશને આ પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું, પરંતુ આમિર ખાનને તેના માટે ઓડિશન આપતા જોવું ખરેખર રોમાંચક અને ખાસ બન્યું છે.
આ સિવાય આમિર ખાને આ ભૂમિકા માટે પોતાને સંપૂર્ણપણે બદલી નાખ્યા. ગમે તે હોય, તે હંમેશા તેના પાત્રો માટે તેના જબરદસ્ત પરિવર્તન માટે જાણીતો છે. ગજિનીમાં 8-પૅક ઍબ્સ મેળવવા માટે બોડી બનાવવી હોય કે પછી દંગલ માટે વજન વધારવા અને ઘટાડવા સુધીની સફર, લગાનમાં એક ગામડાના યુવકથી લઈને થ્રી ઇડિયટ્સમાં કૉલેજ સ્ટુડન્ટ બનવાની અને પછી થગ્સ ઑફ હિન્દુસ્તાનમાં સંપૂર્ણપણે અલગ ગુફામાં રહેનાર લુક અપનાવવાની વાત હોય, આમિરે હંમેશા તેના પાત્રમાં સંપૂર્ણ રીતે ભળી જવાની ક્ષમતાથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ ઉપરાંત, આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ સિતારે જમીન પર અને લાહોર 1947 સહિત ઘણી વધુ રોમાંચક ફિલ્મો આવવાની તૈયારીમાં છે.
આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. ૨૦૨૨માં તેની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ હતી અને એ પછી તેની કોઈ જ ફિલ્મ નથી આવી. આ સંજોગોમાં આમિર ખાને એક મોટી જાહેરાત કરી છે. તે નજીકના ભવિષ્યમાં પોતાની એક યુટ્યુબ ચૅનલ લઈને આવી રહ્યો છે. આમિર ખાનના હોમ-પ્રોડક્શન આમિર ખાન પ્રોડક્શન્સે પોતાની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ ‘આમિર ખાન ટૉકીઝ’ લૉન્ચ કરી છે જેના પર એક્સક્લુઝિવ કન્ટેન્ટ દર્શાવવામાં આવશે. આ કન્ટેન્ટમાં ક્યારેય જાહેર ન થયેલી બિહાઇન્ડ ધ સીન્સ વાતો અને સ્પેશ્યલ સ્ટોરીઝ દર્શાવવામાં આવશે. આ ચૅનલ પર આમિર પોતાની કરીઅર વિશે માહિતી આપશે.