07 July, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને આદિત્ય ધર
ગઈ કાલે રણવીર સિંહની ૪૧મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે ફિલ્મ ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શૅર કરીને પોતાના દિલની વાત વ્યક્ત કરી છે. આદિત્યે સોશ્યલ મીડિયામાં રણવીર સાથેની કેટલીક ખાસ તસવીરો શૅર કરીને ‘ધુરંધર’ના શૂટિંગ દરમ્યાનના અનુભવો વિશે લખ્યું અને રણવીરના અભિનયનાં દિલ ખોલીને વખાણ કર્યાં.
આદિત્યએ પોતાની પોસ્ટમાં લખ્યું છે...
કેટલીક ફિલ્મો જીવનભર દિલમાં વસેલી રહે છે. ‘ધુરંધર’ મારા માટે હંમેશાં એવી જ ફિલ્મ રહેશે. માત્ર એટલા માટે નહીં કે અમે એક અદ્ભુત વાર્તા કહી, પણ એટલા માટે પણ કે મને એવી એક દુર્લભ ક્ષણનો સાક્ષી બનવાનો મોકો મળ્યો જે બહુ ઓછા ડિરેક્ટર્સને તેમના જીવનમાં મળે છે. મને હંમેશાં ખબર હતી કે તું અસાધારણ અભિનેતા છે પણ આ સફરે મને માત્ર તારા અંદરના કલાકાર સાથે જ નહીં પરંતુ તે કલાકારની પાછળ રહેલા અદ્ભુત ઇન્સાન સાથે પણ પ્રેમ કરવાનું શીખવ્યું. ‘ધુરંધર’ના શૂટિંગ દરમ્યાન એવા ઘણા દિવસો આવ્યા જ્યારે મને લાગ્યું કે હું કંઈક અત્યંત ખાસ જોઈ રહ્યો છું.
૨૬/૧૧ની સીક્વન્સ, ચાની દુકાનનું અંતિમ દૃશ્ય, પઠાનકોટ નરસંહાર, પમ્પ હાઉસનું દૃશ્ય અને કોર્ટની બહારનું દૃશ્ય... આ તો માત્ર થોડાં ઉદાહરણો છે. એક પછી એક ટેક અને એક પછી એક દૃશ્યમાં તેં ક્યારેય સરળ રસ્તો પસંદ કર્યો નહીં. દરેક લાગણી યોગ્ય જગ્યાએ પહોંચતી હતી. દરેક મૌનનો પોતાનો અર્થ હતો. દરેક નજર પાછળ સ્પષ્ટ ભાવ હતો. દરેક ક્ષણ સંપૂર્ણ રીતે જીવંત હતી. સાચું કહું તો એવું લાગતું હતું કે જાણે હું કોઈ એવા કલાકારને જોઈ રહ્યો છું જેને દૈવી આશીર્વાદ મળ્યા હોય. જાણે સ્વયં માતા સરસ્વતીએ તમારા માથા પર હાથ રાખીને પોતાની સંપૂર્ણ કલાત્મક પ્રતિભાનો આશીર્વાદ તમને આપ્યો હોય
એક ડિરેક્ટર તરીકે કેટલીક ક્ષણો એવી હોય છે જેનો અનુભવ કરવાની આશા તમે આખું જીવન રાખો છો. તેં મને એવી ક્ષણો વારંવાર આપી.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ‘ધુરંધર’માં તેં જે અભિનય કર્યો છે એ ભારતીય સિનેમાના ઇતિહાસના શ્રેષ્ઠ અભિનયોમાંનો એક છે. આ માત્ર અભિનય નથી, પ્રકૃતિની એક અદ્ભુત શક્તિ છે. મને જરાય શંકા નથી કે લોકો આવનારાં ઘણાં વર્ષો સુધી, કદાચ પેઢીઓ સુધી આ અભિનયની ચર્ચા કરશે. જોકે મારા માટે સૌથી કીમતી યાદો ‘ઍક્શન’ અને ‘કટ’ વચ્ચેની રહેશે. આપણી વાતચીત, એકસરખો વિશ્વાસ અને દરેક ક્ષણને સંપૂર્ણ બનાવવા માટેનો અવિરત પ્રયાસ. આ સફરમાં એક સમય એવો આવ્યો જ્યારે તું માત્ર મારો અભિનેતા રહ્યો નહોતો, તું મારો ભાઈ બની ગયો. તારું દિલ, તારી કળા અને તારો જુસ્સો મને વિશ્વાસપૂર્વક સોંપવા બદલ તારો ખૂબ-ખૂબ આભાર. ‘ધુરંધર’ માટે તેં તારું સર્વસ્વ સમર્પિત
કર્યું એ બદલ હું હંમેશાં તારો ઋણી રહીશ. આપણે સાથે મળીને જે સર્જન કર્યું છે એના પર મને અપાર ગર્વ છે. હંમેશાં પ્રેમ. જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ, મારા ભાઈ.
હૅપી હૅપી બર્થ-ડે શેરે: ૪૧મી વર્ષગાંઠે અર્જુન રામપાલે પણ આપી ખાસ શુભેચ્છા
રણવીર સિંહની ગઈ કાલે ૪૧મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે ફિલ્મ ‘ધુરંધર’ના સહ-અભિનેતા અર્જુન રામપાલે પણ તેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. અર્જુને આ પ્રસંગે ફિલ્મ ‘ધુરંધર’નો એક ખાસ વિડિયો પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ વિડિયોમાં ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની કેટલીક ખાસ ઝલક જોવા મળે છે. અર્જુન રામપાલે વિડિયો સાથે લખ્યું, હૅપી હૅપી બર્થ-ડે શેરે. આવતું વર્ષ તારા માટે શાનદાર રહે. આ વર્ષ સુંદર યાદો, ઉત્કૃષ્ટ અભિનય, સફળતા, પ્રેમ, હાસ્ય અને ઉજવણીથી ભરપૂર રહે.’