23 May, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન દર વર્ષની જેમ આ વર્ષે પણ ૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા દીકરી આરાધ્યા સાથે ફ્રાન્સ ગઈ છે અને તેણે કાન ફેસ્ટિવલમાં પોતાના લુકથી બધાનાં દિલ જીતી લીધાં છે. આ વર્ષે ઐશ્વર્યાનો લુક ફૅમસ ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો.
ઐશ્વર્યાએ આ વર્ષે રેડ કાર્પેટ પર હાથવણાટની બનારસી સાડી પહેરવાનું પસંદ કર્યું હતું. આઇવરી, રોઝ ગોલ્ડ અને સિલ્વર ટોનમાં બનાવેલી આ સાડી માટે ખાસ પ્રકારની બ્રૉકેડ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચાંદીની જરીથી ભરતકામ કરવામાં આવ્યું હતું. આ સાડીને તેણે મૅચિંગ ફુલ સ્લીવ્સ બ્લાઉઝ અને ડ્રેપ સ્ટાઇલ દુપટ્ટા સાથે પહેરી હતી. તેણે પોતાનો આ લુક ૧૮ કૅરૅટના સોનામાં જડેલા ૫૦૦ કૅરૅટથી વધુના મોઝામ્બિક માણેક અને રફ ડાયમન્ડ સાથેનો અત્યંત ખૂબસૂરત નેકલેસ પહેરીને કમ્પ્લીટ કર્યો હતો. ઐશ્વર્યાના આઉટફિટ અને જ્વેલરીની સાથોસાથ એની વચ્ચે પાંથી પાડીને એમાં સિંદૂર લગાવેલી હેરસ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક લોકો તેના આ સિંદૂર-લુકને ઑપરેશન સિંદૂર સાથે જોડે છે, તો કેટલાક ફૅન્સ એવું માને છે કે ઐશ્વર્યાએ સિંદૂર લગાવીને બધાને સંદેશ આપી દીધો છે કે તે અને અભિષેક ડિવૉર્સ લેવાનાં હોવાની વાત ખોટી છે અને તેમનું લગ્નજીવન અકબંધ છે.