21 February, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણબીર કપૂર, સોની રાઝદાન, કરીના કપૂર કરિશ્મા કપૂર સાથે આલિયા ભટ્ટ (તસવીર: યોગેન શાહ)
બૉલિવૂડનો કપૂર પરિવાર ઉજવણીમાં ઘણી વખત એક સાથે જોવા મળે છે. પાર્ટી હોય કે પછી કોઈ કૌટુંબિક પ્રસંગ તેમની સાથે ઉજવણી કરવાની ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ હોય છે અને તેઓ પોતે પણ ઉજવણીની પળો તેમના ચાહકો માટે શૅર કરે છે. તાજેતરમાં કપૂર પરિવારમાં ફરી એકવાર ખુશીનો ક્ષણ આવ્યો છે. કારણ કે કરીના, કરિશ્મા અને રણબીરની માસીના દીકરા આદર જૈનના લગ્ન થઈ રહ્યા છે. જે માટે હવે સેરેમની શરૂ થઈ ગઈ છે. સંપૂર્ણ કપૂર પરિવાર આદર જૈનની મહેંદી સેરેમની માટે ભેગો થયો હતો. આ પ્રસંગે, તેઓએ ખૂબ ડાન્સ કર્યો હતો, જેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આલિયાએ તેની ભાભીઓ સાથે ડાન્સ કર્યો
આદર જૈનની મહેંદી સેરેમનીમાં એક ખૂબ જ સરસ ક્ષણ કૅમેરામાં કેદ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કરીના કપૂર ખાને મેજેન્ટા રંગનો સૂટ પહેર્યો છે અને તે ડાન્સ ફ્લોર જતી જોવા મળી રહી છે. ડાન્સ કરવા જતી વખતે કરીનાએ બહેન કરિશ્મા કપૂરને પણ બોલાવી હતી. જ્યારે કરીના અને કરિશ્મા ડાન્સ કરવા આવી તે દરમિયાન આલિયા ભટ્ટ પણ તેમની સાથે જોડાઈ હતી. આ વીડિયોમાં આગળ જતાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જ્યારે બૉલીવૂડની આ અભિનેત્રીઓ ડાન્સ કરી રહી છે ત્યારે અભિનેતા રણબીર કપૂર પણ પાછળ ઊભેલા દેખાઈ રહ્યો છે. રણબીરે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે. તે આલિયા ભટ્ટની પાછળ ઊભો છે અને ત્યાં જ તેણે ડાન્સ કરવાનું શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે આદર જૈન રાજ કપૂરની બહેન રીમા જૈનનો દીકરો છે. આદર કરીના, કરિશ્મા અને રણબીર કપૂરનો પિતરાઈ ભાઈ છે. આદર જૈને અગાઉ અલેખા અડવાણી સાથે ખ્રિસ્તી રીતરિવાજોથી લગ્ન કર્યા છે, પરંતુ હવે લગ્નની વિધિઓ પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે. આ ડાન્સ વીડિયો તેના મહેંદી સમારોહનો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કપૂર પરિવારના બધા સભ્યો ડાન્સ કરતાં અને ગીતો ગાતા જોવા મળી રહ્યા છે.
ભાઈના લગ્નમાં આવેલી પ્રિયંકાના લૂકની પણ ચર્ચા
પ્રિયંકા ચોપરા પણ થોડા સમય પહેલા તેના ભાઈના લગ્નમાં આવી હતી. સિદ્ધાર્થનાં લગ્ન થઈ ગયા છે, પણ તેના લગ્નની તસવીરો ખાસ કરીને પ્રિયંકાના લૂકની ચર્ચા તો હજી પણ થઈ રહી છે. પ્રિયંકાના તમામ લુકમાંથી લગ્ન સમયનો તેનો લુક સૌથી વધારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રિયંકાએ ભાઈનાં લગ્નના દિવસે લેહંગા પહેર્યો હતો અને એની સાથે તેણે ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ બલ્ગરીનો ચમકદાર પન્ના અને ડાયમન્ડનો નેકલેસ પહેર્યો હતો, જે ચર્ચામાં આવ્યો હતો.