✕

રામાયણ જોઈને અનુપમ ખેરની આંખોમાં આવ્યાં આંસુ

07 November, 2026 12:59 PM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

મારા માટે આ ભારતીય સિનેમાના ઇતિહાસની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

અનુપમ થયા ભાવુક

ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને થિયેટરમાં રિલીઝ થયા બાદ દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં જટાયુનો અવાજ બનનાર અનુપમ ખેરે પણ ફિલ્મનાં ભરપૂર વખાણ કર્યાં છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં જણાવ્યું છે કે ફિલ્મ જોતી વખતે તેમની આંખોમાંથી આંસુ અટકતાં નહોતાં.

અનુપમ ખેરે વિડિયો શૅર કરીને લખ્યું, ‘સ્ટૉકહોમમાં લગભગ પાંચસો લોકોથી ભરેલા હૉલમાં ‘રામાયણ’ જોઈને હમણાં જ પાછો આવ્યો છું. મારું હૃદય ખુશીઓથી ભરેલું છે. હું ખૂબ ખુશ છું અને મને ગર્વ છે કે આપણા ભારતમાં આવી શાનદાર ફિલ્મ બની છે. મારા માટે એ ગર્વની વાત છે કે જટાયુના પાત્ર અને ફિલ્મની શરૂઆતના નૅરેશન દ્વારા હું પણ આ ફિલ્મનો હિસ્સો છું. મારા માટે આ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે અને જોવામાં અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મ છે.

ખરેખર, મેં અગાઉ આવું ક્યારેય જોયું નથી. ફિલ્મ પૂરી થઈ ત્યારે આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો. લોકો ‘જય શ્રીરામ’ના નારા લગાવી રહ્યા હતા. સ્ટૉકહોમમાં બેસીને આ ઉત્સાહ અને લાગણીનો અનુભવ કરવો એક યાદગાર અનુભવ હતો. આ વિડિયોમાં હું એ જ અનુભવ તમારી સાથે શૅર કરી રહ્યો છું. એને મારો રિવ્યુ ન કહેશો, પણ હૃદયમાંથી નીકળેલી પ્રશંસા કહેશો. મને જે અનુભવાયું એ મેં કહ્યું છે. બાકી તમે પોતે જ સાંભળી લેજો. આ ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકાર, ટેક્નિશિયન અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન! તમે અમને ગર્વ અનુભવવાની શાનદાર તક આપી છે. જય શ્રીરામ. જય હિન્દ.’

anupam kher sweden stockholm ramayan indian films nitesh tiwari movie review film review social media bollywood buzz bollywood news bollywood bollywood gossips