22 April, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુરાગ કશ્યપ અને તેણે કરેલી પોસ્ટ
બૉલિવૂડ જગતમાં અનેક વખત પોતાના બેફામ નિવેદનોને લીધે વિવાદમાં રહેતો ફિલ્મ મેકર અને ડિરેક્ટર અનુરાગ કશ્યપે તાજેતરમાં બ્રાહ્મણ સમાજ પર જાતિ ભેદી વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેની આ ટિપ્પણી પર દેશભરમાં મોટી વિવાદ શરૂ થયો છે અને અનુરાગ કશ્યપની ટીકા થઈ રહી છે. આ વિવાદ વકર્યો છતાં તેણે વારંવાર ટિપ્પણી કરવાનું શરૂ જ રાખ્યું હતું, જોકે હવે તેને પોતાની ભૂલ સમજાઈ હોવાનું જણાયું છે. પોતાની ભૂલ સમજાતા તેણે માફી માગી લીધી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. અનુરાગ કશ્યપે આજે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શૅર કરી છે.
“ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલી ગયો”- અનુરાગ
અનુરાગ કશ્યપને પણ હવે પોતાની ભૂલનો અહેસાસ થયો છે, જેના પછી તેણે માફી માગી છે. અનુરાગ કશ્યપે આજે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી અને લખ્યું, “ગુસ્સામાં કોઈને જવાબ આપવામાં હું મારી મર્યાદા ભૂલી ગયો અને હું સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલી ગયો. તે સમાજ, જેના ઘણા લોકો મારા જીવનમાં રહ્યા છે, હજી પણ ત્યાં છે અને ઘણું યોગદાન આપી રહ્યા છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને પણ મારે કારણે દુઃખ થયું છે. ઘણા બૌદ્ધિકો જેમનો હું આદર કરું છું તેઓ મારા ગુસ્સા અને મારી વાણીથી દુઃખી થાય છે.”
“આવી વાત કહીને, હું મારા જ વિષયથી ભટકી ગયો. હું આ સમાજની દિલથી માફી માગુ છું જેમને હું આવું કહેવા માગતો ન હતો, પરંતુ મેં આ વાત કોઈની ખરાબ ટિપ્પણીનો જવાબ આપતી વખતે ગુસ્સામાં લખી હતી. હું મારા બધા માટે જેમાં મારા સહાયક મિત્રો, તમારા પરિવાર તરફથી અને તે સમાજ સમક્ષ, બોલવા માટે ખોટી ભાષાના ઉપયોગ માટે માફી માગુ છું. હું મારી આ બાબત પર કામ કરીશ જેથી આવું ફરી ન થાય. હું મારા ગુસ્સા પર કામ કરીશ, અને જો મારે આ મુદ્દા વિશે વાત કરવી પડશે, તો હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીશ. મને આશા છે કે તમે મને માફ કરશો” એવી લાંબી પોસ્ટ અનુરાગે કરી છે.
અનુરાગ કશ્યપએ બ્રાહ્મણ સામે કરેલી આ વાંધાજનક ટિપ્પણીને લીધે સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. લોકો સતત તેની આવી ટિપ્પણી કરવા માટે ટીકા કરી રહ્યા છે. જ્યાં તાજેતરમાં જ લિરિસિસ્ટ મનોજ મુંતશિર શુક્લાએ તેને હદમાં રહેવાની સલાહ આપી હતી. તેમ જ ઍક્ટ્રેસ ગેહના વશિષ્ઠએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચી હતી.