20 October, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણા ઈરાની, કુકુ કોહલી
અરુણા ઈરાની હાલ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. પચીસ ઑગસ્ટે તેમના પતિ અને ફિલ્મમેકર કુકુ કોહલીનું નિધન થયું હતું. પતિને ગુમાવ્યા બાદ અરુણાએ હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાનો પહેલો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેઓ ભાવુક જોવા મળ્યાં હતાં અને ચાહકોનો આભાર માન્યો હતો. તેમના આ સંદેશમાં પતિને ગુમાવવાનું દુઃખ અને ચાહકો પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતા બન્ને સ્પષ્ટપણે જોવા મળ્યાં હતાં. અરુણા ઈરાનીએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં ચાહકો તરફથી મળેલા પ્રેમ અને સહકારને કારણે તેમને ફરી કામ પર પાછા ફરવાની હિંમત મળી છે.
પોતાના વિડિયોમાં અરુણા ઈરાનીએ કહ્યું હતું કે ‘કુકુજીના ગયા પછી તમે સૌએ મને જે પ્રેમ આપ્યો અને મારો સાથ આપ્યો એના માટે હું હૃદયપૂર્વક આભારી છું. મને વિશ્વાસ નહોતો થતો કે મારા મુશ્કેલ સમયમાં તમે બધા મારી સાથે રહેશો. ચાહકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે જ આજે હું ફરી લોકો સામે આવી શકી છું અને મારું કામ શરૂ કરી શકી છું. મને આશા છે કે મારા ચાહકો જીવનની અંતિમ ક્ષણ સુધી આ જ રીતે મારો સાથ આપતા રહેશે.’