26 November, 2025 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને ઍક્ટ્રેસ સેલિના જેટલી અને પતિ પીટર હાગ
ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને ઍક્ટ્રેસ સેલિના જેટલીએ મુંબઈની એક લોકલ કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી છે. તેણે ઑસ્ટ્રિયન પતિ પીટર હાગ પર ગંભીર ઇમોશનલ, શારીરિક, યૌન અને શાબ્દિક સતામણીનો આરોપ મૂક્યો છે. ગઈ કાલે સેલિનાની આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટે આ મામલે પીટર હાગને નોટિસ મોકલી છે અને હવે આગામી સુનાવણી ૧૨ ડિસેમ્બરે કરવામાં આવશે.
એક લૉ-ફર્મ મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં ૪૭ વર્ષની સેલિનાએ પતિ પીટર પર ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ ઘરેલુ હિંસા, ક્રૂરતા અને મૅનિપ્યુલેશનના આરોપ લગાવ્યા છે. સેલિનાએ દાવો કર્યો છે કે મારા પતિએ મારું ગંભીર ઇમોશનલ, શારીરિક, વર્બલ અને યૌન શોષણ કર્યું છે એને કારણે મારે ઑસ્ટ્રિયામાં પોતાનું ઘર છોડીને ભારત આવવું પડ્યું છે.
સેલિના અને પીટરે સપ્ટેમ્બર ૨૦૧૦માં લગ્ન કર્યાં હતાં અને તેમને ત્રણ બાળકો વિન્સ્ટન, વિરાજ અને આર્થર છે. સેલિનાએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે લગ્ન પછી મારા પતિએ મને કામ કરવાની મંજૂરી નહોતી આપી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘પીટર હાગ એક સ્વકેન્દ્રી માણસ છે. તેનો સ્વભાવ ગુસ્સાવાળો છે અને તેને દારૂ પીવાની ટેવ છે, જેને કારણે સેલિના સતત તાણમાં રહેતી હતી. તે સેલિનાની મારઝૂડ કરતો અને ગાળાગાળ કરતો હતો.’
સેલિનાએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઑગસ્ટમાં પીટર હાગે ઑસ્ટ્રિયાની કોર્ટમાં ડિવૉર્સની અરજી કરી છે. સેલિનાએ માગણી કરી છે કે અલગ રહેલા તેના પતિને ૫૦ કરોડ રૂપિયા વળતર તરીકે અને દર મહિને ૧૦ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવે. એ સિવાય સેલિનાએ હાલમાં પીટર સાથે ઑસ્ટ્રિયામાં રહેતાં તેનાં ત્રણ બાળકોની કસ્ટડી પણ માગી છે.
સેલિના જેટલીએ તેના ઑસ્ટ્રિયાના નાગરિક પતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસા, ક્રૂરતા અને મૅનિપ્યુલેશનના ગંભીર આરોપ મૂકીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેના વતી કેસ લડી રહેલી લૉ-ફર્મ કરંજાવાલા ઍન્ડ કંપનીએ જણાવ્યું છે કે સેલિના લાંબા સમયથી એક અત્યંત અસહ્ય અને દુષ્કર લગ્નજીવનમાંથી પસાર થઈ રહી હતી.
લૉ-ફર્મની પ્રિન્સિપલ અસોસિએટ નિહારિકા કરંજાવાલા મિશ્રાએ વિગતો આપતાં કહ્યું છે કે ‘સેલિના વર્ષો સુધી શારીરિક અને ભાવનાત્મક હિંસા, આર્થિક નિયંત્રણ અને એકલી પાડી દેવાના પ્રયાસનો ભોગ બની છે. ૨૦૧૭માં બહુ ટૂંકા સમયગાળામાં માતા-પિતાના અને એક સંતાનના મૃત્યુ પછી સેલિના ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પીટરે આ નબળાઈનો લાભ લઈ તેનો મુંબઈનો ફ્લૅટ ગિફ્ટ-ડીડ દ્વારા પોતાના નામે કરાવી લીધો હતો. પીટર ઘણી વાર સેલિનાને અપમાનિત કરતો હતો અને કહેતો કે તું મારી નોકરાણી જેવી લાગે છે. એ સિવાય તે સેલિનાને ચહેરો બગાડી નાખવાની ધમકી પણ આપતો હતો. સેલિના પર થયેલી શારીરિક હિંસા પછી તે ૨૦૧૭ના ઑક્ટોબરમાં ડરીને મુંબઈ પાછી ફરવા મજબૂર થઈ હતી.’
સેલિના અને પીટરના ત્રણ દીકરાઓ વિન્સ્ટન, વિરાજ અને આર્થર ઑસ્ટ્રિયાના નાગરિક છે. રિપોર્ટ પ્રમાણે અને ત્યાં ચાલી રહેલા ડિવૉર્સ-કેસમાં પણ સેલિના ભાગ લઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ઑગસ્ટમાં પીટરે ઑસ્ટ્રિયાની કોર્ટમાં ડિવૉર્સની અરજી પણ કરી છે અને ઑસ્ટ્રિયાની કોર્ટે સેલિનાને બાળકો સાથે દિવસમાં એક કલાક ટેલિફોનિક સંપર્ક અને એક કલાક મુલાકાતની મંજૂરી આપી છે જે તેને માટે મહત્ત્વપૂર્ણ જીત કહેવાય છે.