26 November, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે કૅન્સર-સર્વાઇવર છે. તે ૨૦૧૮માં આ ખતરનાક બીમારી સામે જંગ લડી હતી. સોનાલીએ હાલમાં પોતાની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે કૅન્સર સામે લડવામાં નૅચરોપથી મારા માટે ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. જોકે આ પોસ્ટ પછી મેડિકલ પ્રોફેશનલ્સે સોનાક્ષીની આકરી ટીકા કરી છે. એક ડૉક્ટરે સોનાલીની પોસ્ટ પર સવાલ કરતાં લખ્યું હતું, ‘તમારું કૅન્સર કીમોથેરપી, રેડિયેશન અને સર્જરીથી ઠીક થયું છે, નૅચરોપથીથી નહીં.’
આ વિવાદ પછી સોનાક્ષીએ એક પોસ્ટ કરીને પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે કે ‘૨૦૧૮માં જ્યારે મને કૅન્સર થયું ત્યારે મારા નૅચરોપૅથે મને ‘ઑટોફેજી’ નામની એક સ્ટડી વિશે જણાવ્યું હતું. આ સ્ટડીએ મારી રિકવરીમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી એટલે મેં એ વાંચ્યું, શીખી, પ્રયોગ કર્યા અને ધીમે-ધીમે રોજિંદા જીવનમાં સામેલ કર્યું. ત્યારથી હું એને અનુસરી રહી છું.’
આ પછી સોનાલીએ આગળ લખ્યું છે, ‘દરેક બાબતે સૌએ સહમત હોવું જરૂરી નથી, પરંતુ માત્ર એટલા માટે એનો ઇનકાર ન કરવો જોઈએ. મેં ક્યારેય ડૉક્ટર હોવાનો દાવો કર્યો નથી, પણ હું કોઈ ઊંટવૈદ પણ નથી. હું એક કૅન્સર-સર્વાઇવર છું જેણે આ બીમારીનો ડર, દુઃખ, અનિશ્ચિતતા અને ફરી ઊભી થવાનો સમગ્ર પ્રવાસ અનુભવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે ચર્ચા ખુલ્લી અને સન્માનપૂર્ણ હોવી જોઈએ. દરેકને પોતાને યોગ્ય, સલામત અને શક્તિશાળી લાગતો ઉપચાર પસંદ કરવાનો અધિકાર છે.’