ધુરંધર : ધ રિવેન્જ માટે છેલ્લાં ૩૦ વર્ષથી મરાઠા મંદિરમાં ચાલી રહેલી DDLJનો બદલાયો શો-ટાઇમ

18 March, 2026 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણાં સ્થળોએ મોડી રાતે અને મધરાત બાદના શોઝ ઉમેરવામાં આવી રહ્યા છે.

ધુરંધર અને DDLJ

‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ પહેલાં જ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ લગભગ ૪ કલાક જેટલી લાંબી છે જેના કારણે એક સ્ક્રીન પર દિવસમાં માત્ર ૪ શો જ રાખી શકાય છે. આ સંજોગોમાં ભારે ડિમાન્ડને કારણે દેશનાં અનેક થિયેટર્સ હવે ચોવીસ કલાક શોઝ ચલાવવાની તૈયારીમાં છે. ઘણાં સ્થળોએ મોડી રાતે અને મધરાત બાદના શોઝ ઉમેરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મની લોકપ્રિયતાનું એક મોટું ઉદાહરણ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સાથે જોડાયેલું છે. આ ફિલ્મ છેલ્લાં ૩૦ વર્ષથી મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં સતત ચાલી રહી છે. હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ને જગ્યા આપવા માટે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નો શો સવારના વહેલા સમયમાં ખસેડવામાં આવ્યો છે.

ધુરંધર : ધ રિવેન્જ સાથે રિલીઝ થશે મૈં વાપસ આઉંગાનો પ્રોમો

ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી હાલમાં ૧૨ જૂને રિલીઝ થનારી પોતાની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના વિભાજનના સમયને પૃષ્ઠભૂમિ બનાવીને રચાયેલી એક રોમૅન્ટિક કહાની છે. ફિલ્મમાં દિલજિત દોસાંઝ, શર્વરી વાઘ અને વેદાંગ રૈના મુખ્ય ભૂમિકામાં અને નસીરુદ્દીન શાહ મહત્ત્વના રોલમાં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થયું હતું. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ અલગ-અલગ પેઢીઓ વચ્ચેના પ્રેમ પર આધારિત છે. તેની વાર્તા યાદો, વિયોગ અને વિભાજન પછીના પ્રભાવને દર્શાવે છે. ફિલ્મની સ્ટોરી એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધે છે. હવે આ ફિલ્મનો પ્રોમો ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે થિયેટર્સમાં જોવા મળશે. હાલમાં જ ઇમ્તિયાઝ અલીએ પોતાના સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી છે કે ‘ફિલ્મના ટીઝરને મળેલા સારા પ્રતિસાદને જોતાં અમે આવતા અઠવાડિયામાં એને થિયેટરોમાં લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. આપ સૌનો આભાર. ધુરંધર ટીમને શુભેચ્છાઓ.’

ધુરંધર : ધ રિવેન્જની સાથે-સાથે જોવા મળશે એક દિનનું સ્પેશ્યલ ટ્રેલર

આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે આમિર ખાને એક નવો ઉપાય અજમાવ્યો છે. હવે આ ફિલ્મનું સ્પેશ્યલ ટ્રેલર રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે દેખાડવામાં આવશે જે દર્શકો માટે ખાસ સરપ્રાઇઝ સાબિત થશે. તાજેતરમાં ‘એક દિન’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં એક ભાવનાત્મક અને દિલને સ્પર્શતી પ્રેમકહાણીની ઝલક જોવા મળે છે. આ ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ દ્વારા આમિર ખાન અને ડિરેક્ટર મન્સૂર ખાન ફરી એક વાર સાથે કામ કરી રહ્યા છે. બન્નેની જોડીએ અગાઉ પણ અનેક યાદગાર ફિલ્મો આપી છે, જેના કારણે આ નવા પ્રોજેક્ટથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે.

dhurandhar dilwale dulhania le jayenge maratha mandir junaid khan diljit dosanjh