પ્રેગ્નન્સી વચ્ચે દીપિકા પદુકોણનો નવો અંદાજ, બેબી બમ્પ સાથે ફલોન્ટ કર્યો સ્ટાઇલિશ લુક

08 July, 2026 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દીપિકા પદુકોણની નવી જાહેરાતમાં તેનો પ્રેગ્નન્સી ગ્લો, આત્મવિશ્વાસ અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. બેબી બમ્પ સાથેનો તેનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બીજી વખત માતા બનવાની ખુશખબર બાદ દીપિકા ‘કિંગ’ અને ‘રાકા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

દીપિકા પદુકોણ (સૌજન્ય મિડડે)

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણની નવી જાહેરાત હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. દીપિકાએ એક જાણીતી હોટેલ ચેઇન માટે આ એડ શૂટ કરી છે, જેમાં તેનો પ્રેગ્નન્સી બમ્પ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકાએ આ જાહેરાતનું શૂટિંગ ત્યારે કર્યું હતું જ્યારે તે લગભગ 4 મહિનાની ગર્ભવતી હતી. દીપિકા અને તેના પતિ રણવીર સિંહ ટૂંક સમયમાં પોતાના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ કારણે ચાહકોમાં પણ આ જાહેરાતને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રેગ્નન્સી ગ્લો સાથે દીપિકાનો સ્ટાઇલિશ અંદાજ ચર્ચામાં

દીપિકા પદુકોણની નવી જાહેરાતમાં તેનો એકદમ અલગ અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ એડમાં દીપિકા એક લક્ઝરી પ્રોપર્ટીની અંદર બ્લુ કલરના પેન્ટસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લુક સાથે જોવા મળે છે. વીડિયોમાં તે હોટેલના અલગ-અલગ વિસ્તારોમાં આત્મવિશ્વાસ સાથે વોક કરતી અને ડાન્સ કરતી નજરે પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ દીપિકાનો આ એનર્જેટિક અને એલિગન્ટ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
જાહેરાતના દરેક સીનમાં દીપિકાનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળે છે. તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને સ્માઈલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ એડનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો દીપિકાના આ સુંદર લુક અને સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે.

દીપિકા-રણવીરે સોશિયલ મીડિયા પર આપી હતી ગુડ ન્યૂઝ

દીપિકા પદુકોણઅને રણવીર સિંહે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે ખુશખબર શેર કરી હતી. બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સાથે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ પોસ્ટમાં તેમની દીકરી દુઆ દીપિકા પદુકોણસિંહ પણ જોવા મળી હતી, જે હાથમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ પકડીને ઉભી હતી. આ ટેસ્ટ કીટ પર બે ગુલાબી લાઈનો દેખાઈ રહી હતી, જે પ્રેગ્નન્સીની ખુશખબર દર્શાવતી હતી.
દીપિકા અને રણવીરે વર્ષ 2018માં ઈટાલીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ છ વર્ષ બાદ સપ્ટેમ્બર 2024માં તેમના ઘરે દીકરી દુઆનો જન્મ થયો હતો. હવે બંને પોતાના બીજા બાળકના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો પણ આ ખુશખબર બાદ સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

કેટલીક ફિલ્મોમાંથી બહાર થવાને લઈને પણ ચર્ચામાં દીપિકા

દીપિકા પદુકોણપોતાની પ્રેગ્નન્સી સાથે સાથે તાજેતરમાં કેટલીક ફિલ્મો છોડવાના નિર્ણયને લઈને પણ ચર્ચામાં રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગાની અપકમિંગ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે દીપિકા ફિલ્મના શૂટિંગ માટે દરરોજ 8 કલાકની નિશ્ચિત વર્ક શિફ્ટ અને કેટલીક અન્ય શરતો રાખવા માંગતી હતી, પરંતુ ફિલ્મની ટીમ તેની સાથે સહમત થઈ શકી નહોતી.
આ પછી ડિરેક્ટર નાગ અશ્વિને પણ ફિલ્મ ‘કલ્કિ 2’ માં દીપિકા પદુકોણના ન હોવાની જાણકારી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સમયના અભાવ અને સિક્વલમાં તેના પાત્રને ઓછું મહત્વ મળવાને કારણે દીપિકાએ આ ફિલ્મથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, આ મામલે અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ, ચાહકો હવે તેની આગામી ફિલ્મો અને નવા પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા છે.

મોટા પ્રોજેક્ટ્સ સાથે ફરી ધમાકેદાર કમબેક માટે તૈયાર દીપિકા

કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાંથી અલગ થયા બાદ પણ દીપિકા પાદુકોણની ફિલ્મી સફર સતત આગળ વધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, હવે દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે, જે શાહરૂખ સાથે તેની છઠ્ઠી ફિલ્મ હશે. આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવ્યા બાદ લોકોમાં તેની ચર્ચા વધુ વધી છે.
આ સિવાય દીપિકા હાલમાં અલ્લુ અર્જુન સાથેની તેની આગામી ફિલ્મ ‘રાકા’ માટે પણ તૈયારી કરી રહી છે. સન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન એટલી કરી રહ્યા છે. ફિલ્મ વર્ષ 2027માં મોટા પડદા પર રિલીઝ થવાની છે. દીપિકા સતત નવા અને અલગ પ્રકારના પાત્રો સાથે દર્શકોનું મનોરંજન કરતી આવી છે અને હવે તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

deepika padukone ranveer singh Shah Rukh Khan bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood