22 October, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકાની પરિવાર સાથે દશેરાપૂજા
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી સાથે પરંપરાગત રીતે પૂજા કરીને દશેરાના તહેવારની ઉજવણી કરી હતી. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર પરિવાર સાથે પૂજા કરતી કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં નિક પણ ભારતીય રીતરિવાજ પ્રમાણે પૂજા કરતો જોવા મળે છે. જોકે આ તસવીરોમાં સૌથી વધુ ધ્યાન તેમની દીકરી માલતી મારીએ ખેંચ્યું છે. નાની માલતીના ગળામાં ‘જય માતા દી’ લખેલો દુપટ્ટો જોવા મળ્યો, જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. સોશ્યલ મીડિયા પર આ તસવીરો જોઈને લોકો પરિવારની શ્રદ્ધાની પ્રશંસા કરી રહ્યા છે.
પોતાના ડાયટ-પ્લાનનું બહુ સારી રીતે ધ્યાન રાખતી તમન્ના ભાટિયાએ તાજેતરમાં એક એવો વિડિયો શૅર કર્યો હતો જેમાં તે વડાપાંઉ ખાવાનો આનંદ માણતી જોવા મળે છે. વૅનિટી-વૅનમાં તૈયાર થતી વખતે વાળની સ્ટાઇલ કરાવવાની સાથે તમન્નાએ મોજથી વડાપાંઉ ખાવાની મજા માણી હતી. આ સમયે તમન્નાને જ્યારે તેની ફિટનેસ ટ્રેઇનિંગની યાદ અપાવવામાં આવી ત્યારે તેણે દલીલ કરી હતી કે ‘એ હૃદય માટે જરૂરી છે એનું શું? હૃદય વિશે કોઈ વાત જ કરતું નથી. હૃદયનું પણ પેટ હોય છે.’
પાંચ નવેમ્બરે રિલીઝ થતી રામાયણનું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મના ટ્રેલર અને ગીતોએ રિલીઝ પહેલાં જ દર્શકોમાં સારી એવી ઉત્સુકતા જગાવી છે. ફિલ્મના નિર્માતાઓએ દશેરાથી ઍડ્વાન્સ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને હવે બુકિંગ શરૂ થઈ ગયું છે. ગોરેગામ સ્થિત મિરાજ સિનેમાઝમાં ફિલ્મનો પહેલો શો સવારે ૬.૦૫ વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે કોઈ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સારો પ્રતિસાદ મળ્યા પછી એના મિડનાઇટ શો શરૂ કરવામાં આવે છે. જોકે ‘રામાયણ’ માટે તો અનેક થિયેટરોમાં અત્યારથી જ રાત્રે ૧૧.૫૯ વાગ્યાના મિડનાઇટ શો રાખવામાં આવ્યા છે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ આ પ્રકારનું આયોજન થવું દર્શકોમાં રહેલા ભારે ઉત્સાહનો સંકેત આપે છે.
‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થવાની છે. ફિલ્મનો પહેલો ભાગ પાંચમી નવેમ્બરે રિલીઝ થવાનો છે. મળતી માહિતી પ્રમાણે ૪ નવેમ્બરે ફિલ્મના પેઇડ પ્રિવ્યુ શો પણ યોજાઈ શકે છે. જોકે હાલમાં ઍડ્વાન્સ બુકિંગ રેગ્યુલર શોઝ માટે જ શરૂ કરવામાં આવ્યું છે.
રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’ પાંચ નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. યશ, સાઈ પલ્લવી, રવિ દુબે અને સની દેઓલ પણ આ ફિલ્મનો હિસ્સો છે. એક તરફ આ તમામ કલાકારોના ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સમાચાર આવ્યા છે કે પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીએ વિજયાદશમીના અવસરે આ જાહેરાત કરી હતી.
ફિલ્મની રિલીઝ પહેલાં લેવામાં આવેલો આ એક મહત્ત્વનો નિર્ણય છે. ફિલ્મ કરમુક્ત થવાથી વધુ દર્શકો એને થિયેટરોમાં જોવા જઈ શકે છે. આ જાહેરાત થઈ એ જ દિવસે એટલે કે વિજયાદશમીએ ‘રામાયણ’નું ઍડ્વાન્સ બુકિંગ પણ શરૂ થયું હતું.
આ ગીતમાં ત્રિશૂળ અને ડમરુ સાથે જોવા મળ્યો રાવણ યશનો દમદાર અંદાજ
રણબીર કપૂર અને યશની આગામી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા વચ્ચે નિર્માતાઓએ એક નવો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં યશ રાવણના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળે છે. નિર્માતાઓએ આ વિડિયોને ‘રાવણ તાંડવ’ નામ આપ્યું છે. ગીતના વિડિયોમાં યશ ત્રિશૂળ અને ડમરુ હાથમાં લઈને તાંડવ કરતો જોવા મળે છે. આ ગીત રિલીઝ થતાં જ યશના દમદાર અભિનયે સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેના રૌદ્ર અવતાર અને તાંડવનાં દૃશ્યોની ચર્ચા થઈ રહી છે.
‘રાવણ તાંડવ’ ગીતને વિશાલ દાદલાણીએ પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે એના શબ્દો કુમાર વિશ્વાસે લખ્યા છે.
રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ માટે દશેરાના એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે રણબીરે ભાષણમાં કરેલા ગોટાળાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં રણબીરે કહ્યું હતું કે, ‘દશહરા હમેં એક બહુત ખૂબસૂરત બાત યાદ દિલાતા હૈ કિ બુરાઈ ચાહે કિતની ભી તાકતવર ક્યોં ના હો, આખિર મેં અંત સચ્ચાઈ ઔર અચ્છાઈ કી હી હોગી.’
આ સમયે રણબીરથી બોલવામાં નાની ભૂલ થઈ ગઈ. તેણે ‘આખિર મેં અંત સચ્ચાઈ ઔર અચ્છાઈ કી હી હોગી’ કહેવાને બદલે ‘આખિર મેં જીત સચ્ચાઈ ઔર અચ્છાઈ કી હી હોગી’ એવું કહેવું જોઈતું હતું. હવે આ નાની ભૂલને કારણે સોશ્યલ મીડિયામાં લોકો રણબીરને ટ્રોલ કરી રહ્યા છે.
હર્ષવર્ધન રાણે ફિલ્મ ‘પોલીસ કંપની’માં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકની ભૂમિકામાં જોવા મળશે. તેની આ ફિલ્મની રિલીઝ-ડેટ નક્કી થઈ ગઈ છે અને આ ફિલ્મ આવતા વર્ષે ચોથી જૂને થિયેટરમાં રિલીઝ થશે. ટી-સિરીઝ ફિલ્મ્સ અને આરજીવી કંપનીના બૅનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન રામ ગોપાલ વર્મા કરી રહ્યા છે.
ફિલ્મમાં હર્ષવર્ધન રાણે ઉપરાંત ફરદીન ખાન, ફાતિમા સના શેખ, પરેશ રાવલ, સૌરભ શુક્લા અને મકરંદ દેશપાંડે પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
મંગળવારે યામી ગૌતમે લાલ કિલામાં આયોજિત લવકુશ રામલીલા મહોત્સવમાં હાજરી આપીને વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લીધો હતો.