યાદેં : એક જ ઍક્ટરના અભિનયવાળી ફિલ્મ

18 February, 2020 07:55 AM IST  |  Mumbai | Ashu Patel

યાદેં : એક જ ઍક્ટરના અભિનયવાળી ફિલ્મ

યાદેં

માત્ર એક જ ઍક્ટર હોય એવી ફિલ્મની કલ્પના કરવી મુશ્કેલ લાગે અને એવી ફિલ્મ બનાવવાનું તો મુશ્કેલ નહીં, અશક્ય જ લાગે, પણ જૂની ફિલ્મોના પ્રભાવશાળી અભિનેતા સુનીલ દત્તે એ કરી બતાવ્યું હતું. સુનીલ દત્તે ૧૯૬૪માં ‘યાદેં’ ફિલ્મ બનાવી હતી, જેમાં તેઓ એકમાત્ર અભિનેતા હતા. એ ફિલ્મનું દિગ્દર્શન તેમણે કર્યું હતું અને એ ફિલ્મ પ્રોડ્યુસ પણ તેમણે તેમના અજંતા આર્ટ્સ બૅનર હેઠળ જાતે જ કરી હતી.

એ ફિલ્મના લેખક હતા અખ્તર-ઉલ-ઇમાન. એ ફિલ્મમાં સંગીત આપ્યું હતું વસંત દેસાઈએ અને સિનેમૅટોગ્રાફી હતી રામચંદ્રની. એ ફિલ્મમાં લતા મંગેશકરે બે ગીતો ગાયાં હતાં ઃ ‘રાધા તૂ હૈ દીવાની...’ અને ‘દેખા હૈ સપના કોઈ...’

૧૧૩ મિનિટ લાંબી એ ફિલ્મની સ્ટોરી એવી હતી કે એક પ્રેમાળ પતિ એક દિવસ સાંજે કામથી થાકીને ઘરે આવે છે અને જુએ છે કે તેની પત્ની અને બાળક ઘરમાં નથી. તેને આશ્ચર્યાઘાતની લાગણી થાય છે. એ ફિલ્મ માત્ર એક જ સેટ પર શૂટ થઈ હતી. સુનીલ દત્તે દિગ્દર્શિત કરેલી એ પ્રથમ ફિલ્મ હતી. એ પછી તો તેમણે અનેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું, પરંતુ તેમણે ‘યાદેં’ ફિલ્મમાં તેમનું વિઝન બતાવ્યું હતું. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, જુદા-જુદા અવાજો દ્વારા, ફોટોગ્રાફ્સ, કાર્ટૂન્સ, ઇમેજ‌િસ અને પડછાયા દ્વારા એ ફિલ્મને તેમણે એક આર્ટિસ્ટિક ટચ આપ્યો હતો.

એ ફિલ્મ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરો તો ઍક્ટ્રેસ (અને સુનીલ દત્તનાં પત્ની) નર્ગિસ દત્તની ક્રેડિટ જોવા મળશે, પણ નર્ગિસ દત્તે વાસ્તવમાં એ ફિલ્મમાં અભિનય નહોતો કર્યો. તેમના પાત્રનો માત્ર પડછાયો એ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો!

કોઈ ફિલ્મમાં માત્ર એક જ અભિનેતાએ અભિનય કર્યો હોય એવી એ એકમાત્ર ફિલ્મ હતી એટલે એનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું હતું. એ ફિલ્મ સુનીલ દત્તના સ્વગત બોલાયેલા શબ્દો અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક દ્વારા આગળ વધતી રહે છે. એક પતિ જ્યારે ઘરે આવે ત્યારે પત્ની અને બાળકને ઘરે ન જોઈને તે અનુમાન કરે છે કે તેઓ તેને છોડીને જતાં રહ્યાં છે અને તે ડરી જાય છે કે હું આખી જિંદગી એ લોકો વિના કેવી રીતે જીવીશ અને તેણે ભૂતકાળમાં પત્ની અને સંતાન સાથે જે વર્તાવ કર્યો એ માટે તેને અફસોસ થાય છે. પોતીકા માણસોને ગુમાવવાની આ લાગણી, તેમને ગુમાવવાનો ડર અને તેમના વિના આખી જિંદગી કઈ રીતે વીતશે એની ભયમિશ્રિત વેદના સુનીલ દત્તે અસરકારક રીતે દર્શાવી હતી.

આ પણ વાંચો : હસીન દિલરુબામાં તાપસી પન્નુ અને વિક્રાંતની સાથે દેખાશે હર્ષવર્ધન રાણે

એ ફિલ્મમાં સુનીલ દત્તના પાત્રનું નામ અનિલ હતું. એ ફિલ્મને ૧૯૬૪નો નૅશનલ ફિલ્મ અવૉર્ડ (બેસ્ટ ફીચર ફિલ્મ ઇન હિન્દી) માટે મળ્યો હતો અને ૧૯૬૬માં એ ફિલ્મને ફિલ્મફેર અવૉર્ડ્સ (બેસ્ટ સિનેમૅટોગ્રાફર તરીકે એસ. રામચંદ્રને બ્લૅક ઍન્ડ વાઇટ કૅટેગરીમાં અને બેસ્ટ સાઉન્ડ માટે ઈસા એમ. સુરતવાલાને) પણ મળ્યા હતા.

ashu patel sunil dutt bollywood news entertaintment