20 February, 2026 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ
સાઉથના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બહુચર્ચિત ‘ધુરંધર : ધ રિવેન્જ’ને ટક્કર આપવાની છે. ગયા વર્ષે યશના જન્મદિવસે ફિલ્મનું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું જેની ભારે ચર્ચા થઈ હતી અને એને અશ્લીલ ગણાવીને કર્ણાટક મહિલા આયોગમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ફિલ્મની ડિરેક્ટર ગીતુ મોહનદાસે અત્યાર સુધી એની વાર્તાને સીક્રેટ રાખી હતી, પણ હવે એ પ્લૉટ વિશે મહત્ત્વનો ખુલાસો થયો છે. ખુલાસા પ્રમાણે ‘ટૉક્સિક’ એક ગૅન્ગસ્ટર-ઍક્શન ફિલ્મ છે અને યશ એમાં ‘રાયા’ નામના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મના UAE ડિસ્ટ્રિબ્યુટર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે આ ફિલ્મની વાર્તા ૧૯૪૦થી ૧૯૭૦ના સમયગાળામાં આકાર લે છે અને એનું કેન્દ્ર ગોવા શહેર છે. અહીં રાયા નામની વ્યક્તિ ડર, શક્તિ અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે આગળ વધે છે. ‘ટૉક્સિક’ની વાર્તા ગીતુ મોહનદાસ અને યશે મળીને લખી છે. આ ફિલ્મનો પ્લૉટ બહાર આવતાં સોશ્યલ મીડિયા પર એની તુલના ‘KGF’ના યશના પ્રખ્યાત પાત્ર ‘રૉકીભાઈ’ સાથે કરવામાં આવી રહી છે. ‘ટૉક્સિક’ને UAEમાં 18+ ઍડલ્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. જોકે ત્યાંના સેન્સર બોર્ડ તરફથી સત્તાવાર પ્રમાણપત્ર હજી મળવાનું બાકી છે.