ગુજરાતી લાલો જેવી નીવડી બૉલીવુડની હનુમાન અંશ

06 September, 2026 02:21 PM IST  |  Mumbai | Rashmin Shah

 નીમ કરોલી બાબાના જીવન પર આધારિત હનુમાન અંશ કેવી રીતે બની, કઈ ઘટનાએ આ ફિલ્મના પાયા ખોદ્યા અને વૃંદાવનના પ્રેમાનંદ મહારાજની કઈ આકરી ચેતવણી સાથે આ ફિલ્મનો કૅમેરા રોલ થયો એ બધી વાતો જાણવા જેવી છે

હનુમાન અંશ

‘હેલો સર... એક નાનકડી હેલ્પ જોઈએ છે...’
‘કલર્સ ગુજરાતી’ના ટીવી-શો ‘ગંગાસતી પાનબાઈ’ના ક્રીએટિવ હેડ કેતન રાસ્તેનો ગયા વર્ષે ફોન આવ્યો. તેમણે વાત કરી કે પ્રોફેશનલી ડૉક્ટર પણ હવે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટિવ એવા ડૉ. વિશાલ ચતુર્વેદી બાબા નીમ કરોલી પર ફિલ્મ બનાવે છે, એના માટે તેમને મોરબી પાસે આવેલા વવાણિયા ધામમાં શૂટ કરવા આવવું છે પણ બજેટ નથી તો એ જાણવા માગે છે કે ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે રહી શકાય અને કઈ રીતે શૂટ થઈ શકે. એ સમયે ફિલ્મનું ટાઇટલ ‘હનુમાન વંશ’ વિચારવામાં આવ્યું હતું. જોકે એ ટાઇટલ વિવાદ કરી શકે એવો ડર પ્રોડકશન-હાઉસને હતો એટલે ટાઇટલ બદલાવવું એવું નક્કી હતું.
થોડા નંબરોની આપ-લે થઈ, પણ મૉન્સૂનની સીઝન શરૂ થવામાં હતી એટલે પ્લાન પડતો મૂકીને નક્કી કરવામાં આવ્યું કે ૩ દિવસ માટે મોરબી જવાને બદલે એ શૂટ મુંબઈમાં જ કરવું અને પછી એવું જ થયું. જો લોકેશન પર આવ્યા હોત તો અંદાજિત ખર્ચ સાતેક લાખ રૂપિયા પર પહોંચતો હતો, પણ મુંબઈમાં જ શૂટ પતાવી લેતાં આ કામ દોઢ લાખ રૂપિયામાં પતી ગયું અને ફિલ્મ ‘હનુમાન અંશ’માં આ વાતનું ડગલે ને પગલે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ જ તો કારણ છે કે આ ફિલ્મ માત્ર બે કરોડ રૂપિયામાં તૈયાર થઈ અને આજે ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાની નજીક પહોંચી ગઈ છે.
ગયા વર્ષે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ અને આ વર્ષે રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ની પડદા પાછળની સ્ટોરી ઑલમોસ્ટ સરખી છે. બન્ને ફિલ્મ બનાવતી વખતે ગજવાં ખાલી હતાં પણ જુસ્સો અને શ્રદ્ધાની તિજોરી છલોછલ હતી. બન્ને ફિલ્મ રિલીઝના પહેલા જ અઠવાડિયે ડચકાં ખાતી વેન્ટિલેટર પર પહોંચી ગઈ અને પ્રોડ્યુસરથી લઈને મેકર્સ અને કાસ્ટ-ક્રૂના જીવ અધ્ધર થઈ ગયા અને પછી અચાનક ચમત્કાર થયો અને માઉથ-પબ્લિસિટીએ ફિલ્મને એવી તે ગતિ આપી દીધી કે ફિલ્મ ટૉક ઑફ ધ નેશન બની ગઈ. ક્રિકેટર વીરેન્દર સેહવાગ પોતાના સોશ્યલ મીડિયા પર લખે છે, ‘‘હનુમાન અંશ’ જોયા પછી મને એક વાત સમજાય છે કે તમે શ્રદ્ધાથી કામ કરો તો તમને મદદ કરવા માટે ભગવાન ક્યાંયથી પણ આવે જ આવે. બસ, તમારે ધીરજ અકબંધ રાખવાની.’
ફિલ્મ-ઍક્ટ્રેસ કંગના રનૌતે લખ્યું છે કે આ એક ફિલ્મ નથી, સત્સંગ છે જે બધા ભારતીયોએ માણવો જોઈએ તો ફિલ્મ-ડિરેક્ટર મધુર ભંડારકર રૂબરૂ જઈને ફિલ્મના ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીને કૉન્ગ્રેચ્યુલેટ કરી આવ્યા છે તો અનેક મોટા સ્ટાર્સ એવા છે જેઓ પોતાની ટીમ દ્વારા ‘હનુમાન અંશ’ જોવા માટે સ્પેશ્યલ શો પ્લાન કરાવે છે.
‘હનુમાન અંશ’એ રીતસરનો તહલકો મચાવી દીધો છે, સુનામી લાવી દીધી છે, બૉક્સ-ઑફિસ પર ધરતીકંપ સર્જી દીધો છે અને ડિરેક્ટર નમ્રભાવે કહે છે કે આવું થશે એની અમને ખબર નહોતી; પણ હા, મને એટલી ખબર હતી કે બાબા અમને ક્યાંય તૂટવા નહીં દે.
‘હનુમાન અંશ’ની આમ તો દરેકેદરેક વાત ઇન્ટરેસ્ટિંગ છે, પણ કેવા સંજોગોમાં એ બનાવવાનો દૃઢતા સાથે નિર્ણય કરવામાં આવ્યો એ જાણવું સૌથી અગત્યનું છે.

ધતિંગ લાવો, અમને ધતિંગ જોઈએ

‘હનુમાન અંશ’ બનાવવાનો કોઈ પ્લાન જ નહોતો; હા, એ વિષય પર કામ થવું જોઈએ એવું ડૉ. વિશાલ ચતુર્વેદીને સતત લાગતું હતું. જોકે એ તેમની પ્રાયોરિટી નહોતી. ડૉક્ટર બનેલા વિશાલ ચતુર્વેદી જ્યારે મેડિકલનું ભણતા ત્યારે જ નૈનીતાલ અને ત્યાંથી આગળ નીમ કરોલી બાબાના ધામમાં જઈ આવ્યા હતા. બાબાના તે પરમ ભક્ત પણ ખરા અને નિયમિત બાબાના ધામમાં પણ જતા. ધામ પર જાય એટલે રાઇટર-ડિરેક્ટરનું તો કામ જ હોય કે લોકો સાથે વાતો કરી-કરીને જૂનું બધું કઢાવ્યા કરવું એટલે તેમના મનમાં ખરું કે એક વખત આપણે આ ફિલ્મ બનાવવી છે, પણ એ પ્રાયોરિટી નહોતી. બન્યું એવું કે એક કમર્શિયલ વેબ-સિરીઝ માટે ડૉ. વિશાલની મીટિંગ વર્લ્ડની નંબર વન OTT પ્લૅટફૉર્મ (નામ આપવાની જરૂરી ખરી?)ની ક્રીએટિવ ટીમ સાથે થઈ. એ લોકોને વિશાલનો પ્રોજેક્ટ ગમ્યો એટલે ઉપરની ક્રીએટિવ ટીમ સાથે મીટિંગ થઈ. તેમણે પ્રોજેક્ટ સાંભળ્યો, વિચારવાનો થોડો સમય માગ્યો; પણ એ જ મીટિંગમાં વિશાલને કહ્યું કે તમારા ધ્યાનમાં કોઈ બાબા-કોઈ કહેવાતા સંત કે એવો કોઈ સબ્જેક્ટ છે, અમે અત્યારે ઇન્ડિયન ઑડિયન્સ માટે એવા સબ્જેક્ટ વિશે વિચારીએ છીએ. 
ડૉ. વિશાલ એકદમ ચાર્જ થઈ ગયા અને તેમણે તરત જ નીમ કરોલી બાબા અને કૈંચી ધામની વાત કરવાની શરૂ કરી. એ વાતમાં તેમણે સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝકરબર્ગથી લઈને જુલિયા રૉબર્ટ્‍સ અને અન્ય સેલિબ્રિટીઝની વાત કરી જે બાબાના ભક્ત છે. બે મહિલાઓની ક્રીએટિવ ટીમ તો આ બધું સાંભળીને એકદમ શૉક્ડ. ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે, ‘તેમના હાવભાવ પરથી મને સમજાયું નહીં કે એ લોકોને શું થયું? સામાન્ય રીતે ખુશ થયા હોય તો એ પણ દેખાય અને તમે નારાજ હો તો વચ્ચે જ વાત અટકાવી દો, પણ તે બન્ને તો પૂતળાંની જેમ બેસી રહી. બે મહિલામાંથી એક યંગ છોકરી હતી જેણે બધી વાત પછી વાત શરૂ કરી અને કહ્યું કે મેં પણ બાબા વિશે બહુ સાંભળ્યું છે; પણ તે વધારે કંઈ બોલે એ પહેલાં તો તેની સિનિયર બોલી કે અમને આવી વાતો નથી જોઈતી, અમને તો બાબાનાં કૌભાંડો જોઈએ છે. મારી દલીલ હતી કે એવા બાબાને પણ તમે ખુલ્લા પાડવા માગતા હો તો સારા બાબાને તમે શું કામ પ્રોજેક્ટ ન કરી શકો? તો મને કહે કે એ બધું ગાંધીજીની વાત સાથે ગયું, અમારી પૉલિસી છે કે બાબાને તો ખરાબ જ દેખાડવાના. એ શબ્દોએ મને સુન્ન કરી દીધો.’
જસ્ટ રીકૉલ કરાવવાનું કે એ સમયે બૉબી દેઓલની ‘આશ્રમ’ વેબ-સિરીઝ બહુ ચાલી હતી એટલે તે લોકોની ઇચ્છા ‘આશ્રમ’ જેવું કશું ભેદી-સેક્સી-થ્રિલિંગ લાવવાની હતી. જોકે અહીં તો વાત શ્રદ્ધા અને નિષ્ઠાની હતી. તમે માગો અફીણ અને કોઈ અડદિયો આપે તો એ કેવી રીતે પચે. પેલી સિનિયર તો ત્યાં સુધી બોલી કે અમે ભારતીય સાધુ-સંતોની વાર્તાઓ માત્ર નેગેટિવ ઍન્ગલથી કે વિવાદો ઊભા કરવા માટે જ બતાવીએ છીએ, તમે આટલી બધી પૉઝિટિવ સ્ટોરી કેવી રીતે દુનિયાને દેખાડી શકો?
ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે, ‘મારા માટે આ અપમાન હતું. મેં મનોમન નક્કી કર્યું કે જે સંતે આખી દુનિયાના વિચારપ્રવાહને બદલી નાખ્યો હોય, જેના આશ્રમમાં સ્ટીવ જૉબ્સથી માંડીને માર્ક ઝકરબર્ગ, જુલિયા રૉબર્ટ્‍સ અને સ્મૉલપૉક્સ જેવી મહામારીને નાબૂદ કરનારા ડૉ. લૅરી બ્રિલિયન્ટ જેવા વૈજ્ઞાનિકો માથું ટેકવતાં આવ્યાં હોય તે સંતની વાર્તા જો બૉલીવુડ પૉઝિટિવ રીતે ન કહી શકતું હોય તો હું જાતે બનાવીશ.’ આ અપમાન અને મનમાં જન્મેલી એ જીદે ‘હનુમાન અંશ’નો પાયો નાખ્યો.

મળી ચેતવણી અને આશીર્વાદ પણ

ફિલ્મ બનાવવાનું નક્કી તો થયું, પણ વિષય કોઈ સામાન્ય માણસનો નહોતો. વાત નીમ કરોલી બાબાની હતી જેમને સાક્ષાત્ હનુમાનજીનો અંશ માનવામાં આવે છે. ડૉ. વિશાલે નક્કી કર્યું કે તે ઓછામાં ઓછા બજેટમાં આ ફિલ્મ બનાવશે. એ માટે તેમણે પહેલો નિર્ણય લીધો કે પોતે ફિલ્મમાંથી એક પણ રૂપિયો ફી નહીં લે. તેમની વાત સાંભળીને પ્રોડ્યુસર તરીકે નમ્રતા સિંહ જોડાઈ જે પોતે બાબાની ભક્ત છે. બાબા પર ફિલ્મ બનાવવાની હતી એટલે ડૉ. વિશાલ અને નમ્રતા ફિલ્મની આખી કોર ટીમ સાથે સંત પ્રેમાનંદજી મહારાજને મળવા માટે વૃંદાવન ગયાં. 
ડૉ. વિશાલ કહે છે, ‘મહારાજજીને અમે વાત કરી કે અમારે નીમ કરોલી બાબા પર ફિલ્મ બનાવવી છે, અમારો આ સંકલ્પ સાચો છે કે નહીં, અમને રસ્તો બતાવજો. આ આજ્ઞા માગવાનો એકમાત્ર હેતુ એ જ હતો કે બાબાનું નામ ક્યાંય ખરડાવું ન જોઈએ. તેમના પ્રત્યે લોકોની જે શ્રદ્ધા છે, જે નિષ્ઠા છે એ અકબંધ રહેવી જોઈએ.’
પ્રેમાનંદ મહારાજે ટીમની વાત શાંતિથી સાંભળીને પછી સ્પષ્ટ ચેતવણી આપી અને કહ્યું, ‘ફિલ્મ બનાવવામાં કોઈ વાંધો નથી, પણ મારી એક વાત યાદ રાખજો કે તમે એક પવિત્ર આત્મા પર કામ કરો છો એટલે ફિલ્મ દરમ્યાન સતત એ પવિત્રતા ત્યાં હોવી જોઈએ અને બીજી વાત, જે અભિનેતા નીમ કરોલી બાબાનો રોલ કરવાનો હોય તેનું અંગત જીવન સંપૂર્ણ સાત્ત્વિક હોવું જોઈએ. જો તે વ્યક્તિ માંસ-મદિરાનું સેવન કરતી હશે કે વ્યભિચારી જીવન જીવતી હશે તો બાબાના ચરિત્ર સાથે રમત નહીં ચાલે, કલાકાર સાધક હોવો જોઈએ.’ 
મહારાજશ્રીની આ વાત ટીમના મગજમાં જડની જેમ ઊતરી ગઈ. ડૉ. વિશાલ કહે છે, ‘તમે માનશો નહીં, અમે ટીમમાં સામેલ થનારાઓને જે સવાલ પૂછતા એમાં માત્ર ટૅલન્ટ કે તેના પ્રિવિયસ કામને લગતા જ સવાલો નહોતા. તેના અંગત જીવન, તેના શોખ, નૉન-વેજ ખાય છે અને લિકર પીએ છે કે નહીં એ વિશે પણ પૂછતા અને એના આધારે ટીમ તૈયાર કરતા. અમે અમુક કલાકારો-ટેક્નિશ્યન્સને માત્ર આ જ કારણોસર છોડી પણ દીધા છે જે ફ્રીમાં પણ અમારી સાથે કામ કરવા માગતા હતા, કારણ કે અમે નક્કી કરી લીધું હતું કે અમે ફિલ્મના માધ્યમથી એક પવિત્રતા લોકો સુધી પહોંચાડવાના છીએ.’
બાય ધ વે, એક વાત ખાસ કહેવાની. શૂટિંગ દરમ્યાન સેટ પર એક પણ વખત નૉન-વેજ ફૂડ કે દારૂ આવ્યાં નથી. બીજી વાત, દરરોજ હનુમાન ચાલીસા સાથે શૂટિંગની શરૂઆત થતી અને દિવસ પૂરો થયા પછી પણ સેટ પર હનુમાન ચાલીસાના પઠન સાથે બધા છૂટા પડતા.

કોણ બનશે બાબા?

કાસ્ટિંગની વાત આવે ત્યારે કોઈ પણ ડિરેક્ટર ખ્યાતનામ ચહેરાઓ પાછળ દોડે, પરંતુ અહીં કુદરતે કંઈક જુદી જ સ્ક્રિપ્ટ લખી નાખી હતી. શરૂઆતમાં નીમ કરોલી બાબાના રોલ માટે ટીવીના બહુ જાણીતા ઍક્ટરને પસંદ કરવામાં આવ્યો, જે હતો પ્રેમાનંદ મહારાજની શરતો મુજબનો જ. બધું નક્કી થઈ ગયું, ચિત્રકૂટમાં કરોડોની કીમતી તારીખો સાથે શૂટિંગનું પહેલું શેડ્યુલ ગોઠવાઈ ગયું. સેટ તૈયાર હતો, લાઇટો ગોઠવાઈ ગઈ હતી, કૅમેરા ગોઠવાઈ ગયા અને શૂટિંગના પહેલા જ દિવસે તે ઍક્ટર અચાનક ગંભીર બીમાર પડ્યો. ડૉક્ટરે સલાહ આપી કે ઓછામાં ઓછા ૧૦ દિવસ તેણે હૉસ્પિટલમાં રહેવું પડશે.
ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શૂટિંગ અટકે તો દરરોજના લાખો રૂપિયા પાણીમાં જાય અને પ્રોજેક્ટનું આખું બજેટ માંડ બે કરોડ રૂપિયાનું હતું એટલે નુકસાન તો કોઈ કાળે પોસાય નહીં. એ વખતે સેટ પર પ્રૉપર્ટી સંભાળતા અને આમતેમ દોડાદોડી કરતા એક યંગસ્ટર પર વિશાલની નજર પડી. તેનું નામ શોભિનવ સત્યા. શોભિનવનું સ્માઇલ વિશાલને પહેલેથી જ ગમતું. શોભિનવ ફિલ્મમાં સેકન્ડ અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, ઍક્ટર બનવાનું તેણે ક્યારેય વિચાર્યું સુધ્ધાં નહોતું. શોભિનવના ચહેરા પર સાદગી, નિર્દોષ આંખો અને શાંત મુખમુદ્રા. 
ડૉ. વિશાલે તેને સ્ક્રીન-ટેસ્ટ આપવા કહ્યું અને શોભિનવના મોતિયા મરી ગયા. શોભિનવ પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યો છે, પણ ઍક્ટિંગ તેનું ક્યાંય સપનું નહોતું. તે તો બિચારો ડિરેક્ટર બનવા આવ્યો હતો અને એમાં પણ આટલા મોટા સંતની ભૂમિકા કરવાની વાત. થોડી આનાકાની પછી શોભિનવ તૈયાર થયો અને પાંચ કલાક સુધી સ્ક્રીન-ટેસ્ટ ચાલી. સ્ક્રીન-ટેસ્ટ પછી પણ શોભિનવે કહ્યું કે સર, તમે રિસ્ક લો છો. ડૉ. વિશાલ ચતુર્વેદી એ દિવસ યાદ કરતાં કહે છે, ‘મેં તેને માત્ર એટલું કહ્યું હતું કે તું ફક્ત બાબાનાં ચરણોમાં સમર્પિત થઈ જા, બાકી બધું બાબા સંભાળી લેશે.’
અહીં પણ ચમત્કાર જ હતો. પ્રેમાનંદ મહારાજે જે સાત્ત્વિકતાની શરત મૂકી હતી એ શોભિનવ પાળતો હતો. શોભિનવ ૨૦૦૯થી નીમ કરોલી બાબાનો ભક્ત હતો અને ૨૦૧૮થી સંપૂર્ણ શાકાહારી હતો. દારૂ-સિગારેટને તેણે ક્યારેય સ્પર્શ પણ નહોતો કર્યો અને દર મંગળવારે હનુમાનજીના ઉપવાસ કરતો. જેને શોધવા માટે આખી ઇન્ડસ્ટ્રી ફેંદવી પડે એવો કલાકાર કોઈ ઑડિશન વગર પોતાના જ સેટ પરથી મળી ગયો હતો. ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે, ‘આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય કે બાબા સતત અમારી સાથે હતા.’

સૌથી મોટો ચમત્કાર

ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ચાલતું હતું એ વખતે એક એવી ઘટના ઘટી જેણે આખા યુનિટને અચંબિત કરી દીધું.
સીન એવો હતો કે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવાની હતી અને એના માટે બાબાની ગુફા તૈયાર કરવાની હતી. ગામમાં શૂટિંગ ચાલતું હતું ત્યાં સામાન્ય વાંદરાઓનો ભારે ત્રાસ. શૂટિંગ કરવા ન દે. જોકે જેવો સીન શરૂ થયો અને હનુમાનજીની મૂર્તિની સ્થાપનાનું કામ પૂરું થયું કે અચાનક ક્યાંકથી એક મોટો લંગૂર ગામમાં આવ્યો અને આજુબાજુથી બધા વાંદરાઓ ગાયબ.
લંગૂર સીધો સેટ પર આવ્યો, ત્યાં મૂકેલો પ્રસાદ પોતાના હાથમાં લીધો અને કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ વગર સીધો જઈને હનુમાનજીની મૂર્તિના ખભા પાસે આવેલી ઝાડની ડાળી પર બિરાજમાન થઈ ગયો. તે ત્યાં શાંતિથી બેસીને પ્રસાદ આરોગતો રહ્યો. ડૉ. વિશાલ ચતુર્વેદીએ કૅમેરા ચાલુ રાખવાનો ઇશારો કર્યો અને આ આખું દૃશ્ય લાઇવ કૅમેરામાં કેદ થયું. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓને શૂટિંગમાં લાવવા ટ્રેઇનર્સ રાખવા પડે, લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છતાં પણ જોઈએ એવો શૉટ ન મળે; જ્યારે અહીં તો એક પણ રૂપિયો ખર્ચ્યા વિના સાક્ષાત્ હનુમાનજીએ લંગૂર મોકલ્યો હોય એમ શૉટ આવી ગયો. એ લંગૂર ત્યાં સુધી રોકાયેલો રહ્યો જ્યાં સુધી એ દિવસનું શૂટ પૂરું ન થયું.
ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે કે આવા તો અમને અનેક અનુભવ થયા જેના આધારે હું કહું છું કે આ ફિલ્મ બનાવવામાં અમે નિમિત્ત રહ્યા છીએ, પણ ફિલ્મ બાબાએ જ બનાવડાવી છે.

સૌથી મોટા ટેન્શનની વાત

૭ ઑગસ્ટે ફિલ્મ રિલીઝ થઈ અને એ જ અઠવાડિયે બૉલીવુડની બીજી મોટી ફિલ્મો પણ રિલીઝ થઈ. કોઈ મોટો સ્ટાર નહીં એટલે નૅચરલી મલ્ટિપ્લેક્સના માલિકોએ ફિલ્મને હળવાશથી લીધી. ઓપનિંગમાં ફિલ્મને ૨પ૦ શો મળ્યા, પણ પહેલા જ વીકમાં શોની સંખ્યા ઘટીને પચીસ થઈ ગઈ. PVR અને સિનેપૉલિસ જેવા મલ્ટિપ્લેક્સવાળા તો ફિલ્મના શો ચલાવવા તૈયાર નહોતા.
ડિરેક્ટર વિશાલ ચતુર્વેદી મનોમન ભાંગી પડ્યા, પણ એક રાતે સાવ એમ જ વિશાલે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. વિશાલ કહે છે, ‘સામાન્ય રીતે હું સોશ્યલ મીડિયા પર બાબાના નામે ફરતા મેસેજને ગંભીરતાથી નથી લેતો, પણ એ રાતે મારું ધ્યાન એક પોસ્ટ પર ગયું જે કોઈએ મને મોકલી હતી. એમાં લખ્યું હતું કે તું તારું કામ કર, બાકીનું બધું હું સંભાળી લઈશ. આ શબ્દોએ મારા મનમાં એક જ વાત જન્માવી કે મારું હજી કામ બાકી છે, મારે દોડવાનું છે, હવે લોકો વચ્ચે જવાનું છે. અને મેં નક્કી કર્યું કે હું આગળ વધીશ.’
વિશાલ અને ઍક્ટર શોભિનવ સત્યા બન્ને ગાડીમાં સૌથી પહેલાં સુરતના એક થિયેટરમાં પહોંચ્યા. એ સમયે સુરતમાં એક જ શો હતો. ટીમ થિયેટરમાં પહોંચી ત્યારે સ્ક્રીનિંગ ચાલુ હતું. જેવો શો પૂરો થયો, લાઇટ્સ થઈ, ટીમ થિયેટરના હૉલમાં દર્શકોની સામે આવીને ઊભી રહી ગઈ અને ચમત્કાર થયો. ઑડિયન્સ દોડીને ટીમને ભેટી પડી અને નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. થિયેટરનું વાતાવરણ કોઈ થિયેટર જેવું નહીં પણ કૈંચી ધામ જેવું બની ગયું.
ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે, ‘આ દૃશ્ય જોઈને મલ્ટિપ્લેક્સના માલિક અને મૅનેજર સ્તબ્ધ થઈ ગયા. માલિકે તરત જ ફોન ઉપાડીને આસપાસના પોતાના ઓળખીતા મલ્ટિપ્લેક્સના માલિકોને ફોન કર્યા અને પોતાના તરફથી રિક્વેસ્ટ કરી કે ફિલ્મના શો વધારો; આ કોઈ સામાન્ય પિક્ચર નથી, આ મૅજિક છે.’
એ મલ્ટિપ્લેક્સમાં પણ પછી તરત જ બીજી ફિલ્મના શો ઘટાડીને ‘હનુમાન અંશ’ના શો વધારી દેવામાં આવ્યા. ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે, ‘સુરતથી શરૂ થયેલી આ વાત પછી તો વડોદરા અને અલીગઢ સુધી પહોંચી અને પછી આખા દેશમાં બધાએ શો વધારવાના શરૂ કરી દીધા. આજે પણ એવું થાય છે કે નવો શો અનાઉન્સ થાય અને ૧૫ મિનિટમાં શો હાઉસફુલ થઈ જાય. થૅન્ક્સ ટુ બાબા.’

બુક અને બીજો ભાગ

ફિલ્મ ‘હનુમાન અંશ’ ડૉ. વિશાલ ચતુર્વેદીએ લખેલી ‘ડિવાઇન ડીટૂર : ધૅટ ચેન્જ્ડ માય લાઇફ’ પર આધારિત છે. ડૉ. વિશાલ ૨૦૦૯થી આ બુક માટે માહિતી એકઠી કરતા હતા. ૨૦૧૬-’૧૭માં તેમણે રિસર્ચ પૂરું કર્યું અને એ પછી ૨૦૨૨-’૨૩માં તેમણે બાબા જ્યાં-જ્યાં ગયા હતા એ જગ્યાની રૂબરૂ મુલાકાત લીધી. ડૉ. વિશાલ ચતુર્વેદીની આ બુક એટલી દળદાર છે કે એના પરથી એક નહીં ૩ ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ છે. પહેલા ભાગમાં બાબાના બાળપણથી લઈને યુવાની સુધીની વાર્તા છે. બીજા ભાગ પર કામ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં તેમના આગરા અને મથુરાના દિવસો તેમ જ અને વિશ્વપ્રસિદ્ધ કેચી ધામના નિર્માણની વાત આવશે.

જોઈ ન શકતા સુનીલ લોધીના ગીતે કરી જબરી જમાવટ

‘હનુમાન અંશ’ ફિલ્મને બ્લૉકબસ્ટર બનાવવામાં જો કોઈ ગીતનો સૌથી મોટો ફાળો હોય તો એ છે : ‘મૈંને તેરે હી ભરોસે હનુમાન સાગર મેં નૈયા ડાર દઈ...’ 
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ ગીતની કથા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ ગીત સુનીલ લોધીએ ગાયું છે. મધ્ય પ્રદેશના અત્યંત પછાત એવા બુંદેલખંડનો પચીસ વર્ષનો સુનીલ લોધી જન્મથી જ જોઈ નથી શકતો. આંખોમાં રોશની નહોતી, પણ ગળામાં સરસ્વતીનો સાક્ષાત્ વાસ. ગરીબી એટલી કે દસેક વર્ષની ઉંમરથી તે હાથમાં તંબૂરો લઈને લોકલ પૅસેન્જર ટ્રેનોમાં અને ગામડાંના ચોરા પર બુંદેલી લોકગીતો અને ભજનો ગાઈને પૈસા કમાતો. યુટ્યુબ ચૅનલ ‘બુંદેલી દુનિયા’એ સુનીલનું એક ભજન ‘મોરે સંકટ કે કટૈયા’ અપલોડ કર્યું, જેને અસંખ્ય વ્યુ મળ્યા અને આ ભજન સંગીત-નિર્માતા પંકજ રાઠોડ અને ડૉ. વિશાલ ચતુર્વેદી સુધી પહોંચ્યું. ડૉ. વિશાલ ચતુર્વેદી કહે છે, અમને ફિલ્મ માટે એક એવા અવાજની જરૂર હતી જેમાં માટીની સુગંધ અને સાચો આર્તનાદ હોય.
પંકજ રાઠોડે સુનીલ લોધીને શોધી કાઢ્યો અને મુંબઈના સાંઈબાબા સ્ટુડિયોમાં બોલાવ્યો. સુનીલને એ પણ ખબર નહોતી કે તે બૉલીવુડની કોઈ ફિલ્મ માટે ગાઈ રહ્યો છે. તેણે ત્યાં ૮ ભજન ગાયાં, જેમાંથી ‘મૈંને તેરે હી ભરોસે...’ ગીત પસંદ થયું અને એ ગીત સોશ્યલ મીડિયા પર સેન્સેશન બની ગયું. સુનીલ આજે સ્ટાર છે. ડૉ. વિશાલ ચતુર્વેદી સુનીલ પર પણ ભવિષ્યમાં ફિલ્મ બનાવવા માગે છે.

બાબાનું મોરબી ધામ

મોટા ભાગના લોકોનું માનવું છે કે બાબાનું એક જ ધામ છે જે નૈનીતાલ પાસે આવેલું કૈંચી ધામ છે; પણ ના, એવું નથી. નીમ કરોલી બાબા ગુજરાત સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં ૧૯૦૦માં જન્મેલા નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મી નારાયણ શર્મા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે લગ્ન પછી તેમણે સાધુ બનવા માટે સંસારત્યાગ કર્યો અને દેશમાં ફરતાં-ફરતાં તે ગુજરાતના મોરબી જિલ્લાના વાવણિયા ગામે આવ્યા. ગામના તળાવની પાળે આવેલા હનુમાન મંદિરમાં બાબાજીએ સાધના કરી હતી, જે લગભગ ૭ વર્ષ ચાલી.
૧૯૧૦થી ૧૯૧૭ સુધી તળાવના પાણીમાં જ બાબા સાધના કરતા હોવાથી લોકો તેમને તલૈયા કે તળાવિયા બાબા કહેતા. એવી લોકવાયકા છે કે સંત રામબાઈના ગુરુ રામદાસે નીમ કરોલી બાબાને દીક્ષા આપી હતી. વાવણિયા ગામના હનુમાન મંદિરમાં બજરંગબલીની મૂર્તિની સ્થાપના નીમ કરોલી બાબા દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

 

hinduism religion religious places Rashmin Shah indian films indian cinema