19 March, 2025 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંતારા ફિલ્મનું પોસ્ટર
હોમ્બલે ફિલ્મ્સની `કંતારા` ભારતીય સિનેમાની એક અનોખી અને ખાસ ફિલ્મ બની છે. આ ફિલ્મે ફક્ત શ્રેષ્ઠ ફિલ્મમેકિંગ, શાનદાર અભિનય અને ઉત્તમ કથા જ નહીં પણ ભારતીય લોકકથાઓને એક લોકપ્રિય શૈલી તરીકે સ્થાન અપાવ્યું છે. હોમ્બલે ફિલ્મ્સની `કેજીએફ: ચેપ્ટર 1` અને `કેજીએફ: ચેપ્ટર 2` બાદ આ ફિલ્મે પણ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. લેખક, નિર્દેશક અને અભિનેતા તરીકે ઋષભ શેટ્ટીએ આ લોકકથાની વાર્તાને પડદા પર જીવંત કરી છે. `કંતારા`માં સાંસ્કૃતિક પરંપરાઓ અને દંતકથાઓને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઋષભ શેટ્ટીના ભયાનક અભિનય અને ભૂત કોલા સીને તો દર્શકોને હચમચાવી દીધા છે. આ સીન ભારતીય સિનેમાના ઇતિહાસમાં યાદગાર બની ગયો છે.
આજના લેખમાં ભૂત કોલા સીનને લઈને કેટલીક અનોખી અને ચોંકાવનારી બાબતો જાણીશું, જે વાંચીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો:
ભૂત કોલા સીન દરમિયાન ઋષભ શેટ્ટીનો ખભો ઊતરી ગયો હતો
કંતારાના શાનદાર ક્લાઇમેક્સ સીન દરમિયાન ઋષભ શેટ્ટીના બંને ખભા ડીસલોકેટ થયા હતા. આ દુખાવા છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું. આ એ જ સીન છે જ્યાં શિવાના પાત્ર પર પંજીરલીનાં આશીર્વાદ આવે છે અને તે ભૂત કોલા પર્ફોર્મ કરે છે. આ સીન ફક્ત આ ફિલ્મનો જ નહીં પણ ભારતીય સિનેમાની ઇતિહાસનો એક આઈકૉનિક ક્ષણ બની ગયો.
ભૂત કોલા સીન માટે ઋષભ શેટ્ટીએ ઉપવાસ રાખ્યો હતો
ભૂત કોલા સીનને સાચી રીતે પરફોર્મ કરવા માટે ઋષભ શેટ્ટીએ 20થી 30 દિવસ સુધી ખાસ ડાયટ ફૉલૉ કર્યું. તેણે આ સમયગાળામાં માત્ર નાળિયેરનું પાણી પીધું હતું. તેના આ ઉપવાસ અને આત્મનિષ્ઠાએ તેના પર્ફોર્મન્સને ખાસ બનાવ્યો હતો, જેનાથી આ સીન વધુ આધ્યાત્મિક બની ગયો.
ભૂત કોલા સીન માટે ઋષભ શેટ્ટીએ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન લીધું
ફિલ્મમાં ભૂત કોલા અનુષ્ઠાનને જીવંત બનાવવા માટે ઋષભ શેટ્ટીએ ખરા ભૂત કોલા પર્ફોર્મર્સ પાસેથી માર્ગદર્શન લીધું હતું. આ નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શનથી ઋષભ શેટ્ટી ભૂત કોલાની પરંપરાની સમજ મેળવી શક્યા, જેનાથી તેનો પર્ફોર્મન્સ વધુ અસરકારક બની ગયો.
ભૂત કોલા સીન માટે ઋષભ શેટ્ટીએ મહિનાઓ સુધી ટ્રેનિંગ લીધી
ભૂત કોલા નૃત્યના જટિલ હાવભાવ અને ભાવનાઓને પરિપૂર્ણ રીતે રજૂ કરવા માટે ઋષભ શેટ્ટીએ મહીનાઓ સુધી તાલીમ લીધી હતી. તેની મહેનતે આ પરંપરાને ફિલ્મમાં દર્શાવા મદદ કરી અને દર્શકો માટે આ સીન અવિસ્મરણીય બની ગયો.
નેચરલ લાઇટિંગમાં ભૂત કોલા સીનની શૂટિંગ કરવામાં આવી હતી:
આ સીનને વધુ પ્રામાણિક બનાવવા માટે ઋષભ શેટ્ટીએ નેચરલ લાઇટિંગમાં આ સીનને શૂટ કરાવ્યું હતું. આ સાથે તેણે કાંઠા કાય કર્ણાટકની પરંપરાઓમાંથી પ્રેરણા લીધી, જેથી આ રિવાજની આધ્યાત્મિક અસર સ્ક્રીન પર સ્પષ્ટપણે જોવા મળી.
ભૂત કોલા સીનનું દિગ્દર્શન રાજ શેટ્ટીએ કર્યું હતું
આઈકોનિક ભૂત કોલા સીનનું દિગ્દર્શન ઋષભ શેટ્ટીએ નહીં પણ રાજ શેટ્ટીએ કર્યું હતું. આ દરમિયાન ઋષભ શેટ્ટી ફક્ત પોતાની પર્ફોર્મન્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરતો હતો, જેથી તેઓ ભૂત કોલાના પાત્રને સારી રીતે ભજવી શક્યો અને શ્રેષ્ઠ અભિનય આપી શક્યો.
હોમ્બલે ફિલ્મ્સની `કંતારા` ફિલ્મ માત્ર વીજુલ્સ અને મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ તે સંસ્કૃતિ અને પરંપરાને જીવંત બનાવે છે. આ ફિલ્મ ભવિષ્યમાં પણ ભારતીય લોકકથાઓ માટે એક પ્રેરણા બની રહેશે.