અમિતાભ બચ્ચન હંમેશાં પોતાના સ્ટાફનો ખર્ચ જાતે જ ઉઠાવે છે

28 June, 2026 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બી સાથે ફિલ્મો કરી ચૂકેલા કે. સી. બોકાડિયાએ ઍક્ટરની સાદગી અને મૂલ્યોનાં વખાણ કર્યાં

કે. સી. બોકાડિયા

બિગ બી સાથે ફિલ્મો કરી ચૂકેલા કે. સી. બોકાડિયાએ ઍક્ટરની સાદગી અને મૂલ્યોનાં વખાણ કર્યાં બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોના વધતા બજેટ અને સ્ટાર્સની મોંઘી માગણીઓને લઈને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમેકર કે. સી઼. બોકાડિયાએ એવા કલાકારો પર સવાલ ઉઠાવ્યા છે જે કરોડો રૂપિયાની ફી લીધા બાદ પણ પોતાના સમગ્ર સ્ટાફનો ખર્ચ નિર્માતા ઉપાડે એવી અપેક્ષા રાખે છે. આ ચર્ચા વચ્ચે પોતાનો અનુભવ જણાવતાં કે. સી. બોકાડિયાએ કહ્યું હતું કે ‘આજે ઘણા કલાકારો પોતાની સાથે મોટી ટીમ લઈને ફરે છે જેમાં મેકઅપ આર્ટિસ્ટ, હેર-સ્ટાઇલિસ્ટ, મૅનેજર, ડ્રાઇવર, ટ્રેઇનર અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ તમામનો ખર્ચ પણ મોટા ભાગે નિર્માતાઓને જ ઉઠાવવો પડે છે જે યોગ્ય નથી. મારો અનુભવ કહું તો અમિતાભ બચ્ચન હંમેશાં પોતાના વ્યક્તિગત સ્ટાફનો પગાર અને અન્ય તમામ ખર્ચ જાતે જ ચૂકવે છે. તેમણે ક્યારેય પોતાના સ્પૉટબૉય, મેકઅપ મૅન, ડ્રાઇવર અથવા અન્ય કર્મચારીઓનો ખર્ચ કોઈ નિર્માતા પર નાખ્યો નથી. એટલું જ નહીં, તેઓ પોતાની વૅનિટી વૅન અને ડ્રાઇવર પણ જાતે જ લઈને આવે છે. હું આવા કલાકારોને સલામ કરું છું. જ્યારે કોઈ અભિનેતા પહેલેથી જ કરોડો રૂપિયાની ફી લઈ રહ્યો હોય ત્યારે તેણે પોતાના સ્ટાફનો ખર્ચ પણ જાતે જ ઉઠાવવો જોઈએ. આજે ઘણા કલાકારો ૫૦થી ૧૦૦ કરોડ રૂપિયા સુધીની ફી લે છે, તેથી તેમણે થોડા ઉદાર પણ બનવું જોઈએ. જો કોઈ સ્ટાર નિર્માતા પરનો આર્થિક બોજ ઓછો કરે તો તેના પ્રત્યેનું સન્માન પણ વધી જાય છે.’

amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood