26 October, 2026 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત અને આર. માધવન
જૂન મહિનામાં જ્યારે ‘તનુ વેડ્સ મનુ’નો ત્રીજો ભાગ બનવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી કંગના રનૌતના ફૅન્સ તેને ફરી એક વાર તનુના રોલમાં જોવા માટે તલપાપડ હતા. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ત્રીજા ભાગમાં કંગના અને આર. માધવનની જૂની જોડીના બદલે નવા કલાકારો જોવા મળશે.
હાલમાં આનંદ એલ. રાયના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ના ત્રીજા ભાગ પર કામ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે મેકર્સ ત્રીજા ભાગમાં પણ ‘તનુ વેડ્સ મનુ’ની મસ્તી અને ગાંડપણ જાળવી રાખશે, પણ પાત્રો બદલાઈ જશે. જૂની જોડીથી આગળ વધીને વાર્તા નવાં પાત્રોની આસપાસ ફરશે. આ માટે ડિરેક્ટર અને લેખક છેલ્લા એક વર્ષથી ફિલ્મની નવી વાર્તા પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એકદમ નવા કલાકારો અને નવી વાર્તા જોવા મળશે. જોકે ફિલ્મમાં કયા કલાકારોનો સમાવેશ કરવામાં આવશે એની જાહેરાત નિર્માતાઓએ હજી સુધી કરી નથી.
તનુ વેડ્સ મનુ’નો પહેલો ભાગ ૨૦૧૧માં રિલીઝ થયો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ. રાયે કર્યું હતું. ફિલ્મમાં મનુ શર્મા અને તનુજા ત્રિવેદી વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો હતો. પહેલા ભાગની સફળતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ૨૦૧૫માં એનો બીજો ભાગ રિલીઝ કર્યો હતો, જેમાં કંગના ડબલ રોલમાં હતી. આ બન્ને ભાગ બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થયા હતા.