જો રીટા ભટ્ટાચાર્ય જાહેરમાં માફી માગશે તો હું ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચી લઈશ

08 March, 2026 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે જાન્યુઆરીમાં બૉમ્બે હાઈ કોર્ટે આ કેસમાં કુમાર સાનુને મોટી રાહત આપી હતી અને રીટા ભટ્ટાચાર્ય સામે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો.

ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય અને કુમાર સાનુ

કુમાર સાનુ અને તેની ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય વચ્ચેનો વિવાદ હજી સુધી શાંત થતો દેખાતો નથી. થોડા મહિના પહેલાં કુમાર સાનુએ રીટા ભટ્ટાચાર્ય સામે બૉમ્બે હાઈ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે કોર્ટમાં થયેલી તાજેતરની સુનાવણી દરમ્યાન કુમાર સાનુએ જણાવ્યું હતું કે જો રીટા જાહેરમાં તેની માફી માગશે તો તે રીટા સામે દાખલ કરેલો ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચી લેશે. માહિતી મુજબ રીટા ભટ્ટાચાર્યએ ઘણા ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ પતિ કુમાર સાનુ વિશે ચર્ચા કરી હતી. કહેવાય છે કે એમાં કેટલીક એવી વાતો પણ હતી જે કુમાર સાનુની ઇમેજને નુકસાન પહોંચાડતી હતી અને અપમાનજનક ગણાતી હતી. આ કારણે જ કુમાર સાનુએ તેની ભૂતપૂર્વ પત્ની સામે ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 

આ વર્ષે જાન્યુઆરીમાં બૉમ્બે હાઈ કોર્ટે આ કેસમાં કુમાર સાનુને મોટી રાહત આપી હતી અને રીટા ભટ્ટાચાર્ય સામે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ અનુસાર રીટાને ભૂતપૂર્વ પતિ કુમાર સાનુ સામે કોઈ પણ પ્રકારના જાહેર નિવેદન આપવાથી અથવા ઇન્ટરવ્યુ આપવા માટે રોકવામાં આવી હતી. આ સાથે જ કોર્ટે બન્ને પક્ષોને સલાહ આપી હતી કે તેમનો સંબંધ લાંબા સમયનો રહ્યો છે એટલે તેઓ પરસ્પર સહમતીથી મતભેદો દૂર કરી મામલો સમાધાનથી ઉકેલવાનો પ્રયત્ન કરે. આ મુદ્દે કુમાર સાનુનાં વકીલ સના રઈસ ખાને જણાવ્યું હતું કે ‘કુમાર સાનુ કોર્ટના નિર્ણયનું માન રાખવા તૈયાર છે, પરંતુ તેમણે એક શરત મૂકી છે. આ શરત છે કે જો ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય જાહેરમાં માફી માગશે તો કુમાર સાનુ તેની સામે દાખલ કરેલો માનહાનિનો કેસ પાછો ખેંચી લેશે. કુમાર સાનુનું કહેવું છે કે રીટાએ એ તમામ જાહેર પ્લૅટફૉર્મ પર આવીને માફી માગવી પડશે જ્યાં તેણે તેના સામે નિવેદનો આપ્યાં હતાં અને આરોપો લગાવ્યા હતા.’

kumar sanu bollywood buzz bollywood news bollywood gossips bollywood