18 August, 2026 05:28 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઓડિશાની પ્રથમ એનિમેટેડ ફીચર ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’
કાનૂની વિવાદોના સુખદ અંત બાદ અને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મળેલી મંજૂરી પછી, ઓડિશાની પ્રથમ એનિમેટેડ ફીચર ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’ હવે આગામી 28 ઓગસ્ટ, 2026ના રોજ સિનેપોલિસ (Cinépolis) દ્વારા સમગ્ર ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. યુવા પેઢી અને બાળકોમાં ભક્તિભાવ તેમજ સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ્ય સાથે બનેલી આ કાલ્પનિક વાર્તા, યુટ્યુબ પર 100 કરોડથી વધુ વ્યુઝ મેળવનારી લોકપ્રિય શ્રેણી ‘જય જગન્નાથ’નું સિનેમેટિક વિસ્તરણ છે.
આ ફિલ્મ અગાઉ 17 જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મના કન્ટેન્ટ પર ન્યાયિક સમીક્ષાની માંગ કરતી એક જાહેર હિતની અરજી (PIL)ના પગલે ઓરિસ્સા હાઈકોર્ટે તેના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો. આ સ્ટે સામે પ્રોડક્શન હાઉસે તાત્કાલિક સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. નિર્માતાઓએ રજૂઆત કરી હતી કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ‘U’ સર્ટિફિકેટ મળેલું છે અને અગાઉથી બુક થઈ ચૂકેલા 300થી વધુ થિયેટરો પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતે ફિલ્મના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનને લીલી ઝંડી આપી હતી. કોર્ટના આ નિર્દેશ બાદ અગ્રણી વિતરક સિનેપોલિસે 28 ઓગસ્ટે ફિલ્મનું મોટા પાયે વિતરણ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
કોર્ટના નિર્ણય પર કૃતજ્ઞતા વ્યક્ત કરતા `એલે એનિમેશન્સ`ના સ્થાપક અને ફિલ્મના પ્રોડ્યુસર દુર્ગા પ્રસાદ દલાઈએ કહ્યું કે, "અમે ‘મહાપ્રભુ જગન્નાથ’નું નિર્માણ અતૂટ ભક્તિ, સ્નેહ અને આપણી સંસ્કૃતિ પ્રત્યેના આદર સાથે કર્યું છે. આસ્થાનું સન્માન જાળવવાની સાથે કલાત્મક સ્વતંત્રતાનું રક્ષણ કરવા બદલ અમે સુપ્રીમ કોર્ટના ખૂબ આભારી છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સિનેમા અને એનિમેશનના માધ્યમથી સમગ્ર વિશ્વના પરિવારો અને બાળકો સુધી ભગવાન જગન્નાથની કૃપા અને ભક્તિ પહોંચાડવાનો રહ્યો છે. પવિત્ર ભાવનાથી કરાયેલા અમારા આ પ્રયાસને દર્શકો નિહાળે અને જાતે અનુભવ કરે તેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ."
ભુવનેશ્વરમાં મુખ્ય મથક ધરાવતી ‘એલે એનિમેશન્સ પ્રા. લિ.’ વર્ષ 2008થી વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ વિઝ્યુઅલ કન્ટેન્ટ પહોંચાડવા માટે જાણીતી છે. પ્રાદેશિક વારસાને આધુનિક સ્ટોરીટેલિંગ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક રજૂ કરનાર આ સ્ટુડિયોએ અગાઉ ‘જય જગન્નાથ’ સીરિઝ દ્વારા બહોળી લોકપ્રિયતા મેળવી હતી, જેણે આ મોટા બજેટની ફીચર ફિલ્મના નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણ એલે એનિમેશન્સના સ્થાપક દુર્ગા પ્રસાદ દલાઈ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મનું દિગ્દર્શન શ્રીપદ વરખેડકરે સંભાળ્યું છે. આ ફિલ્મની વાર્તા અને પટકથા પલ્લવી શર્મા દ્વારા લખવામાં આવી છે, મૂળ ગીતોનું સંગીત અરજિત શ્રીવાસ્તવે તૈયાર કર્યું છે, બેકગ્રાઉન્ડ સ્કોર અવિરલ કુમારે આપ્યો છે તેમજ ગીતોના બોલ અતુલ કુમાર વર્માએ રચ્યા છે.