13 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનોજ કુમારની અસ્થિ ગંગામાં વિસર્જિત (તસવીર: સોશિયલ મીડિયા અને પીટીઆઇ)
એક ભાવનાત્મક સમારોહમાં ૧૨ એપ્રિલ શનિવાર સવારે ભારતીય સિનેમાના મહાન અભિનેતા અને ફિલ્મ મેકર મનોજ કુમારની અસ્થિઓનું ગંગા નદીના પવિત્ર પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું. આ ધાર્મિક વિધિ હરિદ્વારના હર કી પૌડી સ્થિત બ્રહ્મા કુંડ ખાતે નજીકના પરિવારના સભ્યો અને સંબંધીઓની હાજરીમાં કરવામાં આવી હતી. અંતિમ સંસ્કાર સંપૂર્ણ ધાર્મિક અને વૈદિક વિધિઓ સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિનારાઓ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા હતા. મનોજ કુમારના પુત્રો, કુણાલ ગોસ્વામી અને વિશાલ ગોસ્વામીએ પરિવારના પૂજારીના માર્ગદર્શન હેઠળ આ વિધિઓ કરી હતી.
અસ્થિ વિસર્જન પછી બોલતા, કુણાલ ગોસ્વામીએ કહ્યું, "અસ્થિઓ ગંગામાં વિસર્જન કરવામાં આવી છે, અને અમે મા ગંગાના આશીર્વાદ દ્વારા તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ." ૨૪ જુલાઈ, ૧૯૩૭ ના રોજ એબોટાબાદ (હવે પાકિસ્તાનમાં) માં જન્મેલા મનોજ કુમારનું ૪ એપ્રિલના રોજ ૮૭ વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સવારે ૪:૦૩ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મનોજ કુમાર ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ અને ક્રાંતિ જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા આ સિનેમાના આઇકૉન માત્ર એક પ્રખ્યાત અભિનેતા જ નહીં પરંતુ એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા પણ હતા જેમનો વારસો ભારતીય સિનેમા પ્રેમીઓની પેઢીઓને પ્રેરણા આપે છે. મનોજ કુમારના પાર્થિવ પીઆર પાંચ એપ્રિલના રોજ મુંબઈમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પત્ની શશી ગોસ્વામી, પુત્ર કુણાલ ગોસ્વામી અને પરિવારના અન્ય નજીકના સભ્યોએ સહિત બૉલિવૂડ ફિલ્મ જગતના તેમના અનેક સહ-કલાકારો અને અનેક દિગ્ગજ અભિનેતાઓએ પણ ઔપચારિક રાજ્ય સન્માન દરમિયાન હાજર રહીને મનોજ કુમારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
મનોજ કુમારની તબિયત લથડતાં તેમને ૨૧ ફેબ્રુઆરીના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને માંદગી સાથે એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલી લડાઈ બાદ શુક્રવારે તેમનું અવસાન થયું હતું. અહેવાલો મુજબ, તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. તેઓ તાજેતરના મહિનાઓમાં ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસ સામે પણ લડી રહ્યા હતા, જેના કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.
મનોજ કુમારની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં શહીદ (1965), ઉપકાર (1967), પુરબ ઔર પશ્ચિમ (1970) અને રોટી કપડા ઔર મકાન (1974)નો સમાવેશ થાય છે, જેમાંથી ઘણી તેમણે ડિરેક્ટ પણ કરી હતી. ઉપકારમાં તેમના અભિનયથી તેમની દેશભક્તિની છબી મજબૂત થઈ, જેના કારણે તેમનું પ્રખ્યાત ઉપનામ બન્યું. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેમણે હરિયાલી ઔર રાસ્તા, વો કૌન થી, હિમાલય કી ગોદ મેં, દો બદન, પથ્થર કે સનમ, નીલ કમલ અને ક્રાંતિ સહિત અન્ય ઘણી વખાણાયેલી ફિલ્મોમાં કામ કર્યું હતું.