06 November, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લારા દત્તા
ગઈ કાલે રિલીઝ થયેલી ‘રામાયણ’માં લારા દત્તાએ પણ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં તે રાજા દશરથની પત્ની અને ભગવાન રામની સાવકી માતા કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે.
હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે લારા દત્તાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કૈકેયી જેવી ઐતિહાસિક હસ્તીની ભૂમિકા પડદા પર ભજવવી તેના માટે કેટલો ખાસ અનુભવ રહ્યો છે.
પોતાના અનુભવ વિશે વાત કરતાં લારા દત્તાએ લખ્યું હતું કે ‘ઘણાં વર્ષો પહેલાં એક પ્રબળ ઇચ્છા મનમાં જન્મી હતી... પોતાનાથી પણ વિશાળ અને સમગ્ર સમૂહથી પણ મહાન એવી કોઈ બાબતનો હિસ્સો બનવાની ઇચ્છા. એવી કોઈ બાબત, જે સમયની સીમાઓને પણ પાર કરી જાય અને જે આપણા અસ્તિત્વના મૂળભૂત તાણાવાણામાં વણાયેલી હોય. આજે એ ઇચ્છાને અનંતકાળ જેટલી શાશ્વત એવી એક વાર્તામાં સ્થાન મળ્યું છે. જેના માટે ઇતિહાસમાં સૌથી વધારે ગેરસમજ થયેલી છે એવી માતાની ભૂમિકા ભજવવાની તક મારા માટે કેટલું અસાધારણ સૌભાગ્ય છે. તેમનાં માનવીય પાસાંને જીવંત કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. તેમની વ્યથા, તેમની નબળાઈઓ, તેમનો અપરાધભાવ અને તેમનો પશ્ચાત્તાપ પડદા પર રજૂ કરવાની તક મળી છે. એક એવી સ્ત્રી જેણે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખ્યો હતો અથવા કદાચ એમ કહી શકાય કે તેમણે ઇતિહાસને એ માર્ગે આગળ વધાર્યો જેના પર એ પહેલેથી જ આગળ વધવા માટે નિર્ધારિત હતો. હું આ તક મળતાં વિનમ્રતા અનુભવું છું અને હૃદયપૂર્વક આભારી છું.’