12 November, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ ખન્ના
નિતેશ તિવારીની ‘રામાયણ’માં માતા સીતાને જે રીતે રજૂ કરવામાં આવ્યાં છે એને લઈને ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. હવે આ લોકોમાં મુકેશ ખન્નાનો પણ સમાવેશ થઈ ગયો છે. ફિલ્મના એક દૃશ્યમાં માતા સીતા ઍક્શન કરતાં જોવાં મળે છે, જેને લઈને મુકેશ ખન્નાએ નારાજગી વ્યક્ત કરી છે. પોતાના તાજેતરના વ્લૉગમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે વાલ્મીકિ રામાયણમાં સીતાને યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યાં નથી. આ ઉપરાંત તેમણે નિર્માતા નમિત મલ્હોત્રાના એ નિવેદન સામે પણ સવાલ ઉઠાવ્યા હતા જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ દૃશ્ય વાલ્મીકિની રામાયણ પર આધારિત નથી.
મુકેશ ખન્નાએ પોતાના વ્લૉગમાં કહ્યું હતું કે ‘હમણાં ‘રામાયણ’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે અને એને લઈને આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. હવે મુખ્ય મુદ્દો ફિલ્મની કમાણીનો બની ગયો છે કે અમે ૪૦૦ કરોડ રૂપિયા કમાયા અને ૪૦૦૦ કરોડ રૂપિયા કેવી રીતે પાછા લાવીશું. આ જ ચર્ચાનો વિષય બની ગયો છે. એના વિશે કોઈ વાત કરતું નથી કે અમે તમને રામાયણની કથા યોગ્ય રીતે સંભળાવી રહ્યા છીએ કે નહીં.’
મુકેશ ખન્નાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોતે હજી ‘રામાયણ’ ફિલ્મ જોઈ નથી અને આ કમેન્ટ્સ દર્શકોની પ્રતિક્રિયાઓ, ફિલ્મના રિવ્યુ અને અત્યાર સુધી રજૂ કરવામાં આવેલી પ્રમોશનલ સામગ્રી પર આધારિત છે. મુકેશ ખન્નાએ વાલ્મીકિ રામાયણ સાથે સર્જનાત્મક છૂટછાટ લેવાના ફિલ્મ-નિર્માતાઓના નિર્ણય સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ‘શું આપણા સૌથી મોટાં મહાકાવ્યો રામાયણ અને મહાભારત સાથે છેડછાડ કરવી યોગ્ય છે? એમાં કંઈક ઘટાડવું કે ઉમેરવું, પોતાની કલ્પનાને ફિલ્મમાં સામેલ કરવી... શું આ પ્રકારની છેડછાડ યોગ્ય છે? શું તમે કલ્પના કરી શકો છો કે માતા સીતા રાણી લક્ષ્મીબાઈની જેમ લડાઈ કરી રહ્યાં છે અથવા આજકાલની અભિનેત્રીઓની જેમ મર્દાની બનીને લડી રહ્યાં છે? મેં વાલ્મીકિની રામાયણ વાંચી છે. એમાં ક્યાંય એવું લખ્યું નથી કે સીતાજીએ ક્યારેય યુદ્ધ કર્યું હોય. તેઓ મર્યાદા પુરુષોત્તમ રામનાં પત્ની હતાં અને તેમણે સેવાભાવ દર્શાવ્યો હતો. તેઓ યોદ્ધા નહોતાં. જો તેઓ યોદ્ધા હોત તો રાવણ સામે લડત આપત. રાવણ તેમને ચૂપચાપ કેવી રીતે ઉઠાવીને લઈ ગયો? જ્યારે નિર્માતાએ દાવો કર્યો કે તેમણે આ ખાસ દૃશ્ય વાલ્મીકિ રામાયણમાંથી લીધું નથી ત્યારે હું આઘાતમાં સરી પડ્યો હતો. તેમણે કહ્યું કે આ દૃશ્ય તેમણે ‘અદ્ભુત રામાયણ’ નામના પુસ્તકમાંથી લીધું છે. રામાયણ તો એક જ હતી, જે વાલ્મીકિએ લખી હતી. તેઓ રામાયણ વિશે આવું બોલવાની હિંમત કેવી રીતે કરી શકે? બીજા કોઈ ધર્મમાં આવું કરીને બતાવો. શું તમે કુરાન કે બાઇબલ સાથે છેડછાડ કરી શકો? જો નહીં તો પછી આપણી ગીતા અને રામાયણ સાથે છેડછાડ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? બીજા કોઈ ધર્મના મામલે આવી ગુસ્તાખી કરીને તો જુઓ. વાલ્મીકિ રામાયણ પર પોતાનો દૃષ્ટિકોણ થોપવાનું બંધ કરો. તમને શરમ આવવી જોઈએ.’