06 November, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ લહરી, રવિ દુબે
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકામાં અભિનેતા રવિ દુબે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રવિ દુબેના અભિનય વિશે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર સુનીલ લહરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સુનીલે સોશ્યલ મીડિયામાં રવિ દુબેની ઍક્ટિંગ વિશે લખ્યું હતું કે ‘નવી રામાયણમાં લક્ષ્મણના પાત્રમાં જે નિર્દોષતા અને ગુસ્સો દેખાવો જોઈએ એ જોવા મળી રહ્યો છે. નવી રામાયણની સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ.’ થોડા સમય પહેલાં સુનીલ લહરીએ ફિલ્મ ‘રામાયણ’ના સંગીત વિશે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ ફિલ્મના સંગીતથી ખાસ ખુશ નથી. સુનીલે કહ્યું હતું કે ‘આવા મહાકાવ્યમાં સંગીત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું મેં અત્યાર સુધી જે પણ સંગીત સાંભળ્યું છે એમાંનાં કેટલાંક ગીતોએ મને થોડી નિરાશા આપી છે. આ ગીતોના સંગીતમાં મિથિલા અને અયોધ્યાનો સ્થાનિક રંગ હોવો જોઈએ. જોકે હું કોઈ નિષ્ણાત નથી, પણ આ મારા વિચારો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મને ખૂબ સફળતા મળે. આ ફિલ્મનું સફળ થવું ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકોની રોજી-રોટી એની સાથે જોડાયેલી છે.’