08 March, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેરની ફિલ્મ
ગઈ કાલે અનુપમ ખેરની ૭૧મી વર્ષગાંઠ હતી. પોતાના જન્મદિવસે અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર ફૅન્સ માટે ખાસ વિડિયો શૅર કર્યો અને જીવન પ્રત્યેની તેમની લાગણી પોસ્ટમાં શૅર કરી. અનુપમ ખેરે પોતાના આ વિડિયોમાં જણાવ્યું હતું કે ‘હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મને ૪૨ વર્ષ થઈ ગયાં છે અને અત્યાર સુધી મેં લગભગ ૫૫૦ ફિલ્મ કરી છે. મને લાગે છે કે જીવન જાણે પલકારો મારતાં જ પસાર થઈ ગયું. આ લાંબા સમયમાં મેં અનેક અનુભવો મેળવ્યા છે. હું આજે ૭૧ વર્ષનો થયો છું અને હવે મને એવું લાગે છે કે હું મારી જિંદગીના ઇન્ટરવલ પર ઊભો છું. જીવનનો પહેલો ભાગ સંઘર્ષ, શીખ અને અદ્ભુત અનુભવોથી ભરેલો રહ્યો છે. ભગવાનની કૃપા અને દર્શકોના પ્રેમને કારણે હું વારંવાર મારી જાતને નવેસરથી તૈયાર કરવાની હિંમત મેળવી શક્યો.’ પોતાના જન્મદિવસે અનુપમ ખેરે ફૅન્સ પાસે ખાસ ભેટ પણ માગી. તેમણે કહ્યું કે ‘જો કોઈ મને મારા જન્મદિવસ પર ગિફ્ટ આપવા માગે તો મારી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ જરૂર જોઈ લે. કદાચ આને ઇમોશનલ બ્લૅકમેઇલ કહી શકાય, પરંતુ એક કલાકાર માટે સૌથી મોટી ગિફ્ટ એ જ છે કે દર્શકો તેની નવી વાર્તા જુએ. હાલમાં આ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે.’