18 May, 2026 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પેડ્ડી
અભિનેતા રામ ચરણની આગામી ફિલ્મ `પેડ્ડી`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન બુચી બાબુ સના દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેલર લૉન્ચ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન થયું હતું. આ ફિલ્મ 4 જૂન, 2026 ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થવાની છે, જ્યારે તેનો ગ્રાન્ડ પ્રીમિયર 3 જૂનના રોજ યોજાવાનો છે. આ ફિલ્મનું નિર્માણ વૃદ્ધિ સિનેમા, મૈત્રી મૂવી મેકર્સ અને IVY એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રામ ચરણની સાથે, કલાકારોમાં જાહ્નવી કપૂર, જગપતિ બાબુ, શિવ રાજકુમાર અને દિવ્યેન્દુ શર્મા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળવાના છે.
`પેડ્ડી`નું ટ્રેલર રમતગમત, ઍક્શન અને ભાવનાત્મક વાર્તાનું મિશ્રણ રજૂ કરે છે. આ વાર્તા ગ્રામીણ વાતાવરણ અને સ્થાનિક સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે આગળ વધતી દેખાય છે, જ્યાં સ્પોર્ટ્સ લોકોના જીવનમાં અભિન્ન ભૂમિકા ભજવે છે. આ પહેલા, રામ ચરણનો કુસ્તીબાજ અને ક્રિકેટર તરીકેનો લુક પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો હતો. ટ્રેલરમાં હવે અભિનેતાનો ત્રીજો અલગ અવતાર દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં, તે ત્રણ અલગ અલગ રમતગમતના વિષયો અને ત્રણ અનોખા લુકમાં દેખાય છે. આ પરિવર્તનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નોંધપાત્ર ચર્ચા જગાવી છે. ફિલ્મના મ્યુઝિક સંગીત અને ગીતોને લોકોને ગમી રહ્યા છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. ‘ચિકિરી ચિકિરી’ ટ્રેક પહેલાથી જ 200 મિલિયન વ્યૂઝને વટાવી ગયો છે. દરમિયાન, ‘રાય રાય રા રા’ને પણ પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જે YouTube પર 68 મિલિયનથી વધુ વ્યૂઝ એકઠા થયા છે. ફિલ્મ નિર્માતાઓના મતે, ફિલ્મના ગીતો, પોસ્ટરો અને પ્રમોશનલ ઝલક રિલીઝ થયા પછી `પેડ્ડી`ને લઈને પ્રેક્ષકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે.
અહેવાલો અનુસાર, ઉત્તર અમેરિકામાં એડવાન્સ બુકિંગ શરૂ થયાના થોડા કલાકોમાં જ ફિલ્મે ડૉલર 100,000 નો આંકડો પાર કરી લીધો. આ ફિલ્મની વધતી માગ અને દર્શકોમાં વધેલી રુચિનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.
આર. રથનવેલુએ ફિલ્મની સિનેમેટોગ્રાફી સંભાળી છે, જ્યારે નવીન નૂલીએ એડિટિંગની જવાબદારી સંભાળી છે. પ્રોડક્શન ડિઝાઇન અવિનાશ કોલ્લાએ કર્યું છે. વી.વાય. પ્રવીણ કુમાર ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તો ઇશાન સક્સેના સહ-નિર્માતા તરીકે જોડાયા છે. જીઓ સ્ટુડિયો ઉત્તર ભારતમાં ફિલ્મની રિલીઝનું સંચાલન કરશે. 2020 માં સ્થાપિત IVY એન્ટરટેઈનમેન્ટ, આ પ્રોજેક્ટ સાથે પ્રોડક્શન અને ફિલ્મ રાઈટ્સ પાર્ટનર તરીકે સંકળાયેલું છે. `પેડ્ડી`ને વર્ષની મુખ્ય ફિલ્મોમાંની એક તરીકે ઓળખવામાં આવી રહી છે, અને તેના ટ્રેલરના રિલીઝ પછી ફિલ્મની આસપાસ દર્શકોની અપેક્ષા વધુ તીવ્ર બની છે.