સૌરવ ગાંગુલીના જન્મદિવસે તેની બાયોપિકનો રાજકુમાર રાવનો ફર્સ્ટ લુક થયો રિલીઝ

09 July, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં રાજકુમાર રાવને સૌરવ ગાંગુલીની જેમ જ લંડનના લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને હવામાં લહેરાવતો દેખાડવામાં આવ્યો છે

રીલીઝ થયેલ પોસ્ટર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીની ગઈ કાલે ૫૪મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર તેની બાયોપિક ‘દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’માં સૌરવનો રોલ કરી રહેલા રાજકુમાર રાવનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં રાજકુમાર રાવને સૌરવ ગાંગુલીની જેમ જ લંડનના લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને હવામાં લહેરાવતો દેખાડવામાં આવ્યો છે. ફર્સ્ટ લુકમાં દર્શાવવામાં આવેલી ઘટના ૨૦૦૨ની ૧૩ જુલાઈની છે. એ દિવસે ભારતે નૅટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં જીત મેળવી હતી. આ ઐતિહાસિક વિજય બાદ સૌરવ ગાંગુલીએ લૉર્ડ્‌સની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને કરેલી ઉજવણી સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની હતી અને બાદમાં આ દૃશ્ય ભારતીય ક્રિકેટ ટીમના બદલાયેલા આત્મવિશ્વાસ અને આક્રમક વલણનું પ્રતીક બની ગયું હતું. સૌરવ ગાંગુલીની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે વિદેશી ધરતી પર પણ સતત યાદગાર પ્રદર્શન કરીને નવી ઓળખ ઊભી કરી હતી.
‘દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ના ફર્સ્ટ લુક પોસ્ટરમાં રાજકુમાર રાવનો લુક યંગ સૌરવ ગાંગુલીની યાદ અપાવે છે. આ માટે તેની હેરસ્ટાઇલ, ચહેરાના હાવભાવ અને બૉડી-લૅન્ગવેજ પર ખાસ મહેનત કરવામાં આવી છે. પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ-તારીખની પણ જાહેરાત કરવામાં આવી છે અને એ પ્રમાણે ‘દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ આવતા વર્ષે ૧૪ મેએ  થિયેટરમાં રિલીઝ થશે.

આ બાયોપિકમાં સૌરવ ગાંગુલીની ક્રિકેટ-કારકિર્દીના મહત્ત્વના પડાવો દર્શાવવામાં આવશે. એમાં તેના ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન બનવાની સફર, જીવનના સંઘર્ષો અને ભારતીય ક્રિકેટમાં આપેલા ઐતિહાસિક યોગદાનને રજૂ કરવામાં આવશે.

દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરીનું ફર્સ્ટ પોસ્ટર મારા જીવનની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ભેટ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીની ગઈ કાલે સેલિબ્રેટ કરાયેલી ૫૪મી વર્ષગાંઠે તેના ફૅન્સને ક્રિકેટરની બાયોપિકના ફર્સ્ટ લુકની ખાસ સરપ્રાઇઝ મળી હતી. આ દિવસે તેના જીવન પર આધારિત ફિલ્મ ‘દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૪ મેએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યા બાદ હવે સૌરવ ગાંગુલીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સૌરવ ગાંગુલીએ ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શૅર કરીને આ ફર્સ્ટ લુક લૉન્ચને પોતાના જીવનની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ભેટ ગણાવી છે. તેણે રાજકુમાર રાવને ટૅગ કરતાં લખ્યું હતું કે ‘મેદાન પર તને મારો પ્રસિદ્ધ ‘કવર ડ્રાઇવ’ શૉટ રમતો જોવા માટે હું આતુર છું.’

સૌરવ ગાંગુલી બનવાની સુશાંત સિંહ રાજપૂતની ઇચ્છા રહી ગઈ હતી અધૂરી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું પહેલું પોસ્ટર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં રાજકુમાર રાવ લૉર્ડ્‌સની બાલ્કનીમાં ટૉપલેસ સૌરવ ગાંગુલીના ટી-શર્ટ લહેરાવવાના ઐતિહાસિક અંદાજને ફરી જીવંત કરતો જોવા મળે છે. પોસ્ટર સામે આવ્યા બાદ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ સૌરવ ગાંગુલીની બાયોપિકમાં કામ કરવા ખૂબ જ ઉત્સુક હતો. ફિલ્મ ‘એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં ક્રિકેટરનું પાત્ર ભજવ્યા બાદ સુશાંતને મોટા પડદા પર સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવવાની બહુ ઇચ્છા હતી.  મળતી માહિતી પ્રમાણે ૨૦૧૮માં સુશાંત સિંહ રાજપૂતની ટીમે સૌરવ ગાંગુલીનો સંપર્ક કરીને તેના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે એ સમયે સૌરવ ગાંગુલી પોતાની બાયોપિક બનાવવા માટે તૈયાર નહોતો અને તેણે આ પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી દીધો હતો. આ સંજોગોમાં પણ સુશાંત સિંહ રાજપૂતે પછી સૌરવ ગાંગુલીને કહ્યું હતું કે જ્યારે પણ તે બાયોપિક બનાવવા માટે તૈયાર થાય ત્યારે તેને જરૂર યાદ કરે. આ પછી ૨૦૨૦ના જૂન મહિનામાં સુશાંત તેના મુંબઈસ્થિત નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેની સૌરવ ગાંગુલી બનવાની ઇચ્છા અધૂરી જ રહી ગઈ હતી.

rajkummar rao sourav ganguly upcoming movie indian cinema bollywood buzz bollywood gossips bollywood sushant singh rajput