સાઈ પલ્લવીને જોઈને મને તરત લાગ્યું કે સીતામાતા બનવા માટે તે શ્રેષ્ઠ છે

05 April, 2026 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂરે તેની સહકલાકારની બહુ પ્રશંસા કરી

સાઈ પલ્લવી અને રણબીર કપૂર

ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરને ભારતમાં રિલીઝ કરતાં પહેલાં લૉસ ઍન્જલસમાં ફિલ્મના ટીઝરનું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જ્યાં રણબીરે પોતાની સહઅભિનેત્રી અને ફિલ્મમાં સીતામાતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. ફિલ્મના અન્ય કલાકારો વિશે વાત કરતાં રણબીરે કહ્યું કે ‘જે દિવસે મેં સાઈ પલ્લવીને સીતામાતાના સ્વરૂપમાં જોઈ ત્યારે મને અને નીતેશ તિવારીને તરત જ લાગ્યું કે આ ભૂમિકામાં તેના કરતાં શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં. સાઈ અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી છે. ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા યશનું એક અલગ જ સ્ટારડમ છે અને તેનું શક્તિશાળી વ્યક્તિત્વ તથા સ્ક્રીન પ્રેઝન્સ રાવણ જેવા મજબૂત પાત્રને વધુ પ્રભાવશાળી બનાવે છે.’

રામાયણ માટે રણબીરની ફી ૧૫૦ કરોડ રૂપિયા અને યશની ૧૦૦ કરોડ રૂપિયા

બૉલીવુડમાં હાલમાં ‘રામાયણ’ની એના બિગ બજેટને કારણે ચર્ચા છે. નીતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાના વિશાળ બજેટમાં બની રહી છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે અને બન્ને ભાગ માટે અલગ-અલગ ફી નક્કી કરવામાં આવી છે. હાલમાં ફિલ્મના કલાકારોની ફી વિશે એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર રણબીર કપૂર સૌથી વધુ ફી લેનાર ઍક્ટર છે. તે એક ભાગ માટે લગભગ ૭૫ કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે એટલે બન્ને ભાગ મળીને તેની કુલ ફી આશરે ૧૫૦ કરોડ રૂપિયા થાય છે. ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવનાર યશ પણ ફીના મામલે પાછળ નથી. તે એક ભાગ માટે લગભગ ૫૦ કરોડ રૂપિયા લઈ રહ્યો છે એટલે બન્ને ભાગ માટે તેની કુલ કમાણી આશરે ૧૦૦ કરોડ રૂપિયા થાય છે. ‘રામાયણ’માં માતા સીતાના પાત્રમાં જોવા મળનારી સાઈ પલ્લવી એક ભાગ માટે લગભગ ૬ કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે એટલે કુલ મળી તેની ફી આશરે ૧૨ કરોડ રૂપિયા થાય છે.  હનુમાનના પાત્રમાં જોવા મળનારો સની દેઓલ એક ભાગ માટે લગભગ ૨૦ કરોડ રૂપિયા લઈ રહ્યો છે એટલે બન્ને ભાગ માટે તેની ફી આશરે ૪૦ કરોડ રૂપિયા થાય છે. લક્ષ્મણના પાત્રમાં જોવા મળનારા રવિ દુબેની ફી પણ કરોડોમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. રિપોર્ટ્‌સ મુજબ, તેને લગભગ ૨થી ૪ કરોડ રૂપિયા મળવાની શક્યતા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ramayan sai pallavi ranbir kapoor yash bollywood buzz bollywood bollywood gossips bollywood news