13 October, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણનું પોસ્ટર
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ હિન્દીમાં કરવામાં આવ્યું છે, પણ એને ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓની સાથે અંગ્રેજીમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. હવે રિપોર્ટ છે કે નિર્માતાઓ આ ફિલ્મને મોટા પાયે વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે અને ‘રામાયણ’ના પહેલા ભાગને લગભગ ૪૦ ભાષાઓમાં ડબ કરીને એકસાથે રિલીઝ કરવામાં આવી શકે છે.
ફિલ્મને ૪૦ ભાષાઓમાં ડબ કરવાની યોજના વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘વિશ્વભરના દર્શકો સુધી ફિલ્મ પહોંચે અને તેઓ એની સાથે જોડાઈ શકે એ માટે ‘રામાયણ’ને લગભગ ૪૦ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. આના પરિણામે દુનિયાભરના દર્શકો સબટાઇટલ્સ પર આધાર રાખ્યા વિના પોતાની સમજની ભાષામાં આ ફિલ્મનો ભવ્ય અનુભવ માણી શકશે. ભારતીય ફિલ્મને આટલા વિશાળ સ્તરે ડબ કરવામાં આવી હોય એવું પહેલી વાર બનશે. આ ફિલ્મને કઈ-કઈ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે એની સંપૂર્ણ યાદી આગામી બે અઠવાડિયાંમાં જાહેર કરવામાં આવી શકે છે.’
રામાયણની રિલીઝ પાંચ નવેમ્બરે કન્ફર્મ
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરી દીધી છે. નવરાત્રિના પ્રારંભના શુભ અવસરે નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ દિવાળીના ત્રણ દિવસ પહેલાં દુનિયાભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રિલીઝની તારીખ જાહેર કરતાં નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર પણ શૅર કર્યું હતું. આ પોસ્ટરમાં બૅકગ્રાઉન્ડમાં રાવણની ભૂમિકામાં યશ જોવા મળે છે. તેની સાથે ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી અને લક્ષ્મણની ભૂમિકામાં રવિ દુબે જોવા મળે છે. આ સાથે નિર્માતાઓએ કહ્યું હતું કે ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ દશેરા એટલે કે ૨૦ ઑક્ટોબરથી શરૂ થશે. ફિલ્મની પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ‘નવરાત્રિના શુભ અવસરે અમે એક નવા યુગની શરૂઆતની ઉજવણી કરી રહ્યા છીએ. આ રામના યુગનો પ્રારંભ છે. નમિત મલ્હોત્રાની ‘રામાયણ પાર્ટ 1’ પાંચ નવેમ્બરથી દુનિયાભરનાં સિનેમાઘરોમાં તમામ પ્રીમિયમ ફૉર્મેટમાં રિલીઝ થશે. દશેરાથી ઍડ્વાન્સ બુકિંગ શરૂ થશે.’