બે કલાકમાં જ લગભગ ૪ કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ ગઈ ધુરંધર : ધ રિવેન્જની

08 March, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક દિવસ વહેલી જોવા મળશે ધુરંધર : ધ રિવેન્જ, ૧૮ માર્ચના પેઇડ પ્રિવ્યુનું બુકિંગ ગઈ કાલથી શરૂ થઈ ગયું

રણવીર સિંહ ધુરંધરમાં

‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ થયા પછી ફૅન્સમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફૅન્સનો આ ઉત્સાહ હવે માત્ર ચર્ચાઓ પૂરતો રહ્યો નથી, પરંતુ બૉક્સ-ઑફિસના આંકડાઓમાં પણ દેખાઈ રહ્યો છે. ફિલ્મ ૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થાય એ પહેલાં ૧૮ માર્ચે પેઇડ પ્રિવ્યુના શો રાખવામાં આવ્યા છે અને ઍડ્વાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના પેઇડ પ્રિવ્યુનું ઍડ્વાન્સ બુકિંગ ગઈ કાલે સવારે ટ્રેલરના રિલીઝ પછી શરૂ થયું હતું અને રિપોર્ટ પ્રમાણે માત્ર બે કલાકમાં જ લગભગ ૪ કરોડ રૂપિયાની ટિકિટ દેશભરમાં વેચાઈ ગઈ હતી. ફિલ્મ હજી રિલીઝ પણ નથી થઈ છતાં આટલો પ્રતિસાદ દર્શકોમાં ઊંચી અપેક્ષા દર્શાવે છે. માહિતી મુજબ ફિલ્મ હાલમાં BookMyShow પર ટ્રેન્ડ કરી રહી છે. ઍડ્વાન્સ બુકિંગ શરૂ થયાના થોડા સમયમાં જ ફિલ્મના ટિકિટ-વેચાણની ગતિ ખૂબ તેજ થઈ ગઈ છે. અહેવાલ પ્રમાણે ફિલ્મ લગભગ દર કલાકે ૭૫૦૦ ટિકિટ વેચી રહી છે જે કોઈ પણ ફિલ્મ માટે ખૂબ જ મોટી શરૂઆત માનવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે આ પેઇડ પ્રીવ્યુ માટે હાલમાં સમગ્ર ભારતમાં લગભગ ૩૯૭૯ શો શેડ્યુલ કરવામાં આવ્યા છે. એમાંથી લગભગ ૨૬ શો પહેલાંથી જ સોલ્ડ-આઉટ થઈ ગયા છે, જ્યારે ૩૦થી વધુ શો લગભગ ફુલ છે.

મુંબઈમાં મોંઘામાં મોંઘી ટિકિટ ૨૫૦૦ રૂપિયાની

પેઇડ પ્રિવ્યુની મુંબઈમાં મોંઘામાં મોંઘી ટિકિટ ૨૫૦૦ રૂપિયાની છે. બોરીવલીમાં સ્કાયસિટી મૉલમાં આવેલા આઇનૉક્સ મેગાપ્લેક્સમાં સાંજે ૬.૩૦ વાગ્યાના શોમાં રિક્લાઇનર પ્રાઇમ કૅટેગરીની ટિકિટનો ભાવ અઢી હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. બીજી તરફ સસ્તામાં સસ્તી ટિકિટ બાંદરાના G7 મલ્ટિપ્લેક્સમાં ૧૮૦ રૂપિયાની છે.

dhurandhar ranveer singh akshaye khanna bollywood buzz bollywood news bollywood gossips bollywood