03 November, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે મોડી રાત્રે બર્થ-ડે ઊજવીને જઈ રહેલા શાહરુખ ખાને ફ્લાઇંગ કિસ આપી હતી
ગઈ કાલે શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠ હતી. રિપોર્ટ પ્રમાણે શાહરુખે રવિવારે મોડી રાત સુધી કોલાબામાં આવેલી તાજ હોટેલમાં પરિવાર અને મિત્રો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. શાહરુખના એક ફૅન-પેજ દ્વારા સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં પાર્ટી પછી ઘરે જઈ રહેલો શાહરુખ જોવા મળી રહ્યો છે. વિડિયોમાં તે પોતાની કારમાં બેસતો નજરે પડે છે. જોકે કારમાં બેસતાં પહેલાં તેણે ચાહકો તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું હતું અને તેમને ફ્લાઇંગ કિસ પણ આપી હતી. આ સમયે શાહરુખ કૅઝ્યુઅલ કપડાંમાં જોવા મળ્યો હતો. તેણે માથા પર કૅપ પહેરી હતી. શાહરુખની એક ઝલક જોઈને જ તેના ચાહકો ખુશ થઈ ગયા હતા.
શાહરુખના જન્મદિવસે તેના બાંદરાના બૅન્ડસ્ટૅન્ડ વિસ્તારમાં આવેલા બંગલા ‘મન્નત’ની બહાર પણ ચાહકો માટે એક ખાસ સંદેશ જોવા મળ્યો હતો. મન્નતની બહાર લગાવવામાં આવેલા બોર્ડ પર શાહરુખે પોતાના હાથે લખેલી એક નોટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે ‘તમારી સૌની શુભેચ્છાઓ અને પ્રેમ બદલ આભાર. હું પણ તમને સૌને ખૂબ પ્રેમ મોકલું છું. ખૂબ બધો પ્રેમ અને એક બિગ હગ.’
ગઈ કાલે શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દુબઈની વિશ્વપ્રસિદ્ધ ઇમારત બુર્જ ખલીફા શાહરુખ માટેના શુભેચ્છા-સંદેશની ખાસ રોશનીથી ઝળહળી ઊઠી હતી. શાહરુખના જન્મદિવસની ઉજવણી માટે વિશ્વની સૌથી ઊંચી ઇમારત પર શુભેચ્છા-સંદેશની સાથે શાહરુખની વિશાળ તસવીર પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇમારતની LED સ્ક્રીન પર ‘વી લવ યુ SRK’નો ખાસ સંદેશ પણ ઝળકાવવામાં આવ્યો હતો.
શાહરુખ દુબઈ ટૂરિઝમનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ છે અને તેને બુર્જ ખલીફા પર આટલા ભવ્ય અંદાજમાં વારંવાર સન્માન આપવામાં આવે છે. આ સેલિબ્રેશન દરમ્યાન બુર્જ ખલીફાની નીચે આવેલા પ્રખ્યાત દુબઈ ફાઉન્ટન ખાતે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં શાહરુખની બ્લૉકબસ્ટર ફિલ્મોનાં લોકપ્રિય ગીતો વગાડવામાં આવ્યાં હતાં.
શાહરુખના જન્મદિવસની ઉજવણી આ વર્ષે માત્ર દુબઈમાં જ નહીં, મુંબઈમાં પણ કરવામાં આવી હતી. મુંબઈના બાંદરા-વરલી સી-લિન્કને ખાસ રોશનીથી શણગારવામાં આવ્યો હતો. એને જોવા માટે શાહરુખ પોતે રાત્રે ડ્રાઇવ પર નીકળ્યો હતો અને આ સુંદર નજારો નિહાળ્યો હતો. તેણે આ ક્ષણની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકો સાથે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અસિસ્ટન્ટ જેમિનાઇનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘મિત્ર હોય તો ગૂગલ જેમિનાઇ જેવો. હંમેશાં આટલો કિંગ સાઇઝનો પ્રેમ આપવા માટે આભાર. આ ફોટો લેવા માટે મારે ચોરીછૂપે ડ્રાઇવ પર નીકળવું પડ્યું.’
આગામી ફિલ્મના ગીતમાં ફરી વખત ભગવા રંગના આઉટફિટમાં જોવા મળી દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ ફરી પોતાના આઉટફિટના રંગને લઈને ચર્ચામાં આવી છે. આ વખતે તેની ચર્ચાનું કારણ તેની આગામી ફિલ્મ ‘કિંગ’નું નવું ગીત ‘તૂ મિલ જાએ’ છે. શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠે રિલીઝ થયેલા આ રોમૅન્ટિક ગીતમાં દીપિકા ભગવા રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. અરિજિત સિંહ અને મધુબંતી બાગચીએ ગાયેલા આ ગીતમાં શાહરુખ અને દીપિકાની કેમિસ્ટ્રીને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે, પણ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન તેમનાં કપડાંના રંગ પર વધુ કેન્દ્રિત થયું છે. દીપિકાને ભગવા રંગનાં કપડાંમાં જોઈને ચાહકોને ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘પઠાન’નું ગીત ‘બેશરમ રંગ’ યાદ આવી ગયું છે. એ સમયે દીપિકાની ભગવા રંગની બિકિનીને લઈને દેશભરમાં વિવાદ થયો હતો. હવે ફરી એક વાર દીપિકા આ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે.
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ભારે ચર્ચામાં છે. શાહરુખની ૬૧મી વર્ષગાંઠે ફિલ્મનું નવું ગીત
‘તૂ મિલ જાએ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ રોમૅન્ટિક ગીતમાં શાહરુખ અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રી જોવા મળે છે. જોકે સોશ્યલ મીડિયામાં કેટલાક
લોકોએ દાવો કર્યો છે કે તેમને ગીતમાં સુહાના ખાનની પણ ઝલક જોવા મળી છે. ગીતના લગભગ બે મિનિટ પછી એક નાનકડું દૃશ્ય આવે છે, જે ઍક્શન સીક્વન્સનો હિસ્સો હોય એવું લાગે છે. આ દૃશ્યમાં
એક યુવતી આગની જ્વાળાઓથી ઘેરાયેલા ઘર તરફ જોતી નજરે પડે છે. આ યુવતીનો ચહેરો દેખાતો નથી,
પણ ફૅન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે સુહાના હોઈ શકે છે.
ગઈ કાલે શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠ હતી. સામાન્ય રીતે શાહરુખ દર વર્ષે પોતાના જન્મદિવસે ફૅન્સને મળવા બે વખત બાંદરાના બૅન્ડસ્ટૅન્ડ વિસ્તારમાં આવેલા પોતાના બંગલા ‘મન્નત’ની ગૅલરીમાં આવતો હોય છે. સામાન્ય રીતે શાહરુખ દિવસમાં બે વાર બાલ્કનીમાં આવે છે. એક વખત તે પહેલી નવેમ્બરની મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે બર્થ-ડે શરૂ થતાં જ ફૅન્સને મળે છે અને બીજી વાર બીજી નવેમ્બરની સાંજે બાલ્કનીમાં આવે છે. આ પરંપરાની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી અને અત્યાર સુધી એમાં ગણતરીનાં એક-બે વર્ષ જ બ્રેક પડ્યો છે.
સામાન્ય રીતે શાહરુખ પોતાના જન્મદિવસે બાલ્કનીમાં આવીને તેનો હાથ ફેલાવવાનો સિગ્નેચર પોઝ કરે છે, ફ્લાઇંગ કિસ આપે છે, સેલ્ફી લે છે અને ચાહકો સામે હાથ જોડીને નમસ્કાર કરે છે. જોકે હાલમાં ‘મન્નત’માં રિનોવેશનનું કામ ચાલતું હોવાના કારણે શાહરુખ પોતાના જન્મદિવસે બાલ્કનીમાં આવશે કે નહીં એ મામલે જબરદસ્ત કન્ફ્યુઝન હતું. એમાં પણ તેણે પહેલી નવેમ્બરની મધ્યરાત્રિએ બાલ્કનીમાં આવવાનું ટાળ્યું હોવાના કારણે એવી ચર્ચા હતી કે તે આ વર્ષે બાલ્કનીમાં ફૅન્સને મળવા નહીં આવે. જોકે શાહરુખે ગઈ કાલે સાંજે અચાનક બાલ્કનીમાં આવીને ફૅન્સને સરપ્રાઇઝ કરી દીધા હતા અને જન્મદિવસે ફૅન્સને મળવાનું દાયકાઓ જૂનું પ્રૉમિસ પાળ્યું હતું.
ગઈ કાલે પોતાની ૬૧મી વર્ષગાંઠે શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ‘કિંગ’નું પહેલું ગીત ‘તૂ મિલ જાએ’ રિલીઝ કરીને તેના ફૅન્સને સરપ્રાઇઝ આપી છે. આ ગીત રવિવારે મધરાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં શાહરુખ અને દીપિકા પાદુકોણનો જબરદસ્ત રોમૅન્સ જોવા મળી રહ્યો છે. આ ગીતમાં લીડ સ્ટાર્સની કેમિસ્ટ્રીની સાથે સાથે ફિલ્મનાં ઍક્શન દૃશ્યો અને શાહરુખનાં અલગ-અલગ રૂપ પણ જોવા મળે છે.
શાહરુખના જન્મદિવસ અને ફિલ્મ ‘કિંગ’ને લઈને અગાઉથી જ સરપ્રાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાહકોને પહેલેથી જ અંદાજ આવી ગયો હતો કે શાહરુખના જન્મદિવસની રાત્રે કંઈક મોટું થવાનું છે, કારણ કે તેના બૅન્ડસ્ટૅન્ડ પર આવેલા બંગલા મન્નતની બહાર એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી જેના પર ‘કિંગ’નું પોસ્ટર મૂકવામાં આવ્યું હતું. આ પછી ફિલ્મનું ટીઝર કે ગીત રિલીઝ થવાની અટકળો શરૂ થઈ હતી. હવે ગીત રિલીઝ થતાં આ અટકળોનો અંત આવ્યો છે.