✕

તમારા ડાયલૉગ્સની જેમ શુભેચ્છાઓ પણ દમદાર હોય છે : શાહરુખ ખાન

07 November, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શત્રુઘ્ન સિન્હાની મોડી શુભેચ્છાઓનો શાહરુખ ખાને આપ્યો હૂંફાળો જવાબ.

શત્રુઘ્ન સિન્હા અને શાહરુખ ખાન

શાહરુખ ખાને બીજી નવેમ્બરે પોતાની ૬૧મી વર્ષગાંઠ ઊજવી હતી. આ પ્રસંગે સામાન્ય લોકોની સાથે અનેક સ્ટાર્સે પણ તેને શુભેચ્છાઓ પાઠવી હતી. શાહરુખના જન્મદિવસે શત્રુઘ્ન સિન્હાએ પણ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા એક દિવસ પછી જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘શાહરુખને જન્મદિવસની થોડી મોડી, પણ પ્રેમથી આપેલી શુભેચ્છાઓ. તમે એક પાવરહાઉસ છો, એટલે ગઈ કાલે તમારો જન્મદિવસ ચોક્કસ વ્યસ્ત રહ્યો હશે. દરેક વ્યક્તિ તમને ખૂબ પસંદ કરે છે. તમે સૌથી આકર્ષક, કરિશ્માઈ અને સૌથી પ્રતિષ્ઠિત અભિનેતા તથા સ્ટાર છો. તમારા આગામી જીવનમાં અપાર ખુશીઓ, શાંતિ, સમૃદ્ધિ અને લાંબું તથા સ્વસ્થ જીવન મળે એવી મારી શુભેચ્છા. ઈશ્વર તમને આશીર્વાદ આપે.’

હવે આના બે દિવસ બાદ શાહરુખે તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે. શત્રુઘ્ન સિન્હાની આ શુભેચ્છાનો જવાબ આપતાં શાહરુખે લખ્યું હતું કે ‘શત્રુજી, તમારી શુભેચ્છાઓ મોડી મળી હોય કે સમયસર, પણ તમારી શુભેચ્છાઓ હંમેશાં તમારા ડાયલૉગ્સની જેમ જ આવે છે... સંપૂર્ણપણે દમદાર! આ પ્રેમ અને આશીર્વાદ માટે તમારો ખૂબ-ખૂબ આભાર.’

શાહરુખ ખાન અને ઍટલી ફરી સાથે કામ કરશે?

શાહરુખ ખાને બીજી નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. આ દિવસે તેની ‘જવાન’ના ડિરેક્ટર ઍટલીએ સોશ્યલ મીડિયા પર શાહરુખને શુભેચ્છા પાઠવી હતી. હવે શાહરુખે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. શાહરુખની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે, કારણ કે શાહરુખે ઍટલી સાથે ફરીથી કામ કરવાના સંકેત આપ્યા છે.

શાહરુખે પોસ્ટમાં લખ્યું હતું કે ‘આભાર મારા ‘જવાન’ના કૅપ્ટન. આપણા સેટ પર થતી મસ્તીને ખૂબ યાદ કરું છું. ચાલો, ટૂંક સમયમાં કંઈક નવું બનાવીએ. ખૂબ બધો પ્રેમ.’ શાહરુખની આ પોસ્ટ જોઈને ફૅન્સને સવાલ થઈ રહ્યો છે કે શું આ ટીમ ‘જવાન 2’ લઈને આવી રહી છે?

શાહરુખ અને ઍટલીએ આ પહેલાં સાથે મળીને ‘જવાન’ બનાવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ૨૦૨૩માં રિલીઝ થયેલી આ ફિલ્મ ઍક્શન-થ્રિલર હતી અને આ ફિલ્મ માટે શાહરુખને શ્રેષ્ઠ અભિનેતાનો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

Shah Rukh Khan shatrughan sinha happy birthday social networking site social media bollywood buzz bollywood news bollywood gossips bollywood