09 May, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેખર સુમન અને શાહરુખ ખાન
શાહરુખ ખાન જેટલો સારો ઍક્ટર છે એટલો જ દિલદાર મિત્ર છે અને આ વાતનો અનુભવ તેના ઘણા મિત્રોને થયો છે. હાલમાં શેખર સુમને ખુલાસો કર્યો હતો કે એક સમયે એક નાનકડું કામ કરવા બદલ જ્યારે મેં વળતરનો ચેક લેવાની ના પાડી ત્યારે શાહરુખે મને એક મોંઘી ઘડિયાળ ભેટ આપીને લાગણી વ્યક્ત કરી હતી. આ ઘટનાક્રમ વિશે વાત કરતાં શેખર સુમને કહ્યું હતું કે ‘જ્યારે શાહરુખ ખાન ‘ચલતે ચલતે’ બનાવી રહ્યો હતો ત્યારે તેણે મને ફોન કરીને ફિલ્મના ટીઝર માટે અવાજ આપવાની વિનંતી કરી હતી. તરત જ હા પાડીને હું અવાજ રેકૉર્ડ કરવા પહોંચી ગયો હતો. ‘ચલતે ચલતે’ના રેકૉર્ડિંગ બાદ શાહરુખે મને વળતરની રકમનો ચેક મોકલ્યો હતો, પણ મેં એ પાછો મોકલીને કહ્યું હતું કે આ બે મિત્રો વચ્ચેની વાત છે, પૈસાની નહીં. જોકે શાહરુખ ન માન્યો અને મને એક ખૂબ મોંઘી ઘડિયાળ ભેટ મોકલી આપી. મારી પાસે આજે પણ આ આ ઘડિયાળ છે જે શાહરુખની યાદગાર મિત્રતાની નિશાની છે.’