08 July, 2026 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે 8 જુલાઈએ પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર તેમની બાયોપિક ફિલ્મ ‘દાદા- ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાણીએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગે કર્યું છે. આ ફિલ્મને ગુલશન કુમાર, ભૂષણ કુમાર, ટી-સીરીઝ અને DBL દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ લવ ફિલ્મ્સનું પ્રોડક્શન છે.
ફિલ્મના પોસ્ટરમાં રાજકુમાર રાવ બાલ્કનીમાં જર્સી ઉતારીને લહેરાવતો જોવા મળી રહ્યો છે. આ દૃશ્ય 13 જુલાઈ, 2002ની ઐતિહાસિક ઘટનાને દર્શાવે છે. તે સમયે ભારતે નેટવેસ્ટ ટ્રૉફીની ફાઇનલ મેચ જીતી હતી. જીત બાદ સૌરવ ગાંગુલીએ લૉર્ડ્સની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને લહેરાવી હતી. ફિલ્મમાં ક્રિકેટરના કરિઅર અને અંગત જીવનના મહત્વના પડાવોને પણ બતાવવામાં આવશે.
પોસ્ટરમાં રાજકુમાર રાવનો લુક યુવા સૌરવ ગાંગુલીની યાદ અપાવે છે. આ પાત્ર માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. પોસ્ટર જોઈને લાગે છે કે રાજકુમાર રાવે પોતાના હૅરસ્ટાઇલ, ચહેરાના હાવભાવ અને બૉડી લેંગ્વેજ પર ખાસ કામ કર્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ આવતા વર્ષે 14 મેના રોજ રિલીઝ થશે.
જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી પહેલા મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, મિતાલી રાજ, મોહમ્મદ અઝહરુદ્દીન, પ્રવીણ તાંબે અને મુથૈયા મુરલીધરન પર ફિલ્મો બની ચૂકી છે. ‘MS ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંત સિંહ રાજપૂતે ક્રિકેટર ધોનીનું પાત્ર ભજવ્યું હતું. સચિન તેંડુલકરની બાયોપિકનું નામ ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ હતું. મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ ‘શાબાશ મીઠૂ’ બની હતી, જેમાં તાપસી પન્નુએ મિતાલીનું પાત્ર ભજવ્યું હતું. મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન અને વિવાદો પર આધારિત ફિલ્મ ‘અઝહર’ બની હતી, જેમાં ઇમરાન હાશ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રવીણ તાંબેના સંઘર્ષ પર આધારિત ફિલ્મ ‘કૌન પ્રવીણ તાંબે?’માં શ્રેયસ તલપડેએ અભિનય કર્યો હતો.
સૌરવ ગાંગુલીની બાયોપિક દ્વારા ક્રિકેટના મેદાન પરની તેમની સફળતા સાથે સાથે તેમના જીવનના અનેક અજાણ્યા પાસાઓ પણ દર્શકો સુધી પહોંચાડવામાં આવશે. રાજકુમાર રાવના લુક અને મહેનતને લઈને પહેલેથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે ચાહકોને રાહ છે કે ફિલ્મમાં ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીની સફરને કેટલા રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવે છે. ‘દાદા- ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ 14 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.