14 September, 2025 08:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવીના ટંડન અને સુનીલ શેટ્ટી
એશિયા કપ 2025 શરૂ થઈ ગયો છે. 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ છે. પરંતુ આ વર્ષે એપ્રિલમાં પુલવામા હુમલા અને પહલગામ હુમલા બાદ, ભારતીયો આ મૅચથી ગુસ્સે છે. વચ્ચે બૉલિવૂડ સેલેબ્સે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રવિના ટંડન અને સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર ક્રિકેટરોને દોષ ન આપવા કહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. જ્યારે પણ બન્ને ટીમો સામસામે આવે છે, ત્યારે મેદાન પર માત્ર રન અને વિકેટ જ નહીં, પરંતુ લાખો હૃદયના ધબકારા પણ વધી જાય છે. એશિયા કપ 2025માં રવિવારે યોજાનારી આ મૅચ પણ કંઈક આવી જ છે, પરંતુ આ વખતે વાતાવરણ થોડું અલગ છે. એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારતના બદલો લેવાના `ઑપરેશન સિંદૂર` પછી, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ મૅચનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. રવિના ટંડને ભારત-પાકિસ્તાન મૅચ પર ટ્વિટ કર્યું.
રવીના ટંડને તેના X હેન્ડલ પર લખ્યું, `ઠીક છે, મૅચ શરૂ થઈ ગઈ છે. મને આશા છે કે અમારી ટીમ કાળી પટ્ટી પહેરીને રમશે અને જીત પહેલા ઘૂંટણિયે પાડી દેશે.` તે જ સમયે, સુનીલ શેટ્ટીએ પણ મીડિયા સાથે વાત કરી છે અને આ મૅચ પર પોતાનો અભિપ્રાય શૅર કર્યો છે. અભિનેતાએ કહ્યું કે ભારત-પાકિસ્તાન મૅચ વિશે દરેક વ્યક્તિનો પોતાનો વિચાર હોઈ શકે છે, પરંતુ આ માટે ખેલાડીઓ કે રમત સંગઠનને દોષ આપવો યોગ્ય નથી. આ એક આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમ છે, જેનું આયોજન વર્લ્ડ સ્પોર્ટિંગ બૉડી દ્વારા કરવામાં આવે છે, અને ઘણા દેશો, ખેલાડીઓ અને રમતો તેમાં સામેલ છે. તેથી, તેના નિયમોનું સન્માન કરવું મહત્ત્વપૂર્ણ છે.
સુનીલ શેટ્ટીએ ભારત-પાકિસ્તાન મૅચ પર શું કહ્યું?
તેમણે વધુમાં કહ્યું કે ખેલાડીઓનું કામ દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે, અને તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને દોષ આપવો યોગ્ય નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ આ મૅચ જોવા માગતું નથી, તો તેને ન જુઓ, તે વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ દેશમાં નફરત ફેલાવવી અથવા રમતગમતની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. તેમના મતે, આવી મૅચ જોવી કે ન જોવી એ દરેક ભારતીયનો વ્યક્તિગત નિર્ણય હોવો જોઈએ, ફરજિયાત વલણ નહીં.
ભારત-પાકિસ્તાન મૅચ ક્યાં જોઈ શકીએ?
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ, ટૉસ સાંજે 7:30 વાગ્યે થશે અને મૅચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મૅચનું સોની સ્પોર્ટ્સ નૅટવર્કની વિવિધ ચૅનલો પર લાઈવ પ્રસારણ કર વામાં આવશે. તે જ સમયે, મૅચ સોની લિવ અને ફેનકોડ ઍપ પર ઓનલાઈન પણ સ્ટ્રીમ કરવામાં આવશે.