30 December, 2025 04:49 PM IST | Mathura | Gujarati Mid-day Online Correspondent
સની લીઓની (મિડ-ડે)
મથુરામાં અભિનેત્રી સની લિયોનીનો નવા વર્ષની પૂર્વ સંધ્યાનો કૉન્સર્ટ સંતો અને ધાર્મિક નેતાઓના વિરોધને કારણે રદ કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરીએ મથુરાની ધ ટ્રંકી હૉટેલમાં યોજાનાર આ કાર્યક્રમમાં ડીજે પરફોર્મન્સ થવાનું હતું. જોકે, ધાર્મિક સમુદાયે આ કાર્યક્રમને મથુરાની ધાર્મિક પરંપરાઓ વિરુદ્ધ અને ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડતો ગણાવીને તેની નિંદા કરી હતી, જેના કારણે આયોજકોને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. સંતોએ મથુરા જેવા પવિત્ર શહેરમાં આવા કાર્યક્રમોને અસ્વીકાર્ય ગણાવ્યા, જે લાખો ભક્તો માટે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ મથુરાની ધાર્મિક છબીને કલંકિત કરે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. કાર્યક્રમ યોજાયા પછી તરત જ વિરોધ શરૂ થયો. સંતો અને ધાર્મિક નેતાઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ મથુરાની ગરિમા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઓળખને નુકસાન પહોંચાડે છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર દિનેશ ફલાહારીએ પણ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને તેને મથુરાની સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખની વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સનાતન ધર્મમાં, નવા વર્ષની શરૂઆત ધાર્મિક વિધિઓથી થવી જોઈએ. લાખો લોકો આધ્યાત્મિક કારણોસર મથુરા-વૃંદાવનની મુલાકાત લે છે, અને આવા કાર્યક્રમો શહેરની છબી પર નકારાત્મક અસર કરે છે. હૉટેલના માલિક મિતુલ પાઠકે કાર્યક્રમ રદ કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે સની લિયોની દેશભરમાં ડીજે શો કરે છે અને તમામ કાનૂની ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સંતોના વિરોધ બાદ, આયોજકો પાસે કાર્યક્રમ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
અભિનેત્રીના આગાઉન વિવાદો
સની લિયોનીને મથુરામાં વિરોધનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પહેલીવાર નથી. અગાઉ, સંતોએ તેના ગીત "મધુબન મેં રાધિકા નાચે" સામે પણ વિરોધ કર્યો હતો. 22 ડિસેમ્બર, 2021 ના રોજ રિલીઝ થયેલા આ ગીતને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતું જોવા મળ્યું હતું, અને સંત નવલ ગિરિ મહારાજે સરકારની કાર્યવાહીની માગ કરી હતી. સની લિયોની વિવાદે મથુરામાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા અંગે એક નવો મુદ્દો ઉભો કર્યો છે, અને આ મામલો ધાર્મિક સ્થળોએ થતા કાર્યક્રમો અંગે સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિના મહત્ત્વને પ્રકાશિત કરે છે. નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં બિલબોર્ડ પર કૉન્ડોમની જાહેરાતો દેખાતા સની લિયોનને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ધાર્મિક લાગણીઓનું અપમાન કરવાના આરોપમાં ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેમ જ બિગ બૉસ 5 માં વાઇલ્ડ-કાર્ડ સ્પર્ધક તરીકે દેખાયા પછી સનીએ સૌપ્રથમ ભારતમાં વ્યાપક ધ્યાન ખેંચ્યું. શોમાં તેના પોલ ડાન્સ પર્ફોર્મન્સને કારણે અશ્લીલતાને પ્રોત્સાહન આપવાના આરોપો લાગ્યા.