16 November, 2025 10:17 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલીએ મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકર અને તેમની પુત્રી સિતારાને આવકાર આપ્યો હતો, પૃથ્વીરાજ સુકુમારન અને તેની પત્ની સુપ્રિયા મેનન ‘વારાણસી’ની ઇવેન્ટમાં હાથમાં હાથ નાખીને પહોંચ્યાં હતાં.
હૈદરાબાદની રામોજી ફિલ્મસિટીમાં ગઈ કાલે એસ. એસ. રાજામૌલીની મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન જેવાં સ્ટાર્સને ચમકાવતી આગામી ફિલ્મનું ગ્રૅન્ડ ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મનું નામ ‘વારાણસી’ છે એની જાહેરાત કરવામાં આવી છે. ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું તેમ જ મહેશ બાબુનો લુક પણ જાહેર કરવામાં આવ્યો. તમામ ફૅન્સ આ ઇવેન્ટને માણી શકે એ માટે ૧૦૦ ફુટ ઊંચી અને ૧૩૦ ફુટ પહોળી વિશાળ સ્ક્રીન પણ રાખવામાં આવી હતી. રામોજી ફિલ્મસિટીમાં યોજાયેલી ઇવેન્ટમાં હાજર રહેલા ફૅન્સે મહેશ બાબુનો ફર્સ્ટ લુક ઑનલાઇન શૅર કર્યો હતો જેમાં તે ત્રિશૂલ પકડીને બળદ પર સવાર જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું બજેટ ૧૨૦૦ કરોડ રૂપિયા જેટલું છે.
આ ભવ્ય ઇવેન્ટમાં ૫૦,૦૦૦ કરતાં વધુ ફૅન્સે હાજરી આપી હતી. જોકે સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટમાં બધાને પ્રવેશ આપવાને બદલે માત્ર ફિઝિકલ પાસ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે અન્ય ફૅન્સ માટે આ ઇવેન્ટને જિયો હૉટસ્ટાર તેમ જ OTTplay નામના પ્લૅટફૉર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં શ્રુતિ હાસને ટાઇટલ-ટ્રૅકનો લાઇવ પર્ફોર્મન્સ આપ્યો હતો.
મહેશ બાબુએ ‘વારાણસી’ની ઇવેન્ટમાં પોતાના પાત્રના લુકમાં હાજરી આપી હતી. ફિલ્મમાં મંદાકિનીનો રોલ કરી રહેલી પ્રિયંકા ચોપડાએ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને તેણે ‘નમસ્તે’ કહીને સૌનું અભિવાદન કર્યું હતું.