11 July, 2026 03:52 PM IST | Mumbai | Jigisha Jain
પત્ની સોનલ સાથે હિતેન કુમાર.
૧૪૦થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર હિતેન કુમારને વશ ફિલ્મના પર્ફોર્મન્સમાં અઢળક વખાણ મળ્યાં હતાં. ત્યારે હાથવેંત આવેલો નૅશનલ અવૉર્ડ મિસ થઈ ગયો. એ સમયથી તેમના મનમાં એ સપનું છે કે તેમને નૅશનલ અવૉર્ડ મળે. હિતેન કુમાર છેલ્લાં ૩૦ વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. એ પહેલાં ૧૦ વર્ષ તેમણે રંગમંચ પર જુદાં-જુદાં નાટકો કર્યાં છે. અતિ સંઘર્ષમય જીવનમાંથી સફળતા સુધીની તેમની સફર અત્યંત ફિલ્મી અને રસપ્રદ છે
૨૦૧૯ પછીનો સમય. ગુજરાતી સિરિયલ ‘અભિલાષા-એક અસ્તિત્વની’ના શૂટિંગ સમયે પરિવારને મળવા, તેમની સાથે થોડો સમય વિતાવવા હોળી પર બે દિવસ હિતેન કુમાર સુરત પોતાના ઘરે જાય છે. ત્યાં રહેતાં ૭૭ વર્ષનાં બા હિતેનભાઈને મળવા માગતાં હતાં. સવારથી ચાહકોને મળી-મળીને થોડા અકળાયેલા હિતેનભાઈ બહાર આવ્યા, પણ બધાનો પ્રેમ અને ઉમળકો જોઈને તેમની બધી અકળામણ ગાયબ થઈ ગઈ. હિતેનભાઈ સહજ રીતે બા પાસે ગયા, તેમના પગે પડ્યા અને પૂછ્યું, ‘બા, કેમ છો? સુખમાં છોને?’
‘તને મળી લીધું દીકરા!’ એમ બોલતાં બાનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે હિતેનભાઈનાં ઓવારણાં લીધાં અને તેમના પર હેત ઢોળ્યું, પણ એ ક્ષણે જ તેઓ ઢળી પડ્યાં. હિતેનભાઈએ તેમને પકડી લીધાં. સમજાયું નહીં કે એકદમ શું થયું. બા ઉંમરલાયક હતાં. પોતાના પર મરતા અઢળક ચાહકો હિતેનભાઈએ જોયા હતા, પણ કોઈ ચાહક આમ હાથમાં આવીને મૃત્યુ પામે એ ઘટનાથી વ્યક્તિ હેબતાઈ તો જાય જ. મુંબઈ જવાનું કૅન્સલ કરીને હિતેનભાઈએ વિચાર્યું કે બાના અંતિમ સંસ્કાર પર જવું જોઈએ. એ વિશે વાત કરતાં હિતેનભાઈ કહે છે, ‘એ સમયે મને અપરાધભાવ ઘેરી વળેલો. હું તેમના અંતિમ સંસ્કારમાં ગયો. લાભુ બાના પતિ ૮૨ વર્ષના હશે. તે ભાભા આવીને મને વળગી પડ્યા અને કહ્યું કે બેટા, તું શું કામ ઢીલો પડે છે, દુખી ન થા, તેં તો તેને ઇચ્છામૃત્યુ આપ્યું છે; તને મળવાની ઇચ્છા તેના મનમાં વર્ષોથી હતી, બે વાર હૉસ્પિટલથી ઘરે પાછી આવી હતી કેમ કે તારે ત્યાં પોગવું હતું તેને એટલે. આ સાંભળીને મારું હૃદય ભરાઈ આવેલું. તેમણે મારા હાથે તુલસીપત્ર અને ગંગાજળની વિધિ કરાવી. આ ઘટનાએ મને વિચારતો કરી દીધો કે એક પ્રેક્ષકે તેના સિનેમાને અને તેના અભિનેતાને કઈ હદે પ્રેમ કર્યો છે. આ પ્રેમ જ છે જે અમારા જેવા ઍક્ટર્સની ખરી પૂંજી છે.’
જલદી ફાઇવ
શોખ : મને વાંચવાનો ખૂબ શોખ છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મને ગ્લૉકોમા છે એટલે વાંચવાની તકલીફ થઈ રહી છે.
ફિટનેસ : હું આજના કલાકારો જેટલો ફિટ દેખાઉં છું, પણ તેઓ જે કરતા હોય છે એ હું કરતો નથી. સાદું ભોજન અને સારું જીવન મારા માટે મહત્ત્વનું છે. બાકી મનથી હું એકદમ યુવાન છું એટલે ૬૧ વર્ષે પણ યુવાન દેખાઉં છું.
સપનું : મને નૅશનલ અવૉર્ડ જોઈએ છે. ‘વશ’ વખતે એ હાથમાં આવતાં-આવતાં રહી ગયો એટલે એને મેળવવાની અભિલાષા વધી ગઈ છે. વધુ સારું કામ કરીશ અને એક દિવસ નૅશનલ અવૉર્ડ મેળવીશ.
બકેટ લિસ્ટ : બકેટ લિસ્ટમાં હજી પણ અઢળક ફિલ્મો કરવાનો જ પ્લાન છે. જો તક મળે તો ડિરેક્શન કરવું છે મારે. ઇચ્છા ખૂબ છે. જોઈએ કેટલી ફળે છે.
ભવિષ્યનો પ્લાન : ફિલ્મો તો કરીશું જ, પણ એક પ્લાન એવો છે કે મારી જૂની ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ને મારે રી-રિલીઝ કરવી છે. એની તૈયારીઓ ચાલે છે.
કરીઅર
હિતેન કુમારની પહેલી ગુજરાતી ફિલ્મ હતી ‘ઊંચી મેડીના ઊંચા મોલ’ જે ૧૯૯૫ આસપાસ રિલીઝ થઈ જેમાં તેઓ વિલન બન્યા હતા. એ પહેલી ફિલ્મ સુપરહિટ થઈ હતી. એ પછી ગુજરાતી ફિલ્મોના રેકૉર્ડ તોડી નાખે એવી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ૧૯૯૮માં રિલીઝ થઈ. એ પછી ૨૦૦૧માં ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મ આવી જેને થોડા સમય પહેલાં રી-રિલીઝ પણ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલાં પણ ખૂબ ચાલેલી અને રી-રિલીઝ કર્યા પછી પણ ખૂબ ચાલી. આ સિવાય ‘પડકાર-ધ ચૅલેન્જ’, ‘લોહીનો નહીં એ કોઈનો નહીં’, ‘આગંતુક’, ‘વશ’, ‘વશ-૨’, ‘મીઠડા મહેમાન’, ‘તૃષા ઑન ધ રૉક્સ’, ‘રાડો’, ‘ધુઆંધાર’ જેવી ખાસ ફિલ્મોથી તેમની ઓળખ એક માંધાતા કલાકાર તરીકે છતી થાય છે. ‘વશ’ ફિલ્મ હિન્દીમાં બની ત્યારે હિતેનભાઈનો રોલ હિન્દીમાં અજય દેવગને કરેલો અને પ્રેક્ષકોએ જ નહીં, ફિલ્મ-તજજ્ઞોએ પણ કહેલું કે અજયે હિતેન પાસેથી શીખવાની જરૂર હતી. હિતેનભાઈએ ગુજરાતી ફિલ્મોમાં ૩૦ વર્ષ કામ કર્યું જેમાં ૧૪૦થી પણ વધુ ફિલ્મો કરી છે. જોકે ગુજરાતી સિનેમાના આ સુપરસ્ટારની ફિલ્મી સફર તો હિન્દી સિનેમાથી જ શરૂ થઈ હતી. તેમણે ‘જયતે’, ‘રાખ’ અને ‘સિમરન’ નામની ત્રણ હિન્દી ફિલ્મો કરી છે. એ ઉપરાંત ‘માનો યા ન માનો’, ‘ચમત્કાર’ અને ‘હમ પાંચ’ જેવી હિન્દી સિરિયલોના અમુક એપિસોમાં પણ તેઓ જોવા મળ્યા હતા.
બાળપણ
મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ચાલીમાં હિતેન કુમાર ઊછર્યા. તેમના પિતાનું નામ ઈશ્વરલાલ અને માતાનું ઊર્મિલા મહેતા હતું. અંધેરીની શેઠ એમ. એ. હાઈ સ્કૂલમાં તેઓ ભણ્યા. નાનપણમાં એકદમ શરમાળ બાળક હતા. મોટા ભાઈ પંકજ અને નાની બહેન ભાવના સાથે તે સ્કૂલમાં જતા ત્યારે કોઈ ધમકાવે તો પગ ધ્રૂજવા લાગતા તેમના. જોકે જીવને જલદી તે શરમાળ બાળકને સ્ટ્રીટસ્માર્ટ બનાવી દીધું. એ વિશે વાત કરતાં હિતેનભાઈ કહે છે, ‘મુખ્ય વાત એ હતી કે પપ્પાને યુવાન વયે જ લકવો થઈ ગયેલો જેને કારણે ૧૬-૧૭ વર્ષથી જ કમાવું પડશે એ નક્કી હતું. એ કમાણીની જરૂરતે મેં બધાં જ કામ કર્યાં. મેં ફુટપાથ પર ૧૪-૧૪ રૂપિયાનાં શર્ટ વેચ્યાં છે, સિનેમાની ટિકિટો બ્લૅક કરી છે. મલાડમાં કસ્તુરબા થિયેટરમાં મારી ફિલ્મ ‘તારો થયો’નું પ્રીમિયર હતું. એ દિવસે મને યાદ આવ્યું કે આ એ જ જગ્યા છે જ્યાં હું ટિકિટો બ્લૅકમાં વેચતો હતો. હું ફિલ્મોમાં કામ કરું છું એટલું નથી, મારું ખુદનું જીવન પણ ઘણું ફિલ્મી છે. જીવનની મજા જ એ છે કે તે છોકરો જે થિયેટરની બહાર ‘દસ કા બીસ’ કરતો હતો એ સમયે પણ સપનાં તો તેનાં ઊંચાં જ હતાં. મેં રાત્રે અઢીથી ૪ વાગ્યા સુધી રિક્ષા ચલાવવાનું પણ કામ કર્યું છે. કોઈ પણ કામને નાનું-મોટું સમજવાની ભૂલ મેં કરી નથી અને જીવને કરવા દીધી નથી. અત્યંત સંઘર્ષોમાંથી જીવન પસાર થયું છે અને એ સંઘર્ષોએ મને ઘડ્યો છે.’
એક સમયે મિડ-ડેમાં રિપોર્ટિંગ પણ કરેલું
હિતન કુમારે પ્રિન્ટ મીડિયા સાથે પણ કામ કર્યું છે. ૧૯૮૪ આસપાસ કૉલેજ પછી તેમણે સોનલબહેનના ઘરના લોકોની ઓળખાણથી ગુજરાતી સાપ્તાહિક ‘અભિયાન’માં કામ કર્યું હતું. એનો અનુભવ લઈને તેમણે ‘મિડ-ડે’ જૉઇન કર્યું હતું. અહીં તેમણે રિપોર્ટિંગ પણ કર્યું. પત્રકારત્વના ક્ષેત્રે તેમણે બે-અઢી વર્ષનો અનુભવ લીધો. આ કામ કરતા હતા ત્યારે સાથે નાટકો પણ ચાલુ જ હતાં. જે દરમ્યાન તેમને સમજાયું કે હું કલાકાર માણસ છું અને એ જ કામ કરું એ બરાબર છે.
કમ્પ્લીટ સર્કલ
હિતેનભાઈએ દાલમિયા કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું. એ સમયે જ ઇન્ટર-કૉલેજિયેટ સ્પર્ધામાં નાટકોમાં કામ કરવાનું તેમણે શરૂ કર્યું. તેમના પહેલા કમર્શિયલ નાટકનું નામ હતું ‘ચિત્કાર’. લતેશ શાહના આ નાટકમાં તેઓ બૅકસ્ટેજ કામ કરતા હતા અને નાનકડો રોલ પણ. એ સમયને યાદ કરતાં હિતેનભાઈ કહે છે, ‘એ સમયે હું સાવ નવો હતો. સમજ ઓછી હતી. નાટકમાં ઇમ્પ્રોવાઇઝ કરેલા બે ડાયલૉગ પર પ્રેક્ષકોની તાળીઓ મળી, પણ બૅકસ્ટેજ ગયો ત્યારે ડિરેક્ટર લતેશભાઈએ બે લાફા અને ચાર ગાળો આપીને મને કાઢી મૂક્યો. એ સમયે મારા ઘવાયેલા સ્વાભિમાને નક્કી કર્યું કે આ જ ફીલ્ડમાં ઝંડા ગાડીને બતાવીશ, હું હીરો બનીને બતાવીશ. વર્ષો પછી લતેશ શાહ સુજાતાબહેનને લઈને જ ‘ચિત્કાર’ નાટક પરથી ફિલ્મ બનાવવાના હતા ત્યારે તેમણે મને હીરો તરીકે સાઇન કર્યો. જે નાટકમાંથી મને તગેડી મૂકવામાં આવ્યો હતો એ જ વાર્તા પરથી બનેલી ફિલ્મનો હીરો બનીને હું ફરી એ જ લોકો દ્વારા અપનાવાયો. એ ગેરસમજણ હતી કે છોકરમત, જે પણ હોય પરંતુ જો આ બનાવ ન બન્યો હોત તો મારું લોહી ઊકળ્યું ન હોત અને મેં મહેનત કરી ન હોત.’
પ્રેમ અને સરકારી નોકરી
હિતેનભાઈ કૉલેજમાં હતા ત્યારે ભીડમાં ઊભેલી છોકરીને જોઈને તેમને લાગ્યું કે જીવન તો આની સાથે જ પસાર કરવું છે. તે છોકરીનું નામ હતું સોનલ. પોતે એક ગરીબ ઘરનો છોકરો અને આ સધ્ધર ઘરની છોકરીને પ્રેમ કરવો સરળ નહીં હોય એ તો તેમને સમજાયું જ હતું. જો સોનલને પરણવું હશે તો સરકારી નોકરી મેળવવી જ પડશે એ પણ તેમના ધ્યાનમાં હતું. એ વિશે વાત કરતાં હિતેનભાઈ કહે છે, ‘કોઈ બાપ પોતાની છોકરીને મારી સાથે ન જ પરણાવે એ સમજી શકાય. તેમની શરત હતી એટલે LICમાં જૉબ લીધી. ૧૦ વર્ષ ડેવલપમેન્ટ ઑફિસર તરીકે હું કાર્યરત રહ્યો. એ પછી સરકારી નોકરી છોડીને હું ગુજરાત ગયો ત્યાંની ફિલ્મો કરવા. આ એક મોટું રિસ્ક હતું જીવનનું જે મેં ખેડ્યું. ત્યાં પણ જો અનલકી સાબિત થયો હોત તો તકલીફ થઈ જાત.’
એક સમયે મિડ-ડેમાં રિપોર્ટિંગ પણ કરેલું
હિતન કુમારે પ્રિન્ટ મીડિયા સાથે પણ કામ કર્યું છે. ૧૯૮૪ આસપાસ કૉલેજ પછી તેમણે સોનલબહેનના ઘરના લોકોની ઓળખાણથી ગુજરાતી સાપ્તાહિક ‘અભિયાન’માં કામ કર્યું હતું. એનો અનુભવ લઈને તેમણે ‘મિડ-ડે’ જૉઇન કર્યું હતું. અહીં તેમણે રિપોર્ટિંગ પણ કર્યું. પત્રકારત્વના ક્ષેત્રે તેમણે બે-અઢી વર્ષનો અનુભવ લીધો. આ કામ કરતા હતા ત્યારે સાથે નાટકો પણ ચાલુ જ હતાં. જે દરમ્યાન તેમને સમજાયું કે હું કલાકાર માણસ છું અને એ જ કામ કરું એ બરાબર છે.
અનલકી બન્યા લકી
હિતેનભાઈના જીવનમાં સંઘર્ષો અઢળક રહ્યા છે. તેમને મુંબઈમાં પાંચ વાર જુદી-જુદી ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવ્યા. એ વિશે વાત કરતાં હિતેન કુમાર કહે છે, ‘એ સમય એવો હતો જેમાં સરિતાબહેનનાં નાટકો ૪૦૦-૫૦૦ શો સુધી જતાં હતાં અને મારાં નાટકો ૯૫-૯૮એ અટકી જતાં. ૧૦૦નો આંકડો મને મળતો જ નહીં. મને બધા અનલકી પણ માનવા લાગ્યા હતા. કોઈ ને કોઈ કારણસર ફિલ્મો છૂટ્યા કરતી હતી. મને કોઈ માર્ગ જ દેખાતો નહોતો. ત્યારે મેં મુંબઈ છોડીને ગુજરાતમાં કામ કરવાનું વિચાર્યું. નિષ્ફળતાઓ, સંઘર્ષો અને બદનસીબી ગુજરાત જઈને તકો, સક્સેસ અને દર્શકોના અઢળક પ્રેમમાં પરિણમી ગઈ. એ સમયે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બધા નકામી ગણતા. લોકોને લાગતું કે અહીં તો કંઈ સારું કામ શક્ય જ નથી. એવા ડૂબતા જહાજમાં હું ચડી ગયો અને હલેસાં મારવાનું શરૂ કર્યું. હું તો વિલન બનવા ગયેલો. પહેલી ફિલ્મ વિલન તરીકે જ કરી, પણ ગોવિંદભાઈ પટેલે મને હીરો બનાવ્યો અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ મને મળી.
રાતોરાત મળેલી આ અભૂતપૂર્વ સફળતાઓએ મને ખુશી તો આપી, હાશકારો પણ એટલો જ આપ્યો. જીવનમાં સાચી દિશા મળવાનો હાશકારો.’
સ્ટ્રોક
૨૦૦૩માં હાલોલમાં ‘પાળ બંધાવો રાજ’ નામની ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. પહાડ પર ખુલ્લામાં શૂટિંગ ચાલી રહ્યું હતું અને ગરમી ૪૮ ડિગ્રી જેટલી વધી ગઈ હતી. એમાં કામ કરતાં-કરતાં હાઇડ્રેશનનું ધ્યાન તેમણે નહીં રાખ્યું હોય અને એકદમ જ સ્ટ્રોક આવ્યો. હાલોલથી તેમને તાત્કાલિક વડોદરા લાવવામાં આવ્યા. વડોદરા પહોંચવામાં મોડું થઈ ગયેલું એટલે લકવો થઈ ગયો હતો. ત્યાંથી ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા તેમને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં ભગવાનની કૃપાથી દોઢ મહિનાની અંદર તેઓ ઠીક થઈ ગયા. જે ફિલ્મનું શૂટિંગ અધૂરું મુકાયું હતું એ દોઢ મહિનામાં તેઓ ફરી શરૂ કરી શક્યા. એ બાબતે વાત કરતાં હિતેનભાઈ કહે છે, ‘મારે ૭૫ વર્ષ સુધી સતત કામ કરવું છે. બસ, ભગવાન હેલ્થ સારી રાખે.’