15 December, 2025 03:56 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કિંજલ દવેની તસવીરોનો કૉલાજ
કિંજલ દવેએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વાત સ્પષ્ટપણે રજૂ કરી છે. આ વીડિયોની શરૂઆતમાં કિંજલ દવે કહે છે કે "હું બ્રહ્મસમાજની દીકરી છું અને મને તેનો ગર્વ છે." આમ કહેતાં પોતાની વાત માંડે છે અને આગળ કેટલાક અસામાજિક તત્વોની ઝાટકણી પણ કાઢતી જોવા મળે છે.
જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવેની તાજેતરમાં જ ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ થઈ છે. કિંજલ દવેની સગાઈને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ હતી. આજે કિંજલ દવેએ પોતાની સગાઈ મુદ્દે મૌન તોડ્યું છે એટલું જ નહીં કહેવાતા સમાજમાં રહેતા અસામાજિક તત્વોને પણ ખુલ્લી ચેતવણી આપી છે. કિંજલ દવેએ પોતાના પરિવાર, બ્રહ્મ સમાજ અને અઢાર વર્ણ વિશે વાત કરી છે.
કિંજલે દવેએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને કહ્યું કે, "મારા જીવનના નવા પડાવની શરૂઆત કરી છે ત્યારે મને જેટલા પણ લોકોએ શુભેચ્છાઓ આપી, પ્રેમ અને આશીર્વાદ પાઠવ્યા છે તે તમામ લોકોનું હું દિલથી આભાર માનું છું. પહેલી વાત મારા સગપણને લઈને છેલ્લાં ઘણાં સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણકે વાત મારા સુધી સિમિત હતી. પરંતુ વાત જ્યારે મારા પરિવાર પર છે મારા પિતા પર આવી છે ત્યારે એક દીકરી તરીકે મારાથી હવે સહન નથી થતું. એટલે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મ કન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં વર્ણવી શકીશ નહીં.
હું અહીં સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજુ બ્રહ્મ શક્તિઓ છે - બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ફાળો રહ્યો છે. મારી આ જર્નીમાં એમનો ફાળો છે અને હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સહકાર મળ્યો છે અહીં સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ ઢાલની જેમ અને મારા પિતા પણ છે. આપ સૌનો પણ ખૂબ ફાળો છે.
પરંતુ કહેવાતા સભ્ય અને મૉર્ડન સમાજમાં જ્યારે બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટે નિયમો નક્કી કરશે કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, તેને વિંઝવાની અને કાપવાની આ વાતો છે. દીકરીઓ આજે તેજસ જેવા પ્લેન ઉડાવી રહી છે. રણમેદાનમાં યુદ્ધ કરી રહી છે, સંસદમાં છે, વિજ્ઞાન-ટેક્નોલોજીમાં છે. ઑપરેશન સિંદુર થયું તેમાં બે દીકરીઓએ નેતૃત્વ લઈને આખા દેશને ગૌરવ અપાવ્યું. ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીને તેનો લાઈફપાર્ટનર નક્કી કરવાનો હક નથી.
હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવાર અને પિતા મળ્યા છે કે જે દીકરીની ખુશીમાં ખુશ થાય છે. મારા નિર્ણયને તેમણે હરખ સાથે વધાવી લીધો છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જે પરિવાર ભક્તિમય છે. પરિવારના લોકો અને મારો પાર્ટનર પણ મને પ્રેમ કરે છે. હું જેવી છું તેવી મને આદરથી સ્વીકારી છે.
બ્રહ્મ સમાજના જે શિક્ષિત અને સમજુ લોકો છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર અસમાજિક તત્વો છે જે દીકરીઓની પાંખોને કાપવાની વાત કરે છે મહેરબાની કરી તેઓને સમાજમાંથી દૂર કરો. નહીંતર સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માગતાં હો તો દીકરીઓનાં શિક્ષણ માટે વાત કરો,નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યાં છે એના માટે વાત કરો, દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. 18મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજુ કેટલા બાળ લગ્નો થાય છે આપણને બધાને ખ્યાલ છે. સાટાં પ્રથા ચાલે છે તેની પીડિત હું પણ છું, તમને બધાને ખ્યાલ છે. દીકરીઓનાં પૈસા લેવામાં આવે છે. દીકરીઓને તમે ઘૂંઘટમાં રાખો છો. પછી તમે એવું કહો છો કે અમે દીકરીઓનું સારું કરવા માગીએ છીએ. એકબાજુ દીકરીઓ આર્મીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટમાં છે એના પરથી ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ થયો છે.
જે પણ લોકો મારા પરિવાર વિશે કંઈ પણ પોસ્ટ કરશે તેના વિરુદ્ધ હું કાયદેસરના પગલા ભરીશ. બ્રહ્મ સમાજમાં રહીને કેટલાક લોકોએ પણ અમારા પરિવાર સાથે ચીટ કર્યું છે. સગપણ થઈ ગયાં છતાં દીકરાનાં લગ્ન બીજે થઈ જાય અને બે-બે વરસ સુધી કહે નહીં. અમારાંથી છુપાવે. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે આવા સંબંધોને હું છોડી દઈશ. જ્યારે મારા પરિવાર કે પિતા પર કોઈ વાત આવશે ત્યારે હું ભગવાનને પણ છીડી દેવાની ક્ષમતા ધરાવું છું. આવા અસામાજિક તત્વો છે જેઓ કહે છે કે નાત બહાર કરીશું, તો એમને કહીશ કે તમને પાંચ હજારમાં કોઈ પગાર પર રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને પરિવારનું સંભાળો પહેલા. આવા તત્વોને સમાજમાંથી દૂર કરો જેથી દીકરીઓ ડરે નહીં અને સમાજનો વિકાસ થાય."
તાજેતરમાં જ ગાયક કલાકાર કિંજલ દવેએ ધ્રુવિલ શાહ સાથે સગાઈ કરી હતી, જેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ આંતરજ્ઞાતીય સગાઈને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો હતો. તમને જણાવી દઈએ કે કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા. બંને પરિવારને સમાજના કોઈપણ પ્રસંગમાં ન આવકારવા નિર્ણય લેવાયો. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારા સામે પણ કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ કિંજલ દવેએ પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરીને સમાજમાં રહેતા અસામાજિક તત્વો સામે પોતાનો ઊભરો ઠાલ્યો છે.