10 September, 2025 05:19 PM IST | Mumbai | Viren Chhaya
સંજય ગોરડીયા કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
ગુજરાતી રંગમચના જાણીતા દિગ્ગજ કલાકાર અને પ્રોડ્યુસર સંજય ગોરડીયા બાબતે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ બાતે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે. સંજય ગોરડીયાની સ્વાસ્થ્ય અંગે તેમણે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને કહ્યું કે તેઓ એન્જીયોગ્રાફી માટે હૉસ્પિટલમાં દાખલ થયા છે.
અભિનેતા સંજય ગોરડીયાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ હૉસ્પિટલના બેડ પર દર્દીના કપડાં સાથે જોવા મળી રહ્યા છે. તેમણે વીડિયોમાં પોતાની તબિયત વિશે વાત કરી છે. વીડિયોમાં માહિતી આપતા સંજય ગોરડીયાએ કહ્યું “અત્યારે હું કોલિકાબેન હૉસ્પિટલમાં છું. એન્જીયોગ્રાફી થવાની છે. અંદર સોયો ભોંકીને નક્કી કરશે કે ક્યાં ક્યાં બ્લૉકેજીસ છે.”
સંજય ગોરડીયાએ પોતાની તબિયત વિશે માહિતી આપીને તેમણે પોતાનો રમૂજી અંદાજમાં તેમના આગામી નાટક વિશે પણ માહિતી આપી. તેમણે વીડિયોમાં આગળ કહ્યું “એલોકોને ખબર નથી કે હૃદયમાં તમે લોકો (તેમના ચાહકો) વસેલા છો. 21 મી સપ્ટેમ્બરે મારું નાટક છે ‘ઘેલાભાઈ ઘુઘરવાળા’. કઈ થશે તો નાટકનું શું થશે? કઈ થશે નહીં. એ લોકો તમને મારા હૃદયમાંથી કાઢી અને સ્ટેન્ટ મૂકવા માગે છે. પ્રાર્થના કરજો. મારી માટે નહીં તમારી માટે કે તમને કાઢી ન મૂકે. ઓકે હવે નાટકમાં મળીએ.”
અહીં જુઓ સંજય ગોરડીયાએ પોસ્ટ કરેલો વીડિયો
દિગ્ગજ કલાકારે મૂકેલા આ વીડિયો પર હવે તેમના ફિલ્મ જગતના મિત્રો અને સહ-કલાકારો સહિત ચાહકો પણ તેમની માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેઓ જલદીથી સાજા થઈ જાય તેવી કમેન્ટ પણ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરે પણ આ વીડિયોના નીચે લખ્યું “ગૅટ વૅલ સૂન ! વિશિંગ યૂ સ્પીડી રિકવરી” (જલદી સ્વસ્થ થઈ જાઓ! તમારા જલદી સાજા થવાની શુભેચ્છાઓ.)
તેમના ખાસ મિત્ર અને સહ-કલાકાર પ્રોડ્યુસર અને ડિરેક્ટર જેડી મજેઠીયાએ પણ સંજય ગોરડીયા જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. જેડી મજેઠીયાએ લખ્યું “તમારી પ્રક્રિયા સફળ રહે ભાઈ તે માટે શુભેચ્છા. ઉંમર કોઈ ફરક નથી પાડતી, તમારું કામ કરતા રહો.” આ સાથે ઢૉલિવૂડ અભિનેતા હિતું કનોડિયાએ “સંજયભાઈ તમે જલદી સ્વસ્થ થઈ જશો. બાધાની પ્રાર્થના તમારી સાથ છે” એમ લખ્યું.
સંજય ગોરડીયાએ ગુજરાતી મિડ-ડેને આપી સ્વાસ્થ્ય વિશે માહિતી
તબિયત વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા સંજય ગોરડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે “તેમના સ્વાસ્થ વિશે હવે ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી.”