28 June, 2025 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે ૨૦૨૧ની ૩૦ નવેમ્બરે લગ્ન કરી લીધાં હતાં
ટીવી-સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં સાથે કામ કરીને લોકપ્રિયતા મેળવીને પછી લગ્ન કરનાર પ્રેમીઓ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે ૨૦૨૧ની ૩૦ નવેમ્બરે લગ્ન કરી લીધાં હતાં. જોકે હવે તેમના અંગત જીવનમાં સમસ્યા ચાલી રહી હોવાની ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે નીલ અને ઐશ્વર્યાના મતભેદ એટલા વધી ગયા છે કે તેઓ અલગ થઈ શકે છે. જોકે આ સમાચાર સાંભળીને ઐશ્વર્યા બહુ અપસેટ થઈ ગઈ છે અને તેણે એક નિવેદન બહાર પાડીને તેના નામે ખોટી અફવા ફેલાવવાનું બંધ કરવા કહ્યું છે.
ઐશ્વર્યાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે એમાં તેણે લખ્યું છે, ‘હું અત્યાર સુધી ચૂપ હતી, કારણ કે હું શાંતિ ઇચ્છતી હતી. એટલા માટે નહીં કે હું નબળી છું. કેટલાક લોકો મારા નામે ખોટી વાતો ચલાવી રહ્યા છે જે મેં ક્યારેય કરી નથી. તેઓ એવી વાર્તા બનાવી રહ્યા છે જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. કોઈ પણ સત્ય વિના મારા નામનો ઉપયોગ ફક્ત લાભ લેવા માટે કરવામાં આવી રહ્યો છે એનાથી મને ખૂબ દુઃખ થાય છે. હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે મેં કોઈ ઇન્ટરવ્યુ, નિવેદન કે રેકૉર્ડિંગ આપ્યાં નથી. જો તમારી પાસે કોઈ વાસ્તવિક પુરાવા, કોઈ મેસેજ, ઑડિયો કે વિડિયો હોય જેમાં હું આ વાતો કહી રહી છું તો એ બતાવો. જો નહીં હોય તો કૃપા કરીને મારા નામે અફવા ફેલાવવાનું બંધ કરો. મારું જીવન તમારું કન્ટેન્ટ નથી. મારું મૌન તમારી પરવાનગી નથી. કૃપા કરીને યાદ રાખો કે કોઈ મૌન છે એનો અર્થ એ નથી કે તેની પાસે કહેવા માટે કાંઈ નથી.’