11 October, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
KBCના સ્પેશ્યલ એપિસોડમાં અમિતાભ બચ્ચન સાથે જાવેદ અખ્તર અને ફરહાન અખ્તર
આજે અમિતાભ બચ્ચનની ૮૩મી વર્ષગાંઠ છે. અમિતાભને હોસ્ટ તરીકે ચમકાવતા શો ‘કૌન બનેગા કરોડપતિ (KBC)’માં ગઈ કાલે બિગ બીના બર્થ-ડેની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી અને આ ખાસ એપિસોડમાં ગેસ્ટ તરીકે જાવેદ અખ્તર અને ફરહાન અખ્તરની જોડીએ હાજરી આપી હતી. આ ખાસ એપિસોડમાં જાવેદ અખ્તરે હોસ્ટ અમિતાભ સાથેની જૂની યાદગાર પળો શૅર કરી હતી અને અમિતાભના ફિલ્મી નામ ‘વિજય’ સાથે જોડાયેલી અજાણી હકીકત પણ જણાવી હતી.
અમિતાભની સુપરહિટ ફિલ્મો ‘ઝંજીર’, ‘દીવાર’, ‘ડૉન’ અને ‘ત્રિશૂલ’માં તેમના પાત્રનું નામ વિજય હતું અને તેમને આ નામથી બહુ લોકપ્રિયતા મળી હતી. ‘કૌન બનેગા કરોડપતિ’ના ખાસ એપિસોડમાં જાવેદ અખ્તરે આ નામ સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવતાં કહ્યું હતું કે મેં મારી ફિલ્મોમાં અમિતાભ સિવાય બીજા કોઈ પણ સ્ટારને ક્યારેય પડદા પર ‘વિજય’ નામ નથી આપ્યું.
જાવેદ અખ્તરે કેમ અમિતાભ બચ્ચનને વિજય નામ આપ્યું હતું?
‘કૌન બનેગા કરોડપતિ’માં ગેસ્ટ તરીકે આવેલા જાવેદ અખ્તરે ફિલ્મોમાં અમિતાભને ‘વિજય’ નામ આપવા પાછળના કારણની ચર્ચા પણ કરી હતી. જાવેદ અખ્તરે પોતાનો મુદ્દો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમે ફિલ્મોમાં અમિતાભનાં પાત્રોને ‘વિજય’ નામ આપ્યું હતું, કારણ કે તેઓ ‘ઍન્ગ્રી યંગ મૅન’ના પ્રતીક હતા. ‘વિજય’ નામનો અર્થ થાય છે જય મેળવનાર અને તેમનાં પાત્રો મધ્યમ વર્ગના લોકોના ક્રોધ, સમાજિક અસંતોષ અને તેમની મુશ્કેલીઓને રજૂ કરતાં હતાં. અમે અમિતાભનાં પાત્રોને એવા હીરો તરીકે ડિઝાઇન કર્યાં જે સિસ્ટમને સાફ કરે અને અરાજકતા પર વિજય મેળવે. અમને ખાતરી હતી કે આ પાત્રો માટે ફક્ત અમિતાભ જ યોગ્ય છે, કારણ કે અમે અમિતાભની ક્ષમતા ‘બૉમ્બે ટુ ગોવા’ જેવી ફિલ્મમાં ઓળખી લીધી હતી.’