13 September, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાગર પારેખ
હૉકી, સ્વિમિંગ અને ઍથ્લેટિક્સમાં પણ સાગર પારેખ ઘણો રસ ધરાવતો હતો પણ ભારતમાં ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સનું મહત્ત્વ હોતું નથી એટલે તેનાં માતા-પિતાએ તેને એ તરફ આગળ વધવાની ના પાડી. જોકે તે આજે જ્યાં છે ત્યાં ખૂબ ખુશ છે. આજે જાણીએ સાગર પારેખના જીવનનું કેટલુંક જાણવા જેવું
૧૯૯૬ની પહેલી નવેમ્બરે અમદાવાદના બિઝનેસમૅન સંજય પારેખ અને હેતલ પારેખના ઘરે દીકરો આવ્યો. એકદમ રૂના પિંડા જેવો સફેદ અને સાગરના પાણી જેવી ભૂરી આંખો. એટલે જ કદાચ તેનું નામ રાખવામાં આવ્યું સાગર. તેને જોઈને તેના દાદાના મોઢામાંથી સરી પડ્યું કે આ તો હીરો બનશે. એ સમયે જાણે દાદાની જીભ પર સરસ્વતી બિરાજ્યાં હોય એમ ૨૦ વર્ષ પછી આ છોકરાના ફેસબુક પરના ફોટો જોઈને તેને બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી સામેથી મેસેજ આવ્યો અને જેમાં વર્ષોથી લોકોએ ફક્ત બિઝનેસ જ કર્યો છે, જેમાં મોટા ભાગે બધા જ CA બન્યા છે એવા ગુજરાતી પરિવારે દીકરાને ખુશી-ખુશી પોતાનું કિસ્મત અજમાવવા મુંબઈ મોકલી દીધો. મુંબઈ ગયા પછી ઍક્ટિંગ
કરતાં-કરતાં એક દિવસ સાગરને તેના જીવનનો એક મોટો બ્રેક મળ્યો. એ સિરિયલનું નામ હતું ‘અનુપમા’, જેમાં સમર નામના કૅરૅક્ટર તરીકે લોકોએ સાગરને ખૂબ પસંદ કર્યો. ‘અનુપમા’માં તેના લૉન્ચ પછી જ્યારે તે અમદાવાદ તેના ઘરે ગયો ત્યારે ઍરપોર્ટ પર ઢોલ-નગારા સાથે અમદાવાદવાસીઓએ તેનું સ્વાગત કર્યું. ત્યાં ઊમટી પડેલા અઢળક ફૅન્સનો ઉત્સાહ જતાવી રહ્યો હતો કે હા, આ ભૂરી આંખોવાળો અમદાવાદી છોકરો આખરે હીરો બની ગયો.
બાળપણ
જોકે સાગરને નાનપણથી ઍક્ટિંગ કરવી હતી એવું નહોતું. બિઝનેસ પરિવારના આ દીકરાને પહેલા ધોરણથી જ બોર્ડિંગમાં મૂકીને ભણાવવામાં આવ્યો. એ વિશે વાત કરતાં સાગર કહે છે, ‘મારાં માતા-પિતાને એવું હતું કે બાળક ડિસિપ્લિન શીખે, જાતે બધું કરતું થાય. એટલે મેં મસૂરીમાં મારું સ્કૂલિંગ કર્યું. હું ખૂબ નાનો હતો. ૭-૮ વર્ષે માતા-પિતાથી દૂર રહેનાર બાળક હંમેશાં વિચારે છે કે મેં શું ખોટું કર્યું જેને લીધે મમ્મી-પપ્પા મને આવી પનિશમેન્ટ આપી રહ્યાં છે, પણ ધીમે-ધીમે તમે એ વાતાવરણમાં મિક્સ થતા જાઓ અને ધીમે-ધીમે તમે એ દુનિયાને અપનાવી લો. ખૂબ નાની ઉંમરથી તમે તમારું ધ્યાન ખુદ રાખતાં શીખો. જીવનમાં ડિસિપ્લિન આવી જાય. એ સમયે હું ઘણાં નાટકોમાં ભાગ લેતો. શેક્સપિયરનાં ઘણાં નાટકો મેં કર્યાં. એક નાટક તો મેં ડિરેક્ટ પણ કરેલું પણ એ ઍક્ટિવિટીનો ભાગ હતું, એનાથી વધુ કંઈ નહીં. મેં ક્યારેય સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે હું ઍક્ટર બનીશ.’
સ્પોર્ટ્સમાં રસ
નાનપણમાં સાગરને સ્પોર્ટ્સમાં ખૂબ રસ હતો. તે તેની સ્કૂલનો ફેમસ છોકરો હતો જેને આખી સ્કૂલ ઓળખતી હોય. તે ભારતની અન્ડર-16 બાસ્કેટબૉલ ટીમનો ખેલાડી રહી ચૂક્યો છે. એ સિવાય ઉત્તરાખંડ તરફથી એ સ્ટેટ હૉકી પણ રમી ચૂક્યો છે. રાજ્ય સ્તરનો એ સ્વિમર પણ હતો અને ઍથ્લેટિક્સમાં તેને ખૂબ રસ હતો. એટલે જ મૅરથૉન દોડવી તેને ખૂબ ગમતી. સ્પોર્ટ્સમાં સાગર ઘણો આગળ હતો તો આ જ ક્ષેત્રમાં આગળ વધવાનો વિચાર ન આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં સાગર પારેખ કહે છે, ‘હું જે રમતો હતો એનું ભારતમાં ખાસ મહત્ત્વ નહોતું. ભારતમાં ક્રિકેટને જેટલું મહત્ત્વ છે એટલું બીજી રમતોને નથી. એટલે મારાં માતા-પિતાને મારી કરીઅર તરીકે આ દિશામાં આગળ વધવાનું યોગ્ય ન લાગ્યું. મને સ્પોર્ટ્સ અતિ ગમતી. એટલે દુઃખ પણ થાય કે એમાં સારું કરી શક્યો હોત, પણ જો હું એમાં ગયો હોત તો આજે પણ સ્ટ્રગલ જ કરી રહ્યો હોત કારણ કે જે રમતો હું રમતો હતો એ આપણે ત્યાં પૉપ્યુલર રમતોમાં આવતી નથી.’
પહેલો મોકો
બારમું ધોરણ પાસ કરીને વેકેશનમાં સાગર અમદાવાદ પાછો ફર્યો. એ સમયે ફેસબુક નવું-નવું આવેલું અને બધા યુવાનોને એનું વળગણ હતું. એક દિવસ સાગરના ડેસ્કટૉપ પર ભૂલથી તેનું ફેસબુક અકાઉન્ટ ખુલ્લું રહી ગયું. યુવાન દીકરો સોશ્યલ મીડિયા પર શું-શું કરી રહ્યો છે એની ઉત્સુકતા એક માને તો હોય જ. એટલે તેની મમ્મીએ આ અકાઉન્ટ ખોલ્યું અને જોયું તો એક કાસ્ટિંગ ડિરેક્ટરનો મેસેજ હતો. ફોટોગ્રાફ જોઈને સાગરને પસંદ કરવામાં આવ્યો હતો. તેને મુંબઈ બોલાવી રહ્યા હતા અને કહ્યું હતું કે તેને ફ્લાઇટની ટિકિટ પણ આપશે. આ મેસેજનો રિપ્લાય મમ્મીએ જ સામેથી હકારમાં આપી દીધો. એ વાત કરતાં સાગર કહે છે, ‘મમ્મીએ પોતાની રીતે હા પાડી દીધી પણ પપ્પાને કેવી રીતે કહે એ મૂંઝવણમાં તે હતી. પપ્પા તો સીધું જ કહેવાના હતા કે આ તો ફ્રૉડ હશે કોઈ, આવી રીતે થોડી કોઈની વાતમાં આવી જવાય? મમ્મીએ ડરતાં-ડરતાં પપ્પાને વાત કરી અને રીઍક્શન એકદમ ઊંધું આવ્યું. પપ્પાએ કીધું કે હા, તું જા; જઈને જો, ટ્રાય તો કરી શકાય. અમને માનવામાં નહોતું આવતું કે પપ્પા માની ગયા. હું ૨૦ વર્ષનો હતો. મને એક નિશ્ચિત પૈસા હાથમાં આપી મુંબઈ એકલો મોકલવામાં આવ્યો. તેમણે કહ્યું કે તું જઈને જો, તને ફાવે તો કરજે નહીંતર આવી જજે. મારી સાથે કોઈ મુંબઈ નહોતું આવ્યું. બોર્ડિંગમાં ભણેલાં બાળકો પર માતા-પિતાને ગજબનો આત્મવિશ્વાસ હોય છે. તેમને ખબર હોય છે કે આ કરી લેશે પોતાનું મૅનેજ.’
તૈયારી
મુંબઈ આવ્યા પછી સાગરે બાલાજી ટેલિફિલ્મ્સનો ચૅનલ વી પર આવતો શો ‘ગુમરાહ’ કર્યો. એ એપિસોડિક શો હતો. ઍક્ટિંગ વિશે કોઈ જ જાણકારી ન હોય એ અવસ્થામાં કૅમેરાને ફેસ કેવી રીતે કર્યો? એ યાદ કરતાં સાગર કહે છે, ‘મને ખબર નહોતી પણ જેટલી સમજ હતી એ મુજબ મેં શૉટ આપ્યો. આ શો માટે મેં કોઈ ઑડિશન નહોતું આપ્યું. મને એમ જ લઈ લીધેલો. મારો પહેલો શૉટ જોઈને મારા ડિરેક્ટરે મને પૂછ્યું હતું કે તેં ખરેખર પહેલાં કામ નથી કર્યું? મેં કહ્યું ના. મને તો ઍક્શન અને કટ જેવા મૂળભૂત કમાન્ડ વિશે પણ નહોતી ખબર ત્યારે. તેઓ મારાથી ખુશ થયા. તેમણે મને કહ્યું કે તારામાં ખૂબ પોટેન્શિયલ છે, મહેનત કરજે, શીખતો રહેજે. મેં આ મંત્ર અપનાવી લીધો. એ પછી નાનાં-મોટાં ઘણાં કામ કર્યાં. ઘણી ઍક્ટિંગ વર્કશૉપ કરતો. આરામનગરમાં સવારે ૮થી રાત્રે ૧૧ સુધી ત્યાં જ રહેતો. જુદાં-જુદાં ઑડિશન કઈ રીતે અપાય છે, શું જરૂરી છે એ શીખતો રહેતો, જાણતો રહેતો. અઢળક ઑડિશન મેં આપ્યાં. નાનાં-મોટાં ઘણાં કામ કર્યાં. એ સમયે ચાંદિવલી સ્ટુડિયોઝમાં ૧૦ જુદા-જુદા શોઝનું શૂટિંગ એકસાથે થતું. આમ તો શૂટિંગ પર બહારના માણસોને આવવા ન દે, પણ આ જગ્યા એવી હતી કે એ ખુલ્લી હતી. બહારથી કોઈ આવે તો સમજાય નહીં. મેં ત્યાં કેટલાય દિવસો કાઢ્યા છે, એ સમજવા કે શૂટિંગ કઈ રીતે થાય છે, શું પ્રોસેસ છે. આ બધું શીખવું ખૂબ જરૂરી છે.’
કરીઅર
સાગરે ‘ફના: ઇશ્ક મેં મરજાવાં’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘રાજા બેટા’, ‘ઇન્ટરનેટવાલા લવ’ જેવી ટીવી-સિરિયલો અને અને વેબ-સિરીઝ ‘જબ્બર કા ટબ્બર’ અને ‘કૈસી હૈ યે યારિયાં’માં કામ કર્યું છે. સબ ટીવી પર ‘તેરા યાર હૂં મૈં’ નામની સિરિયલમાં તેનો કૅમિયો હતો જે દર્શકોને એટલો ગમ્યો કે જ્યાં ૨-૪ એપિસોડમાં જ તે કામ કરવાનો હતો એને બદલે ૧૩૫ એપિસોડ જેટલી તેના પાત્રની લાંબી વાર્તા બની. હાલમાં તે ‘જાગૃતિ-એક નયી સુબહ’ નામની સિરિયલ કરી રહ્યો છે. ‘અનુપમા’માં સમર શાહના પાત્રથી તેને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી છે. આ પાત્ર મળ્યું કઈ રીતે એની વાત કરતાં સાગર પારેખ કહે છે, ‘એ સમય સુધીમાં હું ઑડિશન કઈ રીતે ક્રૅક કરવાં એ શીખી ચૂક્યો હતો. એ સમયે હું ‘તેરા યાર હૂં મૈં’ કરી રહ્યો હતો એટલે બીજે કામ કરવા માટે મારી પાસે તારીખો નહોતી. એટલે કોઈ ઑડિશન હું આપી રહ્યો નહોતો, પણ મારી પાસે ઑડિશનની સ્ક્રિપ્ટ આવી હતી. આટલાં વર્ષોથી હું ઑડિશનની સ્ક્રિપ્ટ જોતો આવ્યો હતો. એ હંમેશાં ઠીકઠાક લખેલી હોય, ભાષા કે ફ્લો સારાં ન હોય. આ સ્ક્રિપ્ટ ખૂબ સરસ લખેલી હતી. એક મોનોલૉગ હતો. ગમી એટલે વાંચી કાઢી. ત્યાં મારી પાસે એક મિત્ર આવ્યો જેને આ ઑડિશન આપવું હતું. તે નર્વસ હતો કે કઈ રીતે આ ઑડિશન આપું. મેં તેને કહ્યું, ચાલ હું તને શીખવું. હું તેને સમજાવતો હતો પણ તેણે મને કહ્યું કે તું કરીને બતાવને. મેં આખો મોનોલૉગ ભજવીને બતાવ્યો. તેણે રેકૉર્ડ પણ કરી લીધો. પોતે પ્રૅક્ટિસ કરવા માટે તેણે આ કરેલું. તેણે કહ્યું કે હું મારું તો મોકલું જ છું, તારું પણ મોકલી દઉં? મેં કહ્યું કે સારું, તું મોકલી દે. મને ત્યારે ખબર પણ નહોતી કે આ ઑડિશન કયા શો માટે છે. ઑડિશન સિલેક્ટ થયું. મને મળવા બોલાવ્યો. એ સમયે મને ખબર પડી કે આ ‘અનુપમા’ માટે છે. એ સમયે મારી મમ્મી મારી સાથે હતી. તે આ શોની મોટી ફૅન. એટલે તે તો ભયંકર ખુશ થઈ ગઈ. મને કહે કે તું કરી જ નાખ સાઇન, આનાથી સારું કંઈ નથી. હું એ શો જોતો નહોતો એટલે મને ત્યારે મમ્મીનો ઉત્સાહ સમજાયો નહીં પણ એ જોઈને હું ખૂબ ખુશ હતો. મેં તેમને કહ્યું કે મારી પાસે તારીખો નથી, પરંતુ બન્ને શોના પ્રોડક્શન હાઉસે વાત કરી લીધી અને મેળ પડી જાય એમ લાગતું હતું.’
અનુભવ
‘અનુપમા’નો કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યા પછી સાગરને ખબર પડી કે આ રોલ તો પહેલાં કોઈ બીજું કરતું હતું અને તેને રિપ્લેસ કરીને તે શોમાં આવ્યો છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘એ સાંભળીને હું નર્વસ થઈ ગયો હતો. મને કહેવામાં આવેલું કે લોકો તેને ખૂબ પસંદ કરતા એટલે મારી સરખામણી તેની સાથે થવાની જ હતી. બે રાત સુધી મને ઊંઘ ન આવી. પહેલો જ શૉટ ડાન્સનો હતો. મેં મારા જીવનમાં ક્યારેય ડાન્સ કર્યો નહોતો એ પહેલાં, પણ મારે સારું કરવું જ હતું. મહેનત કરી અને એ શૉટ આપ્યો ત્યારે સેટ પર લોકોએ તાળીઓ વગાડી. ત્યારે મનનો ડર ઓછો થયો. લોકોના સોશ્યલ મીડિયા પર કમેન્ટ આવવા લાગી, જેમાં ઘણા લોકોએ ટ્રોલ પણ કર્યો મને. ઘણા ખરાબ શબ્દો વાપરવામાં આવ્યા મારા માટે. એક અઠવાડિયું થયું અને ધીમે-ધીમે લોકોને હું પસંદ આવવા લાગ્યો. જ્યારે કોઈ પણ પાત્ર રિપ્લેસ થાય ત્યારે ઍક્ટરે મહેનતની સાથે-સાથે ધીરજ પણ રાખવી પડે છે. ધીરજનું ફળ મને ઘણું મીઠું મળ્યું. લોકોએ અનહદ પ્રેમ આપ્યો મને. ફીમેલ અટેન્શન પણ ઘણું મળ્યું મને. મને યાદ છે એક વખત મારા ઘરે છોકરીઓનું એક મોટું ટોળું આવી ચડ્યું. હું હાફ પૅન્ટમાં હતો અને દરવાજો ખોલ્યો તો આ બધાં સામે. માંડ હૅન્ડલ કર્યાં. એ દિવસે આ બનાવને લીધે સોસાયટીએ મીટિંગ બોલાવી કે કઈ રીતે સિક્યૉરિટી સખત કરવી જરૂરી છે.’
જલદી ફાઇવ
શોખ - ‘અનુપમા`ને કારણે આજે હું ડાન્સનો શોખ ધરાવું છું ગિટાર વગાડવી પણ મને ગમે છે. લેખન પણ મને ગમે છે.
સપનું - કોઈ પણ ઍક્ટરની પરમ ઇચ્છા એ હોય છે કે તે બોલીવુડમાં કામ કરે. મને એક મસાલા ફિલ્મ કરવી છે.
ડર શેનો લાગે? - હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે મારો સૌથી મોટો ડર એ હતો કે કામ નહીં મળે તો પાછા જવું પડશે અને મારાં મમ્મી-પપ્પાના મિત્રો તેમને કહેશે કે આ હીરો તો ઝીરો બની ગયો. હું ક્યારેય નથી ઇચ્છતો કે મારાં માતા-પિતાને આવું કંઈ સાંભળવું પડે.
લગ્ન - કરવાં છે પણ હમણાં નહીં. જ્યારે પણ કરીશ ત્યારે લવ-કમ-અરેજ્ડ કરીશ મારાં મમ્મી-પપ્પા ઘણા કૂલ છે એટલે ખાસ વાંધો નહીં આવે.
રિવાજ - દર દિવાળીએ લક્ષ્મીપૂજા કરવા હું અમદાવાદ મારા ઘરે જાઉં છું. એ ફિક્સ છે દુનિયા અહીંની તહીં થઈ જાય, ગમે તેવું કામ હોય પણ હું મારા ઘરની દિવાળી પૂજા ક્યારેય મિસ નથી કરતો.