સાવકી દીકરી સામે આખરે વીફરી રૂપાલી ગાંગુલી

13 November, 2024 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બદનક્ષીભર્યા આક્ષેપો સામે ઠોકી દીધાે ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવોઃ એને પગલે ઈશા વર્માએ સોશ્યલ મીડિયા પરથી તરત બધી પોસ્ટ હટાવી લીધી

રૂપાલી ગાંગુલી અને તેનો પતિ (ડાબે), સાવકી દીકરી

‘અનુપમા’ સિરિયલની ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પર તેની સાવકી દીકરી ઈશા વર્માએ વિવિધ ઇન્ટરવ્યુ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેટલાક સમયથી ગંભીર આરોપ મૂકતાં તેણે તેની સામે ૫૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઠોકી દીધો છે. આ બધાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈશા વર્માની ચાર વર્ષ જૂની એક પોસ્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ હતી જેમાં ઈશાએ દાવો કર્યો હતો કે રૂપાલી સાયકોટિક અને અબ્યુઝિવ વુમન છે. ત્યાર પછી ઈશાએ ઘણા નવા ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા જેમાં તેણે રૂપાલી ગાંગુલી પર ઘણા આક્ષેપો કર્યા હતા. ઈશાએ રૂપાલીની નોટિસ મળ્યાના થોડા કલાકો પહેલાં પણ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો મૂક્યો હતો જે હવે તેણે ડિલીટ કરી દીધો છે. તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પ્રાઇવેટ કરી નાખ્યું છે. ઈશાએ રૂપાલી ગાંગુલી વિશે સોશ્યલ મીડિયા પર કરેલી બદનક્ષીભરી બધી પોસ્ટ પણ હટાવી લીધી છે.

ઈશા રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્માની અગાઉનાં લગ્નથી થયેલી દીકરી છે અને તેણે પિતા સામે પણ બળાપો વ્યક્ત કર્યો છે.

આ બધાના પગલે રૂપાલીએ ઈશાને બદનક્ષીના કેસની નોટિસ મોકલી છે. નુકસાન ભરપાઈ તરીકે તેણે ૫૦ કરોડ રૂપિયાની માગણી કરી છે.

આ સંદર્ભે રૂપાલી ગાંગુલીની વકીલ સના રઈસ ખાનની ટીમે કહ્યું હતું કે અમે રૂપાલી ગાંગુલીની સાવકી દીકરીને તેનાં ખોટા અને બદનક્ષી કરતાં નિવેદનો સામે નોટિસ મોકલી છે. ઈશા વર્મા રૂપાલી સામે બદનક્ષીભરી વાતો કરીને પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને રૂપાલીએ તેની પ્રતિષ્ઠાને પાયાવિહોણા દાવાઓથી બચાવવા માટે આ કાનૂની પગલું ભર્યું છે. આ પાયાવિહોણા આરોપો સ્પષ્ટપણે રૂપાલી ગાંગુલીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને તેની લોકપ્રિયતાને ખોટી રીતે વટાવવાનો પ્રયાસ છે. આવા આરોપોથી તેને માનસિક રીતે ધક્કો લાગ્યો છે એટલું જ નહીં, તેની વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને નુકસાન પહોંચ્યું છે.

ઈશા વર્મા રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્માની ભૂતપૂર્વ પત્ની સપના વર્માની દીકરી છે. અશ્વિન અને સપનાએ ૧૯૯૭માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૮માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. ઈશાએ દાવો કર્યો હતો કે રૂપાલીએ તેનું અને તેની મમ્મીનું શારીરિક, માનસિક, મૌખિક અને ભાવનાત્મક રીતે શોષણ કર્યું હતું.

૨૬ વર્ષની ઈશા હાલમાં અમેરિકામાં રહે છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘ઇન્ટરનેટ પર જે કમેન્ટ વાઇરલ થઈ છે એ મેં ચાર વર્ષ પહેલાં કરી હતી અને ત્યારે હું એકદમ યુવાન હતી. એ સમયે હું ૨૨ વર્ષની હતી અને રૂપાલી ગાંગુલીના એક વિડિયોને જોયા બાદ મેં એ કમેન્ટ કરી હતી. એમાં રૂપાલી એવું કહી રહી છે કે તે તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે સુખી લગ્નજીવન માણી રહી છે. હકીકતમાં ૨૦૦૦ની સાલમાં હું જ્યારે બે વર્ષની હતી ત્યારે તેને મારા પિતા સાથે અફેર હતું. મારાં માતા-પિતાએ ૨૦૦૮માં છૂટાછેડા લીધા હતા, એથી તમે વિચારી શકો છો કે મારા મન પર શું વીત્યું હશે.’

rupali ganguly anupamaa star plus indian television television news entertainment news