21 July, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્ચના પૂરણ સિંહ
અર્ચના પૂરન સિંહ કહે છે કે હું ફિલ્મમેકર્સને કહેવા ઇચ્છું છું કે મારે ઍક્ટિંગ કરવી છે
અર્ચના પૂરન સિંહ લાંબા સમયથી ‘ધ કપિલ શર્મા શો’માં દર્શકોનું મનોરંજન કરી રહી છે પણ તે ઘણા સમયથી ટીવી-સિરિયલ અથવા વેબ-સિરીઝમાં જોવા નથી મળી. અર્ચના જોકે ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ અને ‘ટોસ્ટર’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે અને વ્લૉગિંગ પણ કરી રહી છે, પણ આમ છતાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું છે કે તેને ઘણા સમયથી ફિલ્મોમાં અભિનયની ઑફર મળી નથી.
હાલમાં પોતાની કરીઅર વિશે વાત કરતા અર્ચનાં પૂરન સિંહે કહ્યું હતું કે ‘મને બ્રૅન્ડ એન્ડૉર્સમેન્ટની ઑફર તો મળે છે પણ અભિનયની ઑફર હજુ પણ મળતી નથી. ‘ટોસ્ટર’ પછી મારી પાસે ઑફર્સનો ઢગલો થઈ ગયો હોય એવું બિલકુલ નથી. હાલમાં મને સારાં પાત્રો મળી રહ્યાં નથી. હું તમામ ફિલ્મમેકર્સને ફરી એક વાર કહેવા માગું છું કે હું અભિનય કરવા ઇચ્છું છું. જોકે અમારી ઇન્ડસ્ટ્રીની કાર્યપદ્ધતિ અલગ છે અને કદાચ એ જ એની ખાસિયત પણ છે. ‘બોલ બચ્ચન’ રિલીઝ થયા પછી ઘણા ટ્રેડ-અૅનલિસ્ટ્સના ફોન આવ્યા હતા. તેઓ કહેતા હતા કે હવે મારી પાસે ઑફર્સની લાઇન લાગી જશે. મેં તેમને કહ્યું હતું કે પહેલી ઑફર મળશે ત્યારે હું તમને ફોન કરીશ. આજે ૧૦ વર્ષ વીતી ગયાં, પણ તેમને ફોન કરવાની તક જ મળી નહીં. આ ૧૦ વર્ષમાં મને એક પણ ફિલ્મની ઑફર મળી નથી. અમારી ઇન્ડસ્ટ્રી ખરેખર ઘણી વિચિત્ર છે. ઘણા ફિલ્મમેકર્સને લાગતું હતું કે હું કૉમેડી શોમાં ખૂબ વ્યસ્ત છું અને તેથી તેમને મારી ડેટ્સ નહીં મળે. જ્યારે હું ટીવી-શો કરતી હતી ત્યારે કેટલીક ફિલ્મોની ઑફર આવી પણ હતી પણ હું સ્વીકારી શકી નહોતી.’