રાવણનો રોલ ભજવતી વખતે અરવિંદ ત્રિવેદી આખો દિવસ રાખતા હતા ઉપવાસ

13 July, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર એટલા સમર્પણથી ભજવ્યું હતું કે આજે પણ આ ભૂમિકા માટે લોકો તેમને યાદ કરે છે.

અરવિંદ ત્રિવેદી

હાલમાં નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર રામની જ્યારે સાઉથનો સ્ટાર યશ રાવણની ભૂમિકા ભજવશે. જોકે આ બન્ને પાત્રોની સરખામણી ‘રામાયણ’ સિરિયલમાં રામનો રોલ કરનાર અરુણ ગોવિલ અને રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી સાથે ચોક્કસ થશે, કારણ કે આ બન્નેને ૧૯૮૭માં આવેલી રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં દેશવ્યાપી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી.

રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર એટલા સમર્પણથી ભજવ્યું હતું કે આજે પણ આ ભૂમિકા માટે લોકો તેમને યાદ કરે છે. તેમના દમદાર ડાયલૉગ્સ અને રોબદાર આંખોએ આ પાત્રમાં જાણે જીવ ફૂંકી દીધો હતો. બહુ ઓછા લોકો આ વાત જાણતા હશે કે અરવિંદ ત્રિવેદી જ્યારે ‘રામાયણ’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ આખો દિવસ ઉપવાસ રાખતા હતા. સેટ પર તેઓ કશું ખાતા નહોતા અને જ્યારે તેમનું શૂટિંગ પૂરું થઈ જતું ત્યારે તેઓ ઘરે જઈને પોતાનો ઉપવાસ છોડતા હતા.

અરવિંદ ત્રિવેદીએ આ પાત્ર ભજવવાના પોતાના અનુભવ વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સેટ પર શૂટિંગ શરૂ કરતાં પહેલાં તેઓ દરરોજ ભગવાન શિવની પૂજા કરતા હતા. આ સાથે તેઓ ભગવાન શ્રીરામની પણ પૂજા કરતા હતા અને સેટ પર શ્રીરામ માટે બોલાયેલા અપશબ્દો માટે માફી પણ માગતા હતા.

television news indian television ramayan entertainment news